Vadodara

વડોદરા જિલ્લા પંચાયત દ્વારા પોષણ માસ માટે સંતુલિત આહાર અને વ્યાયામ માટે ચેલેન્જ લોંચ

વડોદરા: વડોદરા જિલ્લા પંચાયત (Vadodara district panchayat) દ્વારા પોષણ માસની (Nutrition month) ઉજવણીનો (Celebration) પ્રારંભ થયો છે. જિલ્લામાં આવેલી આંગણવાડીમાં પોષક આહારોના નિદર્શન સહિતના કાર્યક્રમો યોજાવાના છે. તેની સાથે એક વિશેષ અભિયાન પણ લોંચ કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત દ્વારા પોષણ માસ ચેલેન્જ શરૂ કરવામાં આવી છે. જેમાં નાગરિકોને આ માસ દરમિયાન સંતુલિત આહાર,વ્યાયામ માટે પ્રેરવામાં આવ્યા છે. જિલ્લા વિકાસ અધિકાર મમતા હિરપરા દ્વારા આ ચેલેન્જને લોન્ચ કરવામાં આવી હતી.

ભારત સરકારની આયુષ મિનિસ્ટ્રી ન્યુ દિલ્હી પ્રેરિત તથા નિયામક આયુષની કચેરી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ,ગાંધીનગર અને જિલ્લા વિકાસ અધિકારી વડોદરા નિદર્શિત અને જિલ્લા આયુર્વેદ અધિકારી,વડોદરાના માર્ગદર્શનમાં પોષણમાસ ચેલેન્જ શુભારંભ કરાયો હતો. આ વર્ષની પોષણમાસની થીમ સુપોષિત ભારત,સાક્ષર ભારત, સશક્ત ભારતને અનુસરી આયુર્વેદ શાખા દ્વારા જીવનશૈલીજન્ય રોગો તેમજ વિવિધ ખરાબ આદતોને સુધારવા અને સારી આદતોના અસરકારક અમલીકરણ માટે વિવિધ ૩૦ મુદ્દાઓને આવરી લઈ ૩૦ દિવસની ૩૦ ચેલેન્જ તરીકે કેલેન્ડરની માફક બનાવી તેની પ્રસ્તુતિ કરવામાં આવી છે. જેમાં આહાર, વિહાર, દિનચર્યા, પોષણસ્તર, સદ્દવૃત, સ્વસ્થવૃત, માનસિક ભાવ,પર્યાવરણ સંરક્ષણ સહિતની બાબતોનો સમાવેશ થાય છે.

દરેક વ્યક્તિએ આ ૩૦ આદતો અમલમાં લાવી તેને નિયમિત કરવા માટે સૂચન કરાયું છે.જેમાં યોગ્ય પોષણ અને સારા સ્વાસ્થ્ય જાળવવામાં તેના મહત્વ વિશે જાગૃતિ ફેલાવીને આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવું.નબળા પોષણને કારણે થતા રોગો અને તેના નિવારક પગલાં વિશે લોકોને શિક્ષિત કરવા.કુપોષણની હાનિકારક અસરો વિશે લોકોને શિક્ષિત કરવા, જે વૈશ્વિક આરોગ્યની ચિંતા બની ગઈ છે.વિટામિન્સ અને ખનિજો જેવા યોગ્ય પોષક તત્ત્વોના સેવનને પ્રોત્સાહન આપવું,અને પોષક તત્ત્વોની ઉણપને કારણે થતી સ્વાસ્થ્ય સમસ્યાઓને રોકવા ઉપરાંત સારી ગુણવત્તાવાળા ખોરાકના મહત્વ વિશે લોકોને શિક્ષિત કરવા જોઇએ.

લોકોને ખોરાકના પોષણ મૂલ્યને સમજવામાં મદદ કરવી,સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવા.નબળી જીવનશૈલી જેમ કે ડાયાબિટીસ, સ્થૂળતા, હૃદયના રોગો અને વધુને કારણે થતા રોગો વિશે શિક્ષિત કરવા.બાળકો, કિશોરો, વયસ્કો અને વૃદ્ધ લોકો સહિત તમામ વય જૂથોના લોકોમાં સ્વસ્થ પોષણના ફાયદાઓને પ્રોત્સાહન આપવા.ટકાઉ ખોરાકના વપરાશને પ્રોત્સાહન આપવા અને પ્રોત્સાહિત કરવા,જે આરોગ્ય તેમજ પર્યાવરણને અનુકૂળ છે.તેવી માહિતી જિલ્લા આયુર્વેદિક અધિકારી ડો.સુધીર જોશીએ આપી હતી.મુખ્ય આરોગ્ય ડો.મીનાક્ષીબેન, કાર્યક્રમ અધિકારી નયનાબેન પારગી તેમજ તમામ આયુષ દવાખાનાઓના તમામ મેડિકલ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા.દરેક દવાખાનાઓ, આરોગ્ય કેન્દ્રો, આંગણવાડીઓ અને શાળાઓમાં આનો બહોળો પ્રચાર-પ્રસાર કરી સુપોષિત અને સશક્ત વડોદરા બનાવવા માટે જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ અપીલ કરી છે.આ માસ દરમ્યાન મિલેટ્સ મેલા, લાઈવ રસોઈ શો, પોષણ સંવાદ, એનીમીયા કેમ્પ, તંદુરસ્ત બાળક સ્પર્ધા, મિલેટ્સને કેન્દ્રમાં રાખી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

Most Popular

To Top