આખા દેશમાં જેણે હાહાકાર મચાવી દીધો હતો, જેણે લાશોના ઢગલા કરી નાખ્યા હતા અને જેણે અનેક પરિવારોને ઉજાડી નાખ્યા તેવા કોરોનાનું ફરી આગમન થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ભૂતકાળમાં જ્યાંથી કોરોના શરૂ થયો તેવા ચીન શહેરમાં કોરોનાએ ફરી માઝા મુકી છે. જે સ્થિતિ છેલ્લા ત્રણેક વર્ષમાં ભારતે જોઈ હતી તેવી સ્થિતિ હવે ચીન જોઈ રહ્યું છે. ચીનમાં દર્દીઓને દાખલ કરવા માટે ખાટલાઓ નથી. દફન કરવા માટે સ્મશાનોમાં જગ્યા નથી અને દવાની અપૂર્તતાએ સ્થિતિ વધુ બગાડી છે. અગાઉ પણ ચીનમાંથી જ ભારત અને આખા વિશ્વમાં કોરોના ફેલાયો હતો અને હવે ફરી કોરોનાનો આ નવો વેરિએન્ટ આખા દેશમાં ફેલાઈ શકે છે અને તેની ચપેટમાં ભારત પણ આવી શકે છે.
ચીનમાં સ્થિતિ બગાડનાર કોરોનાનો નવો વેરિએન્ટ ભારતમાં સપ્ટેમ્બર માસમાં જ દેખાઈ ગયો હતો. આ નવા વેરિએન્ટને કારણે દુનિયામાં 10 દેશમાં છેલ્લા 7 જ દિવસમાં કોરોનાના 36 લાખથી પણ વધુ કેસ નોંધાઈ ગયા છે અને 10 હજાર લોકોના મોત પણ થઈ ગયા છે. જે રીતે કોરોનાનો ફરી વ્યાપ વધી રહ્યો છે અને ચીન, જાપાન, અમેરિકા, કોરિયા અને બ્રાઝિલમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે તે જોતા એવું લાગી રહ્યું છે કે આગામી ચારેક માસ વિશ્વ માટે અઘરા બની રહેશે.
કોરોનાનો જે નવો વેરિએન્ટ આવ્યો છે તેના ગુજરાતમાં બે અને ઓડિશામાંથી એક કેસ મળ્યો છે. આ કારણે આ બંને રાજ્યો હાઈએલર્ટ પર મુકાઈ ગયા છે. ચીન સહિતના દેશોમાં વધી રહેલા કેસોને કારણે ભારત સરકારે પણ અગાઉની કોરોના સમયની ગાઈડલાઈનને ફરી અમલમાં લાવવાની જાહેરાત કરી દીધી છે. એરપોર્ટ પર રેન્ડમ સેમ્પલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે રાજ્યોને આ મુદ્દે તકેદારી રાખવા માટે કહ્યા બાદ રાજ્યો દ્વારા પણ ગાઈડલાઈન બહાર પાડી દેવામાં આવી છે. જેમાં વેક્સિન લેવાથી માંડીને બુસ્ટર ડોઝ લેવા સુધીની સલાહ આપવામાં આવી રહી છે.
ભીડમાં માસ્ક પહેરવા માટે પણ કહેવાયું છે. ભારતમાં હાલમાં કોરોનાની એવી કોઈ સ્થિતિ નથી પરંતુ સરકાર દ્વારા આગોતરા પગલા તરીકે તકેદારી રાખવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જેને કારણે લોકોએ પણ હવે સાવચેત રહેવાની જરૂરીયાત છે. નિષ્ણાંતો દ્વારા એવી સલાહ આપવામાં આવી રહી છે કે, ચીનમાં કોરોનાના કેસની સ્થિતિ ચિંતાજનક છે પરંતુ ભારતમાં જે રીતે વેક્સિનેશન થયું છે તેને કારણે ભારતે ડરવાની એટલી જરૂરીયાત નથી. લોકોએ વેક્સિનેશન, માસ્ક પહેરવાથી માંડીને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની જરૂરીયાત છે.
આમ કરવાથી કોરોનાથી બચી શકાશે. જેમને ગંભીર રોગ છે તેવા તમામ વ્યક્તિઓએ કોરોનાની આ સ્થિતિમાં ધ્યાન રાખવાની જરૂરિયાત છે. કોરોના એવી મહામારી છે કે જેમાં સરકારો ક્યારેય લોકોને બચાવી શકે તેમ નથી. પ્રત્યેક વ્યક્તિને સરકાર સંરક્ષણ આપી શકે તેમ નથી. જેથી દરેક વ્યક્તિએ કોરોના માટેની ગાઈડલાઈનનું પાલન કરવાની સાથે વેક્સિન લઈ લેવી જરૂરી છે. જેણે વેક્સિન નથી લીધી તેણે પહેલો ડોઝ, જેણે એક ડોઝ લીધો છે તેણે બીજો ડોઝ અને જેણે બંને ડોઝ લીધા હોય તો તેણે તાત્કાલિક બુસ્ટર ડોઝ લઈ લેવો.
વેક્સિનેશન જ કોરોનાથી બચાવી શકશે તે હકીકત છે. આમ તો ભારતમાં કોરોનાની એટલી અસર થાય તેવી સંભાવના નથી. ભારતે કોરોનાનો મોટો માર સહન કરી લીધો છે. ભારતમાં વેક્સિનેશન મોટાપાયે થઈ ચૂક્યું છે. કરોડો લોકોને કોરોના થઈ ચૂક્યો હોવાથી એન્ટિબોડી પણ ડેવલપ થઈ ચૂકી છે. આ સંજોગોમાં ભારતીયોએ ગભરાવાની જરૂરીયાત નથી પરંતુ જો તકેદારી રાખવામાં નહીં આવે તો ભારત પણ કોરોનાના ભરડામાં ફરી આવી શકે તેમ છે તે નક્કી છે.