National

યોગી સરકારમાં કેબિનેટ મંત્રી પદેથી રાજીનામું આપનાર સ્વામી પ્રસાદ મૌર્ય સામે ધરપકડનું વોરંટ

લખનૌ: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (Uttar Pradesh Assembly Elections) પહેલા યોગી સરકારમાં કેબિનેટ મંત્રી પદેથી રાજીનામું આપનાર સ્વામી પ્રસાદ મૌર્ય (Swami Prasad Morya) સામે ધરપકડનું વોરંટ કાઢવામાં આવ્યું છે. વાસ્તવમાં આ એક જૂનો મામલો છે, જેમાં સુલતાનપુરની સાંસદ-ધારાસભ્ય કોર્ટે તેને 24 જાન્યુઆરીએ હાજર થવાનો આદેશ આપતા વોરંટ જાહેર કર્યું છે. વર્ષ 2014માં સ્વામી પ્રસાદ મૌર્ય બીએસપીમાં મહાસચિવ અને વિપક્ષના નેતા હતા, તે દરમિયાન મૌર્યએ દેવી-દેવતાઓને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. સાત વર્ષ પહેલા મૌર્ય વિરુદ્ધ ધાર્મિક લાગણી ભડકાવવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. બુધવારે સાંસદ-ધારાસભ્ય કોર્ટે આ જ કેસમાં હાજર ન થવા બદલ તેમની સામે ધરપકડ વોરંટ જારી કરવાનો આદેશ આપ્યો હતો.

વાસ્તવમાં આ વોરંટ પહેલા જારી કરવામાં આવ્યું હતું, પરંતુ પછી સ્વામી પ્રસાદ મૌર્યએ તેના પર હાઈકોર્ટમાંથી સ્ટે મેળવ્યો હતો. 6 જાન્યુઆરીએ આ જ કેસમાં કોર્ટે તેમને 12 જાન્યુઆરીએ કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો. પરંતુ બુધવારે તે હાજર ન થતાં અગાઉની જેમ ધરપકડ વોરંટ ચાલુ રાખવામાં આવ્યું છે. એક સમયે BSP ચીફ માયાવતીના નજીકના અને પાર્ટીનો અવાજ ઉઠાવનાર મૌર્યને 1997, 2002 અને 2007 માં માત્ર BSPની દરેક સરકારમાં મંત્રી જ નહીં બનાવાયા પરંતુ જ્યારે પણ BSP સત્તાથી બહાર હતી ત્યારે તેઓ વિપક્ષના નેતા તરીકેનો પદભાર પણ સોંપાયો હતો. તેમને બીએસપીના રાષ્ટ્રીય મહાસચિવ પણ બનાવવામાં આવ્યા હતા.

2016 માં જ્યારે તેઓ વિપક્ષના નેતા હતા ત્યારે મૌર્યએ પાર્ટીની ટિકિટોની હરાજીનો આરોપ લગાવી BSP છોડી દીધી હતી. માયાવતીએ આરોપને નકારી કાઢ્યા હતા. જેમાં આરોપ છે કે મૌર્યએ રાજીનામું આપ્યું કારણ કે તેમના પુત્ર ઉત્કૃષ્ટ અને પુત્રી સંઘમિત્રાને ટિકિટ મળી ન હતી જે બેઠકો માટે તેણે કથિત રીતે લોબિંગ કર્યું હતું.

જણાવી દઈએ કે ચૂંટણી પંચે 8 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી હતી. 403 બેઠકો ધરાવતી 18મી વિધાનસભા માટે 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી સાત તબક્કામાં મતદાન થશે. ચૂંટણીના પરિણામો 10 માર્ચે આવશે. યુપીમાં સાત તબક્કામાં 10 ફેબ્રુઆરી, 14 ફેબ્રુઆરી, 20 ફેબ્રુઆરી, 23 ફેબ્રુઆરી, 27 ફેબ્રુઆરી, 3 માર્ચ અને 7 માર્ચે મતદાન થશે.

Most Popular

To Top