વડોદરા: જાહેર અને સરકારી સ્થળો પર હોર્ડિંગ્સ (Hoardings) ન લગાવવા મ્યુનિસિપલ કમિશ્નરે (Municipal Comissioner) પરિપત્ર બહાર પાડી ઐતિહાસિક ઈમારત પર ગેરકાયદે (Illegal) હોર્ડિંગ્સ લગાવનાર માફીયાઓ સામે લાલ આંખ કરી છે. ત્યારે ગુરુવારથી હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી શરૂ કરાઇ છે. જોકે રાજકીય પાર્ટીઓના હોર્ડિંગ્સ લાગેલા રહેતા ચર્ચાનો વિષય બન્યો હતો.
સ્માર્ટ સીટી વડોદરા (Vadodara) શહેરમાં આખરે લાંબા સમય બાદ પાલિકા તંત્રને ભાન થયું છે. મોડે મોડે સફાળા જાગી ઉઠેલા તંત્રએ હવે શહેરમાં જાહેર સ્થળો ઐતિહાસિક ઇમારતો સ્મારક સહિતના વિવિધ સ્થળોએ જો કોઈ હોર્ડિંગ્સ કે બેનર મંજૂરી વિના લગાવવામાં આવશે તો તેની સામે કાર્ય કાર્યવાહી કરવામાં આવશે. તેવો પરિપત્ર મ્યુનિસિપલ કમિશ્નરે જારી કર્યો છે. અને ગુરુવારથી તેનો અમલ પણ પાલિકા તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવ્યો છે.
શહેરના ન્યાયમંદિર, માંડવી ગેંડીગેટ વિસ્તારોમાંથી હોર્ડિંગ્સ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી.અગાઉના સમયમાં ઘણી વખત જાહેર જગ્યાઓ પર લગાવાયેલા હોર્ડિંગ્સ વરસાદી માહોલ વચ્ચે લોકોના જીવને જોખમ ઉભું કર્યું હતું.પરંતુ તેમ છતાં પણ આજ દિન સુધી આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને જાહેરાતના હોર્ડિંગ્સ શહેરમાં ઠેર ઠેર લાગતા તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠ્યા હતા.ત્યારે હવે આ સમગ્ર મામલે વડોદરા મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ એક પરિપત્ર જાહેર કર્યો છે.જેમાં જણાવ્યું છે કે વડોદરા શહે૨માં વિવિધ જાહેર સ્થળો તથા ઐતિહાસિક ઇમારતો, સ્મારક વગેરે સ્થળોએ વિવિધ વિભાગો દ્વારા જે તે કાર્યક્રમને અનુલક્ષીને વહીવટી ચાર્જ લાગત લઇને સંબંધીતોને કાર્યક્રમ હોર્ડિંગ બેનર વગેરેની મંજૂરી આપવામાં આવે છે જે અત્રેની સ્થાયી સૂચનાઓ મુજબ વહીવટી રીતે યોગ્ય નથી.પરંતુ જાહેર સ્થળોનું ઐતિહાસિક મહત્વ રહેલું હોય આથી તમામ ઝોનલ વોર્ડ કચેરી જમીન મિલકત શાખાને સૂચિત કરવામાં આવે છે કે આ પ્રસ્તુત સ્થળોએ જે તે સંસ્થા ઈસમોને લાગત વહીવટી ચાર્જ લઈને કોઈ પણ પ્રકારની મંજૂરી આપવાની રહેશે નહીં.
આ સુચનાનો અમલ નહીં થયેથી જે તે સંબંધિત ને જવાબદારી નક્કી કરવામાં આવશે તેમ જણાવ્યું છે.ત્યારે આ સમગ્ર બાબતે શહેરના સામાજિક કાર્યકરે જણાવ્યું હતું કે અગાઉ પણ આ રીતે પરિપત્રો આવ્યા હતા.પરંતુ ચાર દિવસ ની કાર્યવાહી દેખાડવા પૂરતી કરાઇ હતી.પરંતુ ત્યારબાદ પરિસ્થિતિ જૈસે થે ની જ જોવા મળી છે એમાં પણ વહાલા દવાલાની નીતિ અપનાવવામાં આવે છે.સત્તા પક્ષના હોર્ડિંગ્સ કે કેટલાક રાજકીય હોર્ડિંગ્સ હટાવવામાં આવ્યા નથી.જો નિયમ હોય તો તમામ માટે સરખા હોવા જોઈએ.કેટલીક એડ એજન્સીઓના લાખ્ખોની ઉઘરાણી પાલિકા તંત્રે લેવાની બાકી હોવા છતાં પાલિકા તંત્ર કોઇ કામગીરી કરતું નથી કે તે એજન્સીને બ્લેકલીસ્ટ પણ કરવાને બદલે છાવરી રહ્યાં છે.શું એમાં કોઇના હાથ દબાયેલા છે કે તે એજન્સી પાસે બાકી લેણા વસૂલવામાં આવતા નથી કે કોઇ કાર્યવાહી કરાતી નથી.શહેરમાં પાલિકાની મંજુરી વિના,પાલિકા દ્વારા મંજૂર કરાયેલા હોર્ડિંગ્સ પર પાલિકાએ નંબર પણ લખવાના હોય છે તે પણ દેખાતા નથી,તેના વિના જ હોર્ડિંગ્સના જંગલ શહેરમાં ઉભા થઇ ગયા છે આગામી ધાર્મિક સામાજિક અને રાજકીય તહેવારોમાં ટ્રાફિક ને અડચણરૂપ હોર્ડિંગ્સ લાગે તો નવાઇ નહીં.પાલિકા તંત્રએ કોઇ કાયમી નિયમ તટસ્થતાથી લાવવાની જરૂર છે.
હોર્ડિંગ ઉતારવાની કામગીરીમાં વ્હાલા દવલાની નીતિ
શહેરમાં પાલિકા દ્વારા મ્યુ.કમિશ્નરના પરિપત્ર બાદ હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી છે.પરંતુ આ કામગીરી માત્ર એક તરફી હોઈ તેમ લાગી રહ્યું છે.શહેરમાં મોટે ભાગે રાજકીય પક્ષના શુભેચ્છા અથવા વિકાસના કામો કે પછી અન્ય કાર્યક્રમોના મોટા મોટા હોર્ડિંગ્સ લાગેલા છે.જેને દૂર કરવામાં નહીં આવતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.