અમેરિકાના ૪૯મા ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલા ભારતીય મૂળ ધરાવતા કમલા હેરિસ અને અમેરિકાના દ્વિતીય સજ્જન ડગ એમહોફ હવે વોશિંગ્ટન ડીસીમાં આવેલા ઉપપ્રમુખના ભવ્ય સત્તાવાર નિવાસસ્થાનમાં રહેવા જશે જે મકાન અમેરિકી પ્રમુખના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઇટ હાઉસની સામેની શેરીમાં જ છે.
બ્લેર હાઉસ નામનું આ ભવ્ય મકાન પ્રમુખના ગેસ્ટ હાઉસ તરીકે પણ ઓળખાય છે કારણ કે ઘણી વખત આ મકાનમાં અમેરિકાના પ્રમુખના આમંત્રિત મહેમાનોને ઉતારો પણ આપવામાં આવતો હતો. બ્લેર હાઉસમાં કુલ ૧૧૯ ઓરડોઓ છે જેમાં ૧૪ બેડરૂમો છે. ૬૦૦૦૦ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું આ મકાન ચાર ટાઉનહાઉસીસોને ભેગા કરીને બનાવવામાં આવ્યું છે.
આ મકાનમાં ભવ્ય અને કલાત્મક ફર્નિચર તથા મોંઘા તૈલચિત્રો છે. અમેરિકી સરકારે ૧૯૪૨માં આ મકાન ખરીદી લીધું હતું અને તેને ત્યારે પ્રમુખનું સત્તાવાર અતિથિ ગૃહ બનાવવામાં આવ્યું હતું. કોઇ ભૂતપૂર્વ પ્રમુખ ગુજરી જાય તો તેમની સત્તાવાર અંતિમવિધિ થઇ નહીં જાય ત્યાં સુધી તેમના કુટુંબીજનોને રહેવા દેવા માટે પણ આ મકાનનો ઉપયોગ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ૬ વર્ષીય કમલા હેરિસ અને તેમના પતિ હાલ લોસ એન્જેલસમાં રહેતા હતા, હવે તેઓ આ સત્તાવાર આવાસમાં રહેવા જશે.