વલસાડ: (Valsad) કપરાડા તાલુકાના નાનાપોંઢા-વાપી માર્ગ પર કાકડકોપર ગામ નજીક શનિવારે માંડવા મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓની બાઈકને (Bike) અજાણ્યા વાહને અડફેટે લેતા ગંભીર ઈજાઓને લઈ બંને વિદ્યાર્થીના મોત નીપજ્યા હતા. બંને વિદ્યાર્થીઓ ભંડાર કચ્છ ગામના બારીયા પરિવારના હતા. એક વિદ્યાર્થી તો માતા-પિતાનું એકમાત્ર સંતાન હતું. ઘટના અંગે પોલીસે માર્ગ નજીકના સીસીટીવી (CCTV) ચેક કરવાની કામગીરી હાથ ધરી હતી.
- કપરાડાના કાકડકોપર નજીક વાહન અડફેટે બાઇક સવાર બે વિદ્યાર્થીના મોત
- મૃતકોમાં એક વિદ્યાર્થી માતા -પિતાનું એકમાત્ર સંતાન
- અજાણ્યા વાહને અડફેટે લીધા બાદ નીચે પટકાયેલા માંડવા મોડલ સ્કૂલના બંને વિદ્યાર્થીના માથા પરથી વાહન ફરી વળ્યું
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કપરાડા તાલુકાના માંડવા સ્થિત મોડલ સ્કૂલના ધો.12 ના 2 વિદ્યાર્થી રોહિત દિનેશ બારીયા (ઉવ.17) અને કીર્તન ગણેશ બારિયા 9ઉવ.17 રહે. ભંડારકચ્છ, ફનસપાડા ફળિયા) શનિવારે શાળા છૂટ્યા બાદ બંને વિદ્યાર્થી રોહિત દિનેશ બારીયા અને કીર્તન ગણેશ બારીયા બાઈક લઈ તેમના મિત્રને મૂકી પરત ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન નાનાપોંઢા-વાપી માર્ગ ઉપર કાકડકોપર નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે વિદ્યાર્થીઓની બાઈકને અડફેટે લીધી હતી. જેના પગલે બંને નીચે પટકાતા બંનેના માથા પરથી વાહન ફરી વળતા ગંભીર ઈજાને લઈ ઘટના સ્થળ પર જ બંનેના મોત નીપજ્યા હતા.
ઘટનાની માહિતી મળતાં જ નાનાપોંઢા પોલીસે ઘટના સ્થળે પહોચી મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે નાનાપોંઢા સીએચસી ખસેડ્યા હતા. મૃતકોમાં રોહિત બારીયા પરિવારમાં એકમાત્ર સંતાન હતું. સીએચસી ખાતે પરિવારના સભ્યોના રુદને વાતાવરણ ગમગીન બનાવી દીધું હતું. ઘટના અંગે મૃતક પરિવારના ગણેશ બારીયાએ નાનાપોંઢા પોલીસ મથકે અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાવ્યો હતો. પોલીસે અકસ્માત સર્જનાર અજાણ્યા વાહનની શોધખોળ હાથ ધરી હતી.