વલસાડ: (Valsad) વલસાડના અબ્રામા ગામમાં પરિણીતાને તેના પિયરમાં જ ગળું દબાવી હત્યા (Murder) કર્યાનો હિંચકારો બનાવ બન્યો છે. ગતરોજ અબ્રામા ખાતે રહેતી પરિણીતાના માતા-પિતા બહાર મજૂરી કામ અર્થે ગયા હતા. ત્યારે તેના પતિએ તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. તેની લાશ મળ્યા બાદ પોલીસે તેનું પોસ્ટ મોર્ટમ કરાવ્યા બાદ ગળું દબાવી હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતુ. જેના પગલે પોલીસે બનાવ સંદર્ભે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.
- પીએમમાં ગળુ દબાવી હત્યા કરી હોવાનું ખુલ્યું
- પોલીસે પતિ વૈભવ નાયકા વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડના અબ્રામા ગામે રહેતી જીજ્ઞા અનિલ રાઠોડ (ઉં.વ.22)એ ગત 14મી ડિસેમ્બરના રોજ વૈભવ નાયકા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ વૈભવના પરિવારજનો તેને સ્વીકારવા તૈયાર ન હોય, વૈભવ જીજ્ઞાના ઘરે જ રહેતો હતો. ગતરોજ જીજ્ઞાના માતા-પિતા મજૂરી કામ અર્થે બહાર ગયા હતા. ત્યારબાદ તેઓ સાંજે પરત ફરતા જીજ્ઞા મૂર્છિત પડી હતી. જેના ગળા પર ઇજાના નિશાન હતા. તે નહીં ઉઠતાં તેમણે 108ને તેની જાણ કરી હતી. 108ની ટીમે તેને તપાસતા તેનું મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતુ. આ ઘટના બાદ તેમણે પોલીસને ફરિયાદ કરતા પોલીસે જીજ્ઞાના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવતા તેનું ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું હતુ.
જેની તપાસ કરતા આ હત્યા વૈભવે જ કરી હોવાનું બહાર આવ્યું હતુ. જેના પગલે પોલીસે તેની ધરપકડ કરી પુછતાછ હાથ ધરતાં વૈભવના ઘરે જીજ્ઞાને સ્વીકારતા ન હોય, વૈભવ તેને છૂટાછેડા આપવાનો હતો. જેના માટે મેરેજ સર્ટિફિકેટ માંગતા જીજ્ઞાએ તેને સર્ટિફિકેટ ન આપતા તેની સાથે અવાર નવાર ઝઘડો કરતો હતો. સોમવારે આ ઝગડો ચરમસીમાએ પહોંચતા તેણે ગળું દબાવી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જોકે, આ હત્યાને અંજામ આપીને એ ત્યાં જ બેસી રહ્યો હતો. પોલીસે પોસ્ટમોર્ટમ બાદ હત્યાનો ભેદ ઉકેલી તેની વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.