તા.૧૪ મી ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડૅ હોવાથી તા.૭ મી ફેબ્રુઆરીથી પ્રેમ અંગેનો વેલેન્ટાઈન સપ્તાહ દેશ દુનિયામાં ચાલી રહ્યો હોઈ ખેર, પ્રેમ વિષયક અભ્યાસ અને રસપ્રદ સંશોધન અત્રે પ્રસ્તુત છે! અલબત્ત, પ્રેમમાં માત્ર ‘દિલ’ જ નથી ધડકતું, કિન્તુ શરીર 27 પ્રકારનો પ્રેમ કરે છે! અનુભવ – સંશોધનમાં દાવો! પ્રેમ હૃદયને લગતી બીમારીઓ અને બ્લડ પ્રેશર કે સ્ટ્રેસના અનુભવોને બાજુમાં મૂકીને પ્રેમના અનુભવની વાત છેડીએ તો પ્રેમ માટે એમ કહેવાય કે,‘દિલ જોરથી ધડકવા’ લાગે છે. એક સંશોધનાત્મક અભ્યાસમાં જાણવા મળ્યું છે, શરીરમાં પ્રેમની અનુભૂતિ માત્ર ‘દિલ ધડકવા’ સુધી જ મર્યાદિત નથી! બલ્કે, શરીર જુદા જુદા પ્રકારના પ્રેમનો એક નહીં, બે નહીં, પૂરા 27 પ્રકારે અનુભવ કરી શકે છે!
સંશોધકોએ માનવશરીરનો એક એવો મૅપ બનાવ્યો છે, જે પ્રેમના અલગ-અલગ અનુભવો અને તેની તીવ્રતા દર્શાવે છે! ફિનલૅંડની આલ્ટો યુનિવર્સિટીના સંશોધકોએ આ મૅપ બનાવવા માટે સેંકડો લોકો પર કરાયેલા સર્વેના આંકડાનો ઉપયોગ કર્યો છે! ઉદાહરણ તરીકે રોમૅન્ટિક પ્રેમ, સેક્સ્યુઅલ પ્રેમ, માતાપિતાનો પ્રેમ, મિત્રો પ્રત્યેનો પ્રેમ, અજાણ્યા, પ્રકૃતિ, ઈશ્વર અથવા પોતાની જાતનો પ્રેમ વિગેરે. એ સર્વેને પૂછવામાં આવ્યું કે શું તમને પોતાના શરીરમાં અલગ અલગ પ્રકારના પ્રેમનો અહેસાસ થાય છે? અને શારીરિક અને માનસિક રીતે તેને કેટલી તીવ્રતાથી અનુભવો છો? પરિણામોથી ખબર પડી કે અલગ અલગ પ્રકારના પ્રેમમાં નબળાઈથી લઈને સશક્ત થવાની એક નિરંતરતા જોવા મળે છે.
આ સર્વેને એક સાયન્સ જર્નલ ‘ફિલૉસૉફીકલ સાઇકોલૉજી’માં પ્રકાશિત કરવામાં આવ્યો છે! સંશોધકોના મતાનુસાર પ્રેમની તીવ્ર લાગણી આખા શરીરમાં અનુભવાય અને એની ખબર ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી રહેલી યુવતીઓની પ્રતિક્રિયાથી પડી! આ સર્વેના સંયોજક ફિલસુફ પાર્ટિલી રિને કહ્યું, “જો કે, એ નવાઈ પમાડે તેવી વાત નથી પણ ધ્યાન આપવા જેવી વાત છે કે નજીકના સંબંધો સાથે જોડાયેલા પ્રેમનો અહેસાસ એક જેવો છે અને તે સૌથી તીવ્ર અનુભવાય છે.” સર્વેમાં ભાગ લેનારાને માનવશરીરની એક આકૃતિમાં રંગ ભરવાનું કહેવાયું કે જેથી એ જણાવી શકે કે શરીરના કયા ભાગમાં કયા પ્રકારના પ્રેમનો અહેસાસ પેદા થયો અને શારીરિક અને માનસિક રીતે તેમને અલગ અલગ રીતે કેવી રીતે અનુભવાયો.
આ અહેસાસ કેટલો સુખદ હતો અને સ્પર્શ સાથે તેનો શું સંબંધ હતો.અંતમાં, તેમને પ્રેમના પ્રકારો વચ્ચેના સામ્યને રેટિંગ આપવાનું કહેવાયું. રિનેએ કહ્યું “પ્રેમના એ પ્રકાર જે ખાસ કરીને એક બીજાના નજીક હોય છે, તેમાં સેક્સ્યુઅલ અને રોમૅન્ટિક પાસાં હોય છે. ”સંશોધકોનું કહેવું છે કે બધા જ પ્રકારના પ્રેમનો માથામાં વધુ અનુભવ થયો પણ તેમની તીવ્રતા શરીરના અલગ અલગ ભાગમાં અલગ અલગ હોય છે. કેટલાકની અસર છાતીમાં થાય છે. જ્યારે બાકીને આખા શરીરમાં અનુભવી શકાય છે.
સુરત – સુનીલ રાજેન્દ્ર બર્મન– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.