વલસાડ: (Valsad) ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી એક પછી એક યુવકો હ્રદય રોગના (Heart Attack) હુમલાના કારણે મોતને ભેંટી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને અમદાવાદ અને સુરત જેવા મેટ્રોસિટીની આવી અનેક ઘટનાઓ સામે આવી છે. ત્યારે આવો જ એક કિસ્સો વલસાડમાં જોવા મળ્યો છે.
- વલસાડમાં 28 વર્ષિય વેઈટરનું હાર્ટ એટેકથી મોત
- ડેડિયાપાડા ગામનો યુવક વલસાડ હોટેલમાં નોકરી અર્થે આવ્યો હતો
વલસાડમાંથી પસાર થતા હાઇવે નં. 48 પર આવેલી ફલાહ હોટેલમાં કામ કરતા 28 વર્ષના યુવકનું આજરોજ સવારે હાર્ટ એટેક અથવા કાર્ડિયાક એરેસ્ટથી મોત નિપજ્યું હતુ. હોટેલ પરથી ઘરે પરત ફરી યુવક અચાનક ઢળી પડ્યો હતો. જેના માટે 108 બોલાવાતા તેના સ્ટાફે યુવાનને મૃત જાહેર કર્યો હતો.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડ હાઇવે સ્થિત ફલાહ હોટેલમાં કામ કરતો મૂળ ડેડિયાપાડા ગામનો 28 વર્ષનો યુવાન નરેશ વસાવા હોટેલનું કાર્ય પુરું કરી હોટેલ પાછળ સ્થિત રૂમમાં આરામ કરવા ગયો હતો. ત્યારે અચાનક ત્યાં ઢળી પડ્યો હતો. જેના પગલે હોટેલ સંચાલકે 108 ને તુરંત ફોન કર્યો હતો. ત્યારે 108 એમ્બ્યુલન્સ ત્યાં આવી પહોંચી હતી. તેમણે નરેશને મૃત જાહેર કર્યો હતો. નરેશનું મોત હાર્ટ એટેકને કારણે અથવા કાર્ડિયાક એરેસ્ટના કારણે થયું હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ લાગી રહ્યું છે. હાલ તેની મોતની તપાસ માટે તેનું પોસ્ટ મોર્ટમ કરાવાયું છે. બીજી તરફ પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.