વલસાડ: (Valsad) રાજ્યના મોટા શહેરોમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે વલસાડ જિલ્લામાં પણ કોરોનાના કેસ (Case) વધી રહ્યા છે. બુધવારે જિલ્લામાં નવા 7 કેસ નોંધાયા છે. જ્યારે 3 દર્દીઓ સાજા થતા રજા અપાઈ હતી. જિલ્લામાં આરોગ્ય વિભાગના (Health Department) આકડાંઓ જોઈએ તો 4 દિવસમાં જ 22 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ 16 કેસ માત્ર વલસાડ તાલુકામાં નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ 1425 કેસ નોંધાયા છે, જે પૈકી 1237 સાજા થયા છે, 35 સારવાર હેઠળ છે, જ્યારે 9 લોકોના કોરોનાથી મોત થયા છે અને કોરોના પોઝિટિવ પરંતુ અન્ય કારણોસર 144 મોત આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા છે. નવા નોંધાયેલા કેસમાં વલસાડમાં જલારામ પાર્ક સિવિલ રોડનો 52 વર્ષીય પુરુષ, દંતરાય ફળિયું છરવાડા-વાપીની 23 વર્ષીય મહિલા, વલસાડના આદિનાથ કોમ્પ્લેક્સનો 21 વર્ષીય યુવાન, શ્વેતશ્યામ એપાર્ટમેન્ટની 25 વર્ષીય યુવતી, પારડીના કચવાલ મંદિર ફળીયાનો 40 વર્ષીય પુરુષ, બાલદા રેસિડન્સીનો 23 વર્ષીય યુવાન અને વાપી કોપરલી રોડ, આશાધામ સ્કૂલ સામે રહેતી 40 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે.
15 દિવસમાં કોરોનાના 43 કેસ સામે આવ્યા
વલસાડ જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં કોરોનાના 43 કેસ નોંધાયા છે. જે પૈકી 31 કેસ માત્ર વલસાડ તાલુકામાં નોંધાયા છે. એ જોતાં વલસાડ શહેર તાલુકામાં અન્ય તાલુકાઓ કરતા સંક્રમણ વધુ હોવાનું આરોગ્ય વિભાગના આકડાંઓ ઉપરથી ફલિત થઇ રહ્યું છે. વલસાડ જિલ્લામાં અત્યાર સુધી વલસાડ તાલુકામાં 571, પારડી તાલુકામાં 199, વાપી તાલુકામાં 416, ઉમરગામ તાલુકામાં 120, ધરમપુર તાલુકામાં 53 અને કપરાડા તાલુકા 66 કોરોનાના કેસો નોંધાયા છે.
સંઘપ્રદેશમાં કોરોનાના વધુ 11 કેસ નોંધાયા
દમણ, સેલવાસ : સંઘપ્રદેશ દમણમાં બુધવારે વધુ 3 અને સેલવાસમાં 8 કેસ કોરોના પોઝિટિવના નોંધાયા હતા. જેને લઈ દમણમાં એક્ટિવ કોરોના પોઝિટિવની સંખ્યા 29 ઉપર પહોંચી છે. આજે વધુ 2 દર્દીઓ સ્વસ્થ થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. દાદરા નગર હવેલીમાં નવા આઠ કેસ નોંધાયા છે. પ્રદેશમાં હાલ 34 સક્રિય કેસ છે, અત્યાર સુધીમાં 1666 કેસ રીકવર થઇ ચુક્યા છે અને એક વ્યક્તિનુ મોત થયેલું છે. પ્રદેશમાં 311 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાંથી આઠ વ્યક્તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતો. પ્રદેશમાં સાત કન્ટેન્મેન્ટ ઝોન નક્કી કરાયા છે.
ડાંગ જિલ્લા ભાજપ મહામંત્રી સહીત ત્રણ કોરોનામાં સપડાયા
સાપુતારા : ડાંગ જિલ્લામાં આજે કોરોનાના વધુ ત્રણ કેસ સામે આવ્યા હતા.
ડાંગમાં દિનપ્રતિદિન કોરોનાનાં કેસની સંખ્યા વધી રહી છે. ગતરોજ ધારાસભ્ય વિજય પટેલ તથા તેના પત્ની હંસાબેન પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને હોમ ક્વોરન્ટાઈન કરાયા હતા. આજે ડાંગ જિલ્લા ભાજપા સંગઠનનાં મહામંત્રી અને આહવા ગ્રામ પંચાયતનાં સરપંચ હરીરામભાઈ સાંવત સહીત આહવા તાલુકાનાં મૂળચોંડ ગામનાં 38 વર્ષીય યુવક તથા દીવાનટેબ્રુન ગામની 31 વર્ષીય યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાનો કુલ આંકડો 176 પર પહોચ્યો છે. જેમાંથી 166 દર્દી સંપૂર્ણપણે સાજા થઈ જતા તેઓને રજા આપવામાં આવી છે. જ્યારે હાલમાં 10 દર્દી સારવાર હેઠળ છે. ડાંગમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગ દ્વારા 6 સ્થળોને કન્ટેન્મેન્ટ ઝોન એરીયા જાહેર કરી સર્વે હાથ ધર્યો છે.