હવામાન વિભાગની (Weather Department) આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) વરસાદ વરસી રહ્યો છે. વલસાડ, વાપી, દમણ, સંઘપ્રદેશ વિસ્તારમાં બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અહીંના દાદારાનગર હવેલી, ખાનવેલમાં ભારે વરસાદના (Heavy Rain) લીધે નદીઓ ઉભરાઈ છે. ખાનવેલમાં (Khanvel) છેલ્લા 24 કલાકમાં 8 ઇંચથી વધુ જ્યારે સેલવાસમાં 4 ઈંચ વરસાદ પડયો છે. આ તરફ વલસાડના કપરાડામાં આજે સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં 4.5 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે.
વલસાડ-વાપી ઉપરાંત ઉપરવાસમાં પણ મેઘરાજા મનમૂકીને વરસી રહ્યાં હોવાના લીધે વલસાડનો મધુબેન ડેમમાં (Madhuban Dam) પાણીની આવકમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આજે બપોરે 12થી 2 વાગ્યા સુધીના બે જ કલાકમાં ઉપરવાસમાં 107 મિ.મી. વરસાદ વરસ્યો છે. 4 ઈંચથી વધુ વરસાદના લીધે મધુવન ડેમમાં પાણીનું સ્તર વધીને 79.50 મીટર પર પહોંચ્યું છે. હાલમાં ડેમમાં 1.71 લાખ ક્યૂસેક પાણીની આવક નોંધાઈ છે.
સતત પાણીની આવક વધી રહી હોય ડેમનું સ્તર જાળવી રાખવા માટે 10 દરવાજા 3.20 મીટર ખુલ્લા કરી દેવાયા છે. હાલમાં ડેમમાંથી 1.78 લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. સતત પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી દમણગંગા નદી બે કાંઠે થઈ છે. નીચાણવાળા વિસ્તારમાં નદીના પાણી ધસી રહ્યાં છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારના લોકોને સતર્ક રહેવા એલર્ટ જાહેર કરાયું છે. વહીવટી તંત્રને પણ એલર્ટ કરી દેવાયું છે.
ગઇકાલ સાંજે 6 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીના આંકડા
- ઉમરગામ- 48 મિમી
- કપરાડા- 126 મિમી
- ધરમપુર- 98 મિમી
- પારડી- 72 મિમી
- વલસાડ- 25 મિમી
- વાપી- 45 મિમી
સવારે 6 વાગ્યાથી 2 વાગ્યા સુધીના આંકડા
- ઉમરગામ- 09 મિમી
- કપરાડા- 114 મિમી
- ધરમપુર- 56 મિમી
- પારડી- 24 મિમી
અરનાલાનો લો-લેવલ બ્રિજ ડૂબી ગયો
જિલ્લામાં ભારે વરસાદના પગલે પારડીની કોલક નદી બે કાંઠે વહેવા લાગી છે. જ્યારે પાટી અને અરનાલા ગામને જોડતો લો લેવલનો બ્રિજ ફરી વાર ડુબી ગયો છે. જેને પગલે વાહન વ્યવહાર ઠપ થયો છે. બ્રિજ પાણીમાં ગરકાવ થતાં 10થી 12 ગામના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, લોકોને 20થી 25 કિલોમીટર ફરીને અવર જવર કરવી પડે છે.
પોલીસે પેટ્રોલિંગ કરી લોકોને સતર્ક કર્યા
ઉપરવાસમાં 2 કલાકમાં 4 ઈંચથી વધુ વરસાદને લીધે મધુવન ડેમના દરવાજા ખોલી દેવાયા હોય દમણગંગા નદીની આસપાસ દમણ, સંઘપ્રદેશના નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ ઉભું થયું છે. તેથી દમણ જેટી ખાતે અને દમણના નીચાણવાળા વિસ્તારોમાં પોલીસે પેટ્રોલિંગ કરી લોકોને સાતર્ક કરી રહી છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના 10 ગામો અને વાપી તાલુકાના દમણ ગંગા નદીના તટ પાસે રહેતા લોકોને સતર્ક કરવામાં આવ્યા છે. જ્યારે દમણના માછીમારોને સતર્ક કરવામાં આવી રહ્યા છે. જેટી ઉપર લંગરેલી બોટ સુરક્ષિત રીતે બાંધી પાર્ક કરવા સૂચનાઓ આપવામાં આવી છે. દમણના નીચાણવાળા વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરીને વિસ્તારમાં નજર રાખવામાં આવી રહી છે.
NDRFની ટીમ સ્ટેન્ડબાય કરાઈ
જિલ્લા કલેક્ટર દ્વારા ટ્વીટ કરી નીચાણવાળા વિસ્તારોના લોકોને નદી કિનારા નજીક અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે, જ્યારે જિલ્લામાં એક NDRFની ટીમ સ્ટેન્ડબાય કરવામાં આવી છે. આ ઉપરાંત તમામ અધિકારીઓને પોતાના હેડક્વાર્ટર્સ ન છોડવાની સૂચના પણ આપવામાં આવી છે.