Gujarat

ઘોડા દોડી ગયા બાદ તબેલાને તાળા.. તંત્ર દ્વારા હરણી તળાવની મિલ્કતને સીલ કરવામાં આવી

વડોદરા: (Vadodra) મોટનાથ હરણી તળાવ (Harni Lake) ખાતે ઇજારદાર દ્વારા વિવિધ પ્રકલ્પો ઉભા કરવામાં આવ્યા હતા. જો કે ગુરુવારની ઘટના બાદ પાલિકા દ્વારા આ ઇજારદાર સામે પગલાં ભરવાની શરૂઆત કરી છે. જોકે ઘોડા દોડી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો હતો. તંત્ર દ્વારા શુક્રવારના રોજ હરણી તળાવની મિલ્કતને સીલ (Seal) મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને નોટિસ લગાવવામાં આવી હતી.

તંત્ર દ્વારા તળાવની બહાર લગાડવામાં આવેલી નોટિસમાં લખવામાં આવ્યું હતું કે આથી હું મ્યુ. કમિશ્નર હુકમ કરું છું કે સદર હરણી તળાવની માલિકી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની છે. અને તા. 18.1.24 ના રોજ હરણી પોલીસ સ્ટેશન ખાતે ફોજદારી ગુનો મે. કોટીયા, પ્રોજેક્ટ તથા તેના ભાગીદારો, કર્મચારીઓ, માલિકો વિરુદ્ધ દાખલ થયેલી છે. જે દુર્ઘટનામાં 14 માનવજીવો મૃત્યુ પામ્યા છે આ અંગેની તપાસ ચાલુ હોઈ બીજો હુકમ ન થાય ત્યાં સુધી મેસર્સ કોટીયા પ્રોજેક્ટના માણસો, કર્મચારીઓ, ભાડુઆતો તથા અન્ય કોઈપણ અનધિકૃત વ્યક્તિઓ , ત્રાહિત વ્યક્તિઓએ આ મિલ્કતમાં પ્રવેશ કરવો નહિં અન્યથા ગેરકાયદેસર પ્રવેશ (ટ્રેસપાસીંગ ) અંગેની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ મિલ્કતને સીલ કરવાનો હુકમ કરવામાં આવે છે.

જણાવી દઈએ કે ગઈકાલે વડોદરાની ન્યૂ સનરાઈઝ નામની શાળાના વિદ્યાર્થીઓને હરણી તળાવ ખાતે પ્રવાસ માટે લઈ ગયા હતા. જ્યાં બાળકોને બોટિંગ કરાવવામાં આવ્યુ હતુ. તે સમયે બોટ પલટી જતા 12 બાળકો અને 2 શિક્ષકનું ડૂબવાથી મોત નિપજ્યું હતી. મળતી માહિતી અનુસાર બોટની ક્ષમતા કરતા વધારે લોકોને બેસાડ્યા હોવાથી આ દુર્ઘટના બની હતી. તેમજ લાઈવ જેકેટ પણ આપવામાં આવ્યા ન હતા. હરણી લેકમાં બોટિંગ સેવા સ્થળનું યોગ્ય સમારકામ પણ ન કરાયાનું સામે આવ્યું છે. એટલું જ નહીં બોટિંગ દરમિયાન બોયા, રિંગ, દોરડા જેવા કોઇ પણ સેફ્ટી સાધનોની વ્યવસ્થા કરાઇ ન હતી. સામાન્ય કહી શકાય તેવા સેફ્ટી સાધનો અને પ્રોટોકોલની પણ દરકાર ન લેવાતાં આખરે ભુલકાઓએ આની કિંમત ચૂકવવાનો વારો આવ્યો છે. 

Most Popular

To Top