સુરત : સુરતમાં (Surat) ચિટીંગની (Cheating) વિચિત્ર ઘટના સામે આવી છે. હીરાદલાલે બેન્કનું ખાતું બંધ કરાવવા માટે એક યુવકને દસ્તાવેજ આપ્યા હતા તેનો દુરુપયોગ કરી બે બોગસ પેઢી બનાવી જીએસટી નંબર લઈ રૂપિયા 20 કરોડનું કૌભાંડ આચરી દેવાયું છે. હીરાદલાલ ઈન્કમટેક્સનું રિટર્ન ફાઈલ કરવા ગયો ત્યારે આખોય કાંડ સામે આવ્યો હતો. હીરાદલાલે ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે.
- ICICI બેન્કમાંથી એક કર્મચારી હીરાદલાલના ઘરે આવી આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ લઈ ગયો હતો
- હીરા દલાલના ડોક્યુમેન્ટના આધારે જીએસટી નંબર લઈ બે બોગસ પેઢી બનાવી દેવાઈ
- હીરા દલાલ ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવા ગયો ત્યારે ભાંડો ફૂટ્યો, દલાલે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ આપી
ડભોલીના ગાયત્રી મંદિર પાસે કૈલાસનગર સોસાયટીમાં રહેતા હીરાદલાલ ભાવેશભાઇ ધનજીભાઇ ગાબાણી ICICI બેંકમાં એકાઉન્ટ (Account) ધરાવતા હતા. તેઓએ આ એકાઉન્ટમાં વધારે પડતો ચાર્જીસ (Charges) લાગતો હોવાથી એકાઉન્ટ બંધ કરાવવા માટે કહ્યું હતું. થોડા દિવસો બાદ તેમના ઘરે એક અજાણ્યો યુવક આવ્યો હતો, આ યુવકે આઇસીઆઇસીઆઇ બેંકમાં નોકરી કરતો હોવાનું કહીને એકાઉન્ટ બંધ કરાવવા માટે પ્રોસેસ કરવાનું જણાવ્યું હતું. ત્યારબાદ ભાવેશભાઇએ પોતાનું આધારકાર્ડ, પાનકાર્ડ, ઘરના લાઇટબીલની ઝેરોક્ષ સહિતના ડોક્યુમેન્ટ આપ્યા હતા. આ ડોક્યુમેન્ટના આધારે અજાણ્યાએ જીએસટી નંબર મેળવ્યો હતો અને તેમાંથી ગાબાણી એન્ટરપ્રાઇઝ અને નેશનલ એન્ટરપ્રાઇઝ નામની બે પેઢીઓ બનાવી હતી.
આ બંને પેઢીમાં કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેકશન પણ કરી દેવામાં આવ્યું હતું. દરમિયાન તા. 31મી જાન્યુઆરીના રોજ ઇન્કમટેક્ષ રિટર્ન ભરવા માટેની છેલ્લી તારીખ હોવાથી આ સમયગાળા દરમિયાન ભાવેશભાઇ સીએને ત્યાં આઇટી રિટર્ન ફાઇલ કરવા માટે ગયા હતા. સીએએ ભાવેશભાઇના પાનકાર્ડ મારફતે તપાસ કરતા તેમના એકાઉન્ટમાં કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેકશન થયું હોવાનું બહાર આવ્યું હતું. ઠગબાજે અંદાજીત રૂા. 20 કરોડથી પણ વધુનું ટ્રાન્ઝેકશન કર્યું હતું. બનાવ અંગે ભાવેશભાઇએ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
બેંકના કર્મચારીની પણ સંડોવણી હોવાની શક્યતા
જ્યારે પણ કોઇ વ્યક્તિ પોતાનું એકાઉન્ટ શરૂ કરાવે કે બંધ કરાવે છે ત્યારે તેમનો મોબાઇલ નંબર લઇને તેમાં કન્ફરમેશન મેસેજ પણ મોકલવામાં આવે છે. અજાણી ઠગ વ્યક્તિ ભાવેશભાઇની પાસેથી ડોક્યુમેન્ટ લઇ ગયા બાદ લાંબો સમય સુધી એકાઉન્ટ બંધ થયું ન હતું. બીજી તરફ અજાણ્યાએ ભાવેશભાઇના પાનકાર્ડ ઉપર પેઢી શરૂ કરીને કરોડોના ટ્રાન્ઝેકશન કરી નાંખ્યા હતા. આ ટ્રાન્ઝેકશન માટે ભાવેશભાઇના મોબાઇલ ઉપર મેસેજો પણ આવ્યા ન હોવાની વિગતો છે. ત્યારે અજાણ્યા ઠગબાજે બેંકના કર્મચારીની સાથે મળીને ભાવેશભાઇની જગ્યાએ પોતાનો જ મોબાઇલ નંબર નાંખી દીધો હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ મામલે પોલીસે દ્વારા વધુ પુછપરછ કરવામાં આવી છે.