વલસાડ: (Valsad) નવસારી રેલવે સ્ટેશન (Railway Station) પર આવેલી ખાનદેશ એક્સપ્રેસ ટ્રેનમાં (Train) સવાર એક પરિવારના યુવકનો અન્ય મુસાફર સાથે લાઇટ (Light) બંધ કરવાની નજીવી બાબતે ઝગડો થયો હતો. આ ઝગડામાં અજાણ્યા મુસાફરોએ પોતાના 50 જેટલા સાથીદારોને સ્ટેશન પર બોલાવી યુવકને ટ્રેનમાં ઢોર માર માર્યો હતો. નવસારી રેલવે સ્ટેશન પર થયેલી આ મારામારીના પગલે ટ્રેન વલસાડ (Valsad) આવ્યા બાદ માર ખાનાર યુવકને નીચે ઉતારવામાં અને સારવાર આપવામાં ટ્રેન 20 મિનિટ સુધી અટકાવવી પડી હતી. ઘટનાના પગલે આરપીએફ અને જીઆરપી દોડતી થઇ ગઇ હતી.
- મારામારી થતા ટ્રેનને 20 મિનિટ સુધી વલસાડ રેલવે સ્ટેશન પર ઉભી રાખવી પડી
- ટ્રેનમાં લાઈટ બંધ કરવાના મુદ્દે મુસાફરે નવસારીમાં 50 સાથીદારોને સ્ટેશન પર બોલાવી એન્જિનિયરને ઢોર માર માર્યો
- ઘટના બાદ ટ્રેનના બીજા સ્ટોપ વલસાડ સ્ટેશને એન્જિનિયરને ટ્રેનમાંથી ઉતારી સારવાર આપવામાં આવી – બનાવના પગલે આરપીએફ અને જીઆરપી દોડતી થઇ ગઇ
સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ જલગાંવથી બાન્દ્રા જતી 19004 ખાનદેશ એક્સપ્રેસ ટ્રેનમાં કોચ નં. એસઈ-1માં મુસાફરી કરી રહેલા એન્જિનિયર યુવક દેવેન્દ્ર ઇશ્વર પવારની કોઇ અજાણ્યા ઇસમો સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ ઝઘડામાં અજાણ્યા લોકોએ તેમના અન્ય સાથીદારોને ફોન કરીને બોલાવ્યા હતા. જેના પગલે અંદાજીત 50 લોકોનું ટોળું નવસારી સ્ટેશન પર આવ્યું અને ટ્રેનમાં ચઢી દેવેન્દ્ર પવારને ઢોર માર મારી ટ્રેનમાંથી ઉતરી જતા રહ્યા હતા. આ ઘટના અંગે ટ્રેનના નેક્સટ સ્ટોપ વલસાડ રેલવે સ્ટેશને જાણ કરાતા વલસાડ રેલવે સ્ટેશન પર આરપીએફ અને 108ની ટીમ પહોંચી ગઇ હતી. તેમણે ટ્રેનમાંથી દેવેન્દ્રને ઉતારી તેને સારવાર આપવાનું શરૂ કર્યું હતુ. આ બનાવના પગલે વલસાડ રેલવે સ્ટેશને ટ્રેનને 20 મિનિટ જેટલી થોભાવવી પડી હતી. આ ઘટના અંગે પ્રાથમિક માહિતી લઇ રેલવે આરપીએફ તેમજ રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે.
રૂપિયા 3 લાખની સામે 12.8 લાખની ઉઘરાણી કરી વ્યાજખોરે ચેક બાઉન્સ કરાવ્યો
વલસાડ : વલસાડના ધરમપુરમાં પણ વ્યાજખોરીની ફરિયાદો ઉઠી રહી છે. જેમાં રૂપિયા 3 લાખ ઉછીના આપનારે કોરા ચેક પર રૂ. 12.8 લાખની રકમ ભરી તેને બાઉન્સ કરાવી વ્યાજ લેનારને ધમકાવતો હતો. જેના પગલે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ ધરમપુર પાંજરોલિયા ફળિયામાં રહેતા દિપ્તેશ કિરીટસિંહ ગોહિલે ધરમપુરના ઓધવરામ હરીકૃપામાં રહેતા મિતુલ જીતેન્દ્રભાઇ ભાનુશાળી પાસેથી થોડા વર્ષો અગાઉ પોતાની કાર ગિરવે મુકી રૂ. 2 લાખ વ્યાજે લીધા હતા. ત્યારબાદ પૈસા પર આપી કાર છોડાવી દીધી હતી. જોકે, પોતે ઘર બાંધવાના હોય વધુ પૈસાની જરૂર હોય તેમણે મિતુલ પાસેથી રૂ. 3 લાખ ફરીથી ઉછીના લીધા હતા. જેની સામે તેણે તેને કોરો ચેક લખી આપ્યો હતો. આ રૂ. 3 લાખ સામે તેમણે મિતુલને રૂ. 7.2 લાખ સુધીની રકમ આપી દીધી હતી. તેમ છતાં મિતુલ દ્વારા ઉઘરાણી થતી હોવાની ફરિયાદ દિપ્તેશે કરી હતી. મિતુલે દિપ્તેશના કોરા ચેક પર રૂ. 12.8 લાખની રકમ લખી તેને બાઉન્સ કરાવી દીધો હતો અને સામે કેસ પણ કર્યો હતો. ત્યારબાદ પણ મિતુલ દિપ્તેશને ધમકાવતો હતો. જેના પગલે દિપ્તેશે તેના વિરૂદ્ધ વ્યાજખોરી અંગે ધરમપુર પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે બનાવ સંદર્ભે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.