વલસાડ : વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણ વધવાને કારણે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આગામી 20 એપ્રિલથી 10 દિવસ માટે વલસાડ જિલ્લામાં સંપૂર્ણ પણે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવાનો નિર્ણય લેવાયો હતો. આ સ્વૈચ્છિક લોકડાઉનમાં જિલ્લાના ઔદ્યોગિક એકમોને મુક્તિ રહેશે. લોકડાઉન દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લામાં વધતા જતાં કોરોનાના કેસોને રોકવા અને સંક્રમણની ચેન તોડવા માટે આજે રવિવારે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સાથે વલસાડ કલેક્ટર કચેરી ખાતે કલેકટર આર.આર.રાવલની ઉપસ્થિતિમાં જિલ્લાના તમામ ધારાસભ્યો, વેપારીઓ, અગ્રણીઓ, મેડિકલ ટીમ, આઈ. એમ.એ.વલસાડ અને પોલીસ અધિકારીઓ સહીતની એક તાકીદની બેઠક મળી હતી. જેમાં સર્વસંમતિથી વલસાડ જિલ્લાને 10 દિવસ સુધી 30 એપ્રિલ સુધી સ્વૈચ્છિક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયને વહીવટી તંત્રએ આવકારીને જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે મેડિકલ અને દૂધની દુકાનો ચાલુ રહેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો. વહીવટી તંત્રના આ આદેશ કર્યા બાદ 10 દિવસ માટે પોલીસ વિભાગની કામગીરીને લઈ બીજી બેઠક પણ યોજવામાં આવી હતી. જેમાં ધારાસભ્યો અને કલક્ટરે લોકોને કોવિડ ગાઈડલાઈનનો સંપૂર્ણપણે અમલ કરવા અપીલ પણ કરી હતી. આમ જિલ્લામાં કોરોના ચેઇન તોડવા મીની લોકડાઉન જાહેર કરાયું છે.
સ્વૈચ્છિક લોકડાઉનમાં જિલ્લાના ઔદ્યોગિક એકમોને મુક્તિ
વલસાડ જિલ્લામાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ સ્વૈચ્છિક લોકડાઉન દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. આ લોકડાઉન દરમિયાન કોઇપણ વ્યક્તિને મુશ્કેલી કે અન્ય કોઇ જરૂરિયાત જણાય તો જિલ્લા વહીવટીતંત્રનો સંપર્ક સાધવા જણાવાયું છે. આ સ્વૈચ્છિક લોકડાઉનમાં જિલ્લાના ઔદ્યોગિક એકમોને મુક્તિ રહેશે.
વલસાડ શહેરમાં માર્ગો સુમસામ બન્યા
વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણની ચેઇન તોડવા દર રવિવારે સ્વૈચ્છીક લોકડાઉનન નક્કી કરાયું છે. જેના પગલે સતત બીજા રવિવારે પણ જિલ્લા વડા મથક વલસાડ શહેર સંપૂર્ણપણે બંધ રહ્યું હતું. મેડિકલ સ્ટોર અને દૂધ પાર્લર સિવાય તમામ ધંધા રોજગાર બંધ રહ્યા હતા. વલસાડમાં સતત ટ્રાફિકથી ધમધમતા માર્ગો સુમસામ જોવા મળ્યા હતા. પોલીસ, આરોગ્ય વિભાગના વાહનો જ જોવા મળ્યા હતા. વલસાડ જિલ્લામાં કોરોના અટકાવવા વલસાડ જિલ્લા કલેકટર દ્વારા પ્રતિ રવિવારે સ્વૈચ્છીક બંધ પાળવાની કરેલી અપીલને વલસાડ શહેર, જિલ્લાના વેપારીઓ, સંચાલકોએ ભરપૂર સમર્થન આપતા બીજા રવિવારે પણ વલસાડ શહેર સંપૂર્ણપણે બંધ રહ્યું હતું. ટ્રાફિકથી ધમધમતા સ્ટેડિયમ રોડ, આઝાદ ચોક, કોસંબા રોડ, હાલર રોડ, તિથલ રોડ માર્ગો સુમસામ જોવા મળ્યા હતા. શાકભાજી માર્કેટ પણ સદંતર બંધ રહી હતી. બંધને લઈ વલસાડ પોલીસ સતત દોડતી રહી હતી. જોકે ક્યાંક પણ કોઈ સંઘર્ષ કે વિવાદ જોવા મળ્યો ન હતો.
બંધના પગલે મુસાફરોથી ધમધમતો વલસાડ એસ.ટી.ડેપો સુમસામ જોવા મળ્યો હતો. અન્ય શહેરોમાં જનારા થોડા મુસાફરો જ નજરે પડતા હતા. મુસાફરોના અભાવે વલસાડ ડેપો પરથી ઉપડતા આશરે 70 ટકા રૂટ રદ કરાયા હતા. લોકલ રૂટ પણ બંધ રખાયા હતા. જોકે વલસાડ ધરમપુર ઇન્ટરસિટી માત્ર પ્રતિ કલાકે જ દોડતી હતી. લાંબા અંતરની બસો પણ પેસેન્જરને ધ્યાનમાં રાખી દોડાવાઇ હતી. રવિવારે અપાયેલા સ્વૈચ્છીક બંધના પગલે જિલ્લાના કપરાડા તાલુકાના મુખ્ય મથક કપરાડા, નાનાપોંઢા, મોટપોંઢાના બજારો પણ બંધ રહ્યા હતા. તમામ આંતરિક માર્ગો સુમસાન જોવા મળ્યા હતા.