વલસાડ: (Valsad) નવસારીમાં રહેતા અને મુંબઇ નેવીની (Navy) ટ્રેનિંગ માટે ગયેલા એક યુવકને તેની હોસ્ટેલમાં સાથે રહેતા એક સાથીદારે હોસ્ટેલના ઝઘડાની અદાવતમાં પરત ફરતી વખતે કેટલાક યુવાનો પાસે ચાલુ ટ્રેનમાં (Train) માર મરાવ્યો હતો. જેના પગલે મામલો પોલીસ (Police) મથકે પહોંચ્યો છે.
- નેવીની ટ્રેનિંગ માટે મુંબઇ ગયેલા નવસારીના યુવકને હોસ્ટેલના સાથીદારે ટ્રેનમાં માર મરાવ્યો
- હોસ્ટેલના ઝઘડાની અદાવતમાં યુવાનને ફ્લાઇંગ રાણી ટ્રેનમાં યુવાનને ફટકારનારા ચાર ઝડપાયા
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ નવસારીમાં રહેતો અને નવી મુંબઇ બેલાપુરમાં રહેતા યશકુમાર અશ્વિનભાઇ ટંડેલ (ઉવ.27) નો તેની સાથે ટ્રેનિંગ લેતા નવસારી મરોલીના તેજશ ઉત્તમ પટેલ સાથે હોસ્ટેલમાં કોઇ વાતે ઝઘડો થયો હતો. એ વાતની અદાવત રાખી ગતરોજ મુંબઇથી ટ્રેનમાં પરત ફરતી વખતે તેજશે યશના મિત્ર શ્રેયસને ફોન કરી કયા ડબ્બામાં બેઠા હોવાનું પુછી તેને મળવા આવ્યો હતો.
તેજશ યશ સાથે હાથ મેળવી વલસાડ રેલવે સ્ટેશન પર ઉતરી ગયો હતો. જોકે, ત્યારબાદ બીલીમોરા સ્ટેશન ગયું અને તેના 5 મિત્ર ત્યાં આવ્યા અને તેણે યશને ઢોર માર માર્યો હતો. જેના પગલે યશે બનાવ સંદર્ભે નવસારી ઉતરી રેલવે પોલીસને ફરિયાદ કરી હતી. આ ફરિયાદ વલસાડ રેલવે પોલીસમાં આવી હતી. જેમાં પોલીસે તપાસ કરી આ મારામારીમાં સામેલ નવસારી છાપરાના દર્શિત બિપીન પટેલ, સાગર ડાહ્યા પટેલ, શ્યામ ગોવિંદ પટેલ, યુવરાજ ગણપત પટેલને પકડી પાડ્યા હતા. અન્ય એક સાથીદાર પુર્વિત ઉત્તમ પટેલ પણ સામેલ હોય તેને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બીલીમોરાના ઊંડાચ ગામે નદીમાં નાહવા પડેલો શખ્સ ડૂબી ગયો
બીલીમોરા : બીલીમોરા નજીકના ઊંડાચ ગામે રહેતા ઉમેદભાઇ રામસિંગ વસાવા (45 મુળ રહે સજનવાવ નિશાળ ફળિયું તા. ડેડીયાપાડા જિ. નર્મદા, હાલ રહે ઉંડાચ કાછલ ફળિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખુલ્લા મેદાનમાં) ગતરોજ શુક્રવારે સાંજે ઉંડાચ કાછલ ફળિયા ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં આવેલી કાવેરી નદીના પાણીમાં નાહવા ગયો હતો, ત્યાં અચાનક તે પાણીમાં ડૂબી જતાં તેમનું મોત નીપજ્યું હતું. બીલીમોરા નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનોએ શનિવારે સવારે તેમનો મૃતદેહ પાણી માંથી બહાર કાઢ્યો હતો. બનાવની જાણ તેમના પરિવારજનોએ બીલીમોરા પોલીસમાં કરતા પોલીસ કાર્યવાહી કરી રહી છે.