વડોદરા: (Vadodara) ઔદ્યોગિક વિસ્તાર નંદેસરીમાં ફરી એકવાર ગેસ લીકેજનો (Gas Leakage) બનાવ બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. નંદેસરીની અલીન્દ્રા કેમિકલ કંપનીમાં આજે વહેલી સવારે પ્લાન્ટની અંદર ગેસ લીકેજ થતા એક કર્મચારી બેભાન થઈ ગયો હતો. જ્યારે બીજા ત્રણને ગેસની અસર થઈ હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં (Hospital) લઈ જવામાં આવ્યા હતા. જ્યાં એક કર્મચારીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
ઇજાગ્રસ્તોમાં દિનેશભાઈ સિરથ (47 નંદેસરીમાં થતાવર્ષ), કિરણ પઢીયાર (30 વર્ષ), હર્ષદ પરમાર (28 વર્ષ) અને સુરેન્દ્ર ગોહિલ (26 વર્ષ) નો સમાવેશ થાય છે. બનાવ અંગે નંદેસરી પોલીસે તપાસ હાથ ધરી છે.
નંદેશરી માં વારંવારના અકસ્માતો અને ઝેરી ગેસ ગળતર જેવી ઘટનાઓને રોકવામાં તંત્ર નિષ્ફળ બન્યું છે. ત્યારે ગ્રામજનોએ ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ મામલે નાંદેસરી પોલીસ સ્ટેશનના પી. આઇ. એમ. આર. સંગાડાએ જણાવ્યું હતું કે, કંપનીમાં ગેસ ગળતર થયાની માહિતી મળતાં અમે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. જે કામદારોને ગેસની અસર થઈ છે, તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.