ઉત્તરાયણનો દિવસ એક ખગોળીય, ધાર્મિક તેમજ આધ્યાત્મિક ઘટનાનો દિવસ છે. આ દિવસે સૂર્યદેવ ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરીને ઉત્તર દિશા તરફ (ઉત્તર+અયન) પ્રયાણ કરે છે જે શુભ માનવામાં આવે છે. સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરતા હોવાથી આ દિવસને ‘મકરસંક્રાતિ’ પણ કહેવાય છે. આના પછી દેવતાઓના દિવસ શરૂ થાય છે તેથી તે શુભ કહેવાય છે. આ દિવસ બાદ તમામ માંગલિક કાર્યો (લગ્ન, ગૃહપ્રવેશ) માટે શુભ મનાય છે. વળી આ પવિત્ર દિવસે દાન કરવાથી અને નદીમાં સ્નાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે એવું શાસ્ત્રો કહે છે.
ભગવાન રામે પણ આ દિવસે પતંગ ઉડાડવાની શરૂઆત કરી હતી જે પરંપરા આજે પણ આપણે જાળવી રાખી છે. ભીષ્મે તેમના પિતા શાંતનુ સત્યવતી સાથે લગ્ન કરી શકે તે માટે બ્રહ્મચર્ય અને રાજગાદીના ત્યાગની પ્રતિજ્ઞા લીધી હતી. આથી શાંતનુએ ભીષ્મને ઇચ્છામૃત્યુનું વરદાન આપ્યું હતું. કુરુક્ષેત્રના યુદ્ધમાં 10મા દિવસે અર્જુનના હાથે વિંધાયા બાદ 28 દિવસ ભીષ્મ બાણશય્યા પર સૂતા રહ્યા. તેમણે ઇચ્છામૃત્યુના વરદાનને કારણે તેમના મૃત્યુ માટે ઉત્તરાયણનો આધ્યાત્મિક દિવસ પસંદ કર્યો હતો. મૃત્યુ સમયે ભીષ્મની ઉંમર 250 થી 260 વર્ષની માનવામાં આવે છે. બાણશય્યા પર સૂતાં સૂતાં તેમણે કૃષ્ણની સૂચનાથી યુધિષ્ઠિર અને અન્ય ઋષિમુનિઓને પ્રાચીન ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય ઉપદેશ આપ્યો હતો.
યુ.એસ.એ., ડૉ. કિરીટ એન. ડુમસિયા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.