વલસાડ: (Valsad) વલસાડ ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પરથી વલસાડ સીટી પોલીસે (City Police) બાતમીના આધારે બોલેરો પીકઅપમાંથી રૂપિયા 2.16 લાખના ઇંગ્લિશ દારૂ (Alcohol) ઝડપી પાડીને ચાલકની ધરપકડ કરી છે.
- ‘બેટી બચાવો બેટી પઢાઓ, મેરા ભારત મહાન’ લખેલા ટેમ્પોમાંથી દારૂ ઝડપાયો
- વાહનમાં તપાસ કરતા 2.16 લાખનો ઇંગ્લિશ દારૂ બોટલ 3084 બોટલ મળી આવી
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વલસાડ સીટી પોલીસની ટીમ હાઇવે ઉપર પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે વલસાડના ધરમપુર ચોકડી ઓવરબ્રિજ નેશનલ હાઇવે નંબર 48 સુરત તરફ જવાના માર્ગ ઉપર વોચ ગોઠવી બોલેરો પીકઅપ નંબર એમએચ-48 ટી-0183 અને પાછળ લખાણ લખેલું ‘બેટી બચાવો બેટી પઢાઓ મેરા ભારત મહાન’ આવતા જોતા પોલીસે બોલેરો અટકાવ્યો હતો. વાહનમાં તપાસ કરતા 2.16 લાખનો ઇંગ્લિશ દારૂ બોટલ 3084 બોટલ મળી આવી હતી. પોલીસે દમણના ટેમ્પા ચાલક રીતેશ દિલીપભાઈ ધોડીની ધરપકડ કરી હતી. જ્યારે માલ ભરાવનાર વાપીના દેવાંગ ઉર્ફે ટીકુ ધોડીને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે દારૂ અને મોબાઈલ મળી કુલ્લ રૂ.7.21 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
નવસારીમાં 26 હજારના વિદેશી દારૂ સાથે 2 ઝડપાયા
નવસારી : નવસારી ટાઉન પોલીસે બાતમીના આધારે રમાબેન હોસ્પિટલ સામે ઘરમાંથી 26 હજારના વિદેશી દારૂ સાથે બેને ઝડપી પાડ્યા હતા. જ્યારે દારૂ ભરાવનારને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, નવસારી ટાઉન પોલીસને બાતમી મળી હતી કે, મૂળ મહારાષ્ટ્ર ધુલિયા જિલ્લાના ડાગરી તાલુકાના મહુવાડી ગામે મહાદેવ મંદિર પાસે અને હાલ નવસારી રમાબેન હોસ્પિટલ માતા ફળીયામાં રહેતા મનોજ પંડરીનાથ સીમ્પી તેમજ વિજલપોર વિઠ્ઠલમંદિર પાસે આકાશગંગા સોસાયટીમાં રહેતા ભાવેશભાઈ હિંમતલાલ શાહે રમાબેન હોસ્પિટલ સામે માતા ફળીયામાં આવેલા ઘરમાં વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરી રાખ્યો છે.
જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર જઈ છાપો મારતા ત્યાંથી 26,200 રૂપિયાની વિદેશી દારૂની 25 નંગ બાટલીઓ મળી આવતા મનોજ અને ભાવેશભાઈને ઝડપી પાડ્યા હતા. પોલીસે મનોજ અને ભાવેશભાઈની પૂછપરછ કરતા વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા બ્રિજની સામે રહેતા દિપક વિદેશી દારૂનો જથ્થો આપી ગયો હોવાનું કબુલતા પોલીસે દિપકને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.