વલસા: (Valsad) કોઇ પણ પોલીસ મથકે પાર્ક કરેલી કાર કે બાઇકમાંથી પાર્ટ્સની ચોરી (Theft) સામાન્ય રીતે થતી હોય છે, પરંતુ વલસાડ પોલીસ મથક બહાર પોલીસે પકડેલી કાર ચોરી કરવાની ઘટનાએ વલસાડમાં ઇતિહાસ બનાવી દીધો છે. જોકે, આ ઘટનાની પોલીસ (Police) ફરિયાદ બાદ પોલીસની અનેક ટીમ કારચોરને શોધવા મંડી પડી અને તેમણે કાર ચોરી દારૂમાં (Alcohol) ફેરવતા બુટલેગરને અને તેના સાથીને પકડી પાડ્યો હતો. આ કેસ ઉકેલાઇ જતાં પોલીસના માથે લાગેલી કાળી ટીલી દુર થતાં વલસાડ પોલીસે રાહતનો દમ લીધો છે.
- તો.. વલસાડ પોલીસના ઈતિહાસમાં કલંકરૂપ કિસ્સો બની ગયો હોત
- પોલીસે જપ્ત કરેલી કાર પોલીસ મથકેથી જ ચોરી દારૂની હેરાફેરી શરૂ કરી દેનારા બે ઝડપાયા
- વલસાડ ગ્રામ્ય મથકેથી કાર ચોરાઈ હતી, શોધવા માટે સમગ્ર વલસાડની પોલીસ બેબાકળી બની હતી
- નંબર પ્લેટ બદલી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળતાં બંનેને દબોચી લીધાં: અન્ય વાહનચોરીના ભેદ પણ ઉકેલાયા
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, રૂરલ પોલીસ મથક બહાર પોલીસે પકડેલી કાર (નં. જીજે-05-સીબી-8235) કોઇ ચોર ઇસમ ચોરી ગયો હતો. આ ઘટનાને લઇ વલસાડ સિટી પોલીસ સાથે એલસીબી અને એસઓજી પણ આ ગુનો ઉકેલવા બેબાકળી બની ગઈ હતી. પોલીસે પકડેલી કાર ચોરવાની હિંમત કોણ કરે અને હિંમત કરી તો એ કારને ક્યાં વેચી હશે એવા સવાલોના જવાબો પોલીસ શોધી રહી હતી. જોકે, બીજી તરફ આ કારનો નંબર બદલી ચોર આ કાર વલસાડમાં જ ચલાવતો હોવાનું પોલીસને ધ્યાને આવ્યું હતું.
આ કાર પર નવો નંબર (જીજે-15-ડીડી-7807) લગાવી વલસાડમાં જ ફરતી હોવાની માહિતી પોલીસને મળી હતી. આ કાર કમલેશ ગાંગુ પૃથ્વીલાલ પ્રજાપતિ (રહે. શેઠિયા નગર, વલસાડ મૂળ રહે. ઉદયપુર રાજસ્થાન) પાસે હોવાની જાણકારી મળતાં પોલીસે તેના ઘરની બહાર વોચ ગોઠવી હતી. ત્યારબાદ તેમણે આ કારને પકડી પાડી હતી. જેમાંથી પોલીસે દારૂનો જથ્થો પણ પકડી પાડ્યો હતો. આ કાર ચોરવામાં તેમનો સાથી ઉપેન્દ્રસિંઘ રામપ્રવેશ દેવરાજ સિંઘ (રહે. ગોડાદરા નહેર, સુરત મૂળ રહે. બલિયા ઉત્તર પ્રદેશ) પણ પકડાઇ ગયો હતો.
આ બંને કારચોર એવા બુટલેગરોની પોલીસે યોગ્ય પુછતાછ કરતા તેમણે સફેદ કલરની એક વેગનઆર કાર, ભુરા કલરની એક એક્ટિવા મોપેડ, ભુરા કલરનું યામાહા, કાળા કલરની સ્પ્લેન્ડર પણ ચોરી કરી હોવાનું કબુલ્યું હતું. આ તમામ વાહનો પણ પોલીસે કબજે લીધા હતા અને આ બંને આરોપીઓ વિરૂદ્ઘ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.