વલસાડ : વલસાડમાં (Valsad) રવિવારે સમસ્ત મુસ્લિમ સમાજ (All Muslim society) દ્વારા ત્રિરંગા રેલીનું (Tricolor Rally) આયોજન કરાયું હતુ. જેને નાણાંમત્રી કનુભાઇ દેસાઇએ લીલી ઝંડી આપી હતી. નાણાંમંત્રી કનુભાઈએ જણાવ્યું કે, નરેન્દ્ર મોદીના હર ઘર ત્રિરંગા (Har Ghar Triranga) અભિયાનમાં દેશના તમામ જાતિના લોકોને એકત્ર કરવાના આહવાનમાં વલસાડ મુસ્લિમ સમાજે અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો છે. તેમણે આઝાદીમાં મુસ્લિમોના બલિદાનની વાત કરી વલસાડના કોમી એખલાસના વાતાવરણને બિરદાવ્યું હતુ.
તાઇવાડની રેલી નિકળી આઝાદ ચોક પર પહોંચી
વલસાડમાં મુસ્લિમ સમાજની રેલીમાં નગરપાલિકાના માજી પ્રમુખ અને બાળ વિકાસ વિભાગના ચેરપર્સન સોનલબેન સોલંકી, અગ્રણી પાલિકાના સભ્ય ઝાકીર પઠાણ, વકીલ ઐયાઝ શેખ, ડો. કુરેશી સહિત અનેક અગ્રણીઓ રેલીમાં જોડાયા હતા. આ રેલીમાં 2 હજારથી વધુ મુસ્લિમો જોડાયા હતા. મોટા તાઇવાડની રેલી નિકળી આઝાદ ચોક પર પહોંચી હતી. જેમાં બાળકોથી લઇ વૃદ્ધો જોડાયા હતા.
ચીખલી અને વાંસદામાં મુસ્લિમ સમાજની ત્રિરંગા રેલી નિકળી
ચીખલી, વાંસદા : ચીખલી અને વાંસદામાં રવિવારે મુસ્લિમ સમાજ દ્વારા ત્રિરંગા રેલીનું આયોજન કરાયું હતુ. ચીખલીમાં પણ મુસ્લિમ સમાજે દેશભક્તિના ગીતોની ગુંજ સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજી હતી. આ ઉપરાંત મંત્રી નરેશ પટેલે જાતે ટ્રેકટર હંકારી તિરંગા યાત્રા યોજતા તેમાં 70 થી વધુ ટ્રેકટરો જોડાયા હતા. આ ઉપરાંત સાદકપોરમાં પણ ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. વાંસદામાં મુસ્લિમ સમાજની તિરંગા યાત્રામાં મુસ્લિમ સમાજે ભારત માતા કી જય, વંદે માતરમના નારા લગાવ્યા હતા. આ તિરંગા યાત્રા પ્રસંગે વાંસદાના સરપંચ ગુલાબ પટેલ, યુવાનોએ મુસ્લિમ સમાજનું બહુમાન કર્યું હતું.
લાજપોર મધ્યસ્થ જેલમાં રાષ્ટ્રીય ધ્વજ સાથે બંદીવાનો તિરંગા યાત્રામાં જોડાયા
સુરત : સમગ્ર ભારત આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત બંદીવાનોમાં તિરંગા પ્રત્યે માન સન્માન વધે અને રાષ્ટ્રીય ભાવના જાગૃત થાય તેવા આશયથી લાજપોર મધ્યસ્થ જેલ ખાતે તિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં બંદીવાનોએ ભારતમાતાના જયઘોષ સાથે યાત્રામાં જોડાઈને મા ભારતીની આઝાદી માટે બલિદાન આપનારા સ્વતંત્રતા સેનાનીઓને યાદ કર્યા હતા. આજરોજ જેલના બંદીવાનો દ્વારા કેદી બેન્ડ સાથે ૧૦૦ મીટર લંબાઈના રાષ્ટ્રીય ધ્વજ સાથે પ્રત્યેક બંદીવાનો હાથમાં તિરંગો લહેરાવી જેલની અંદરના પરિસરમાં આયોજિત તિરંગા યાત્રામાં સામેલ થયા હતા.