વલસાડ: (Valsad) વલસાડ જિલ્લાથી ગુમ થતાં બાળકોને શોધવા જિલ્લા પોલીસ (Police) તત્પર રહેતી હોય છે. પોલીસે ગુમ થયેલા બાળકોને શોધવાનું અભિયાન ચલાવી અનેક બાળકોને શોધી કાઢ્યા હતા, ત્યારે તાજેતરમાં જ વલસાડ અબ્રામા રહેતા બિહારના એક પરિવારનો ધોરણ 7માં અભ્યાસ કરતો 14 વર્ષનો બાળક ગુમ થયો હતો. જેની ફરિયાદ મળતા સિટી પોલીસની ટીમ તેને શોધવા મંડી પડી હતી અને એક સપ્તાહમાં તેને યુપીના સુલ્તાનપુરથી શોધી કાઢ્યો હતો.
- વલસાડથી દિલ્હી થઇ યુપી પહોંચી ગયેલા કિશોરને સિટી પોલીસે શોધી કાઢ્યો
- પોલીસે વલસાડ, વાપી, દિલ્હી, લખનઉ અને સુલ્તાનપુર રેલવે સ્ટેશનના સીસી ટીવી ફૂટેજ જોઇને બાળકને શોધી કાઢ્યો
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ, વલસાડ અબ્રામા વિસ્તારમાં રહેતો 14 વર્ષનો એક કિશોર ગત 10મી એપ્રિલના રોજ ગુમ થઇ ગયો હતો. તેની ફરિયાદ તેના પિતાએ વલસાડ સિટી પોલીસ મથકે નોંધાવતા આ બાળકનું અપહરણ થયું હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ પોલીસને લાગ્યું હતુ. જેના પગલે તેમણે વલસાડ તેમજ વાપી શહેરના અને રેલવે સ્ટેશનના સીસી ટીવી ફૂટેજ ચકાસી કાઢ્યા હતા. જેમાં કિશોર વલસાડથી ટ્રેનમાં વાપી પહોંચ્યો હતો અને વાપીથી દિલ્હીની ટ્રેન પકડી તેમાં બેસતો જણાયો હતો.
જેના પગલે પોલીસે ટ્રેનના મુસાફરોના નંબર લઇ તેની પુછતાછ કરી અને તેઓ દિલ્હી રવાના થયા હતા. જ્યાં તેમણે દિલ્હી રેલવે સ્ટેશનના સીસી ટીવી ફૂટેજ જોયા હતા. જેમાં કિશોર લખનઉની ટ્રેન પકડી ત્યાં જતો જોવા મળ્યો હતો. ત્યારે પોલીસની ટીમ લખનઉ પહોંચી હતી. લખનઉ રેલવે સ્ટેશનના સીસી ટીવીમાં બાળક સુલ્તાનપુરની ટ્રેન પકડી જતો જોવા મળતા પોલીસની ટીમ સુલ્તાનપુર પહોંચી હતી. ત્યાં જઇને તપાસ કરતા તેમને બાળક સહી સલામત મળી આવ્યો હતો. જેના પગલે પોલીસે તેને વલસાડ લાવી તેના પરિવારને સુપ્રત કર્યો હતો.
પિતાના ઠપકાથી માઠું લાગતા બિહાર જવા ભાગ્યો હતો
14 વર્ષના કિશોરે ચોકીદારની પાવરબેંક લીધી હતી. જે અંગે પિતાએ ઠપકો આપ્યો હતો. ત્યારે કિશોરને પોતે ચોરી કરી હોવાનો ઠપકો મળ્યો હોય એવી અનુભૂતિ થતાં તે પોતાના ગામ બિહાર જવા નિકળી ગયો હતો. જોકે, તે બિહાર સુધી પહોંચી શક્યો ન હતો. તેને બિહાર સુધીની ટ્રેન મળી ન હતી અને યુપી સુધી જ પહોંચી શક્યો હતો. જેને પોલીસે ખૂબ મહેનતથી પકડી પાડ્યો હતો.