Gujarat Main

ઉત્તરાખંડમાં આભ ફાટ્યું, ચાર ધામની યાત્રાએ ગયેલા ગુજરાતના 235 યાત્રિકો સલામત

ઉત્તરાખંડમાં (Uttarakhand Flood) છેલ્લા બે દિવસ દરમ્યાન આભ ફાટવાની ઘટનાને પગલે 24 લોકોનો મોત થયા છે, જ્યારે ખાસ કરીને ચાર ધામની યાત્રાએ ગયેલા ગુજરાતના 140થી વધુ યાત્રિકો (Gujarat 140 Tourist) ભારે વરસાદની સ્થિતિમાં ફસાયા હોવાની માહિતી મળી હતી. આ યાત્રિકોને સલામત પરત ગુજરાત લાવવા માટે ગાંધીનગરમાં (Ghandhinagar) સીએમ ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) મંગળવારે સવારથી જ એકશન મોડમાં આવી ગયા હતા.

તેમણે ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામી (Uttarakhand CM Pushkarsindh Dhami) સાથે ફોન પર ગુજરાતના યાત્રિકોની સલામતી માટે પગલા લેવા ચર્ચા કરી હતી. એટલું જ નહીં જરૂર પડ્યે ભારતીય વાયુ દળના (Indian Airforce) હેલિકોપ્ટરની મદદ વડે તેઓને સલામત બહાર લાવવા પણ પગલે લેવા જણાવ્યું હતું. ગાંધીનગરમાં પણ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે હેલ્પલાઈન (Helpline) પણ શરૂ કરી દેવાઈ હતી. જેનો નંબર 079-23251900 જાહેર કરાયો છે.

જો કે, મંગળવારે રાત્રે ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર પ્રવક્તાએ કહ્યું હતું કે ઉત્તરાખંડમાં રૂદ્ર પ્રયાગ, ઉત્તરકાશી, ચમોલી, હરિદ્વાર તથા દહેરાદુન (Dehradun) ખાતે ગુજરાતના 235 યાત્રિકો સલામત હોવાની માહિતી મળી છે. આ યાત્રિકોએ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની હેલ્પ લાઈનનો સંપર્ક કર્યો હતો. રસ્તો બ્લોક થવાના કારણે તેઓ ફસાયા હતા. જો કે હવે આ યાત્રિકો સલામત સ્થળે પહોંચી ગયા છે. રાત્રે અહીં વાહન વ્યવહાર રાબેતા મુજબ થયો છે. એટલે તેઓની આગળની યાત્રા શરૂ થઈ છે.

ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઓપેરશન સેન્ટરમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાંથી ચાર ધામની યાત્રાએ ગયેલા યાત્રિકોના સગાઓએ ફોન કરીને માહિતી આપી હતી. સ્ટેટ ઈમરન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી મળતી માહિતી મુજબ ગુજરાતના તમામ યાત્રિકો સલામત છે, તેઓને સલામત બહાર કાઢવાની વ્યવસ્થા થઈ છે. આ ઉપરાંત તેમના ભોજનની પણ વ્યવસ્થા કરાઈ છે. ખાસ કરીને રાજકોટના યાત્રિકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાને બચાવવા માટે સંદેશો મોકલ્યો હતો.

રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તથા માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદી મંગળવારે બપોરે ત્વરિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે દોડી આવ્યા હતા. એટલું જ નહીં ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતી યાત્રિકોને સલામત ગુજરાત પરત લાવવા માટે સતત ઉત્તરાખંડ સરકારના સંપર્કમાં રહીને અચાવ ઓપરેશન શરૂ કરી દીધુ હતું.

6 યાત્રિકો કેદારનાથમાં ઉપર ફસાયેલા છે, તેમની મદદે હેલિકોપ્ટર મોકલાશે
મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉત્તરાખંડના સીએમ સાથે સતત સંપર્કમાં છે. અમારી પાસે જે માહિતી છે તે મુજબ 6 યાત્રિકો કેદારનાથમાં ઉપર ફસાયેલા છે. તેઓને ત્વરિત સલામત નીચે લાવવા માટે વાયુદળના હેલિકોપ્ટરની પણ મદદ લેવાશે. જો કે હાલમાં હવામાન ખરાબ હોવાના કારણે ત્યાં હેલિકોપ્ટરનું ઉડ્ડયન શકય નથી. પરંતુ અમારા પ્રયાસ જારી છે. પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ પણ કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહના સતત સંપર્કમાં રહીને ગુજરાતી યાત્રિકો સલામત પરત આવે તે માટે સતત પ્રયાસ કરી રહ્યા છે.

Most Popular

To Top