સહારનપુર: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) સહારનપુર (Saharanpur) જિલ્લામાં લાયસન્સ ધરાવતી ફટાકડાની ફેક્ટરીમાં (Cracker factory) બ્લાસ્ટ (Blast) થતા પાંચ લોકોના મોત થયા છે. જે બાદ લોકોમાં અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. મૃતકોમાં ફેક્ટરી ચલાવનાર વ્યક્તિનો પણ સમાવેશ થાય છે. ઘાયલ વ્યક્તિને જિલ્લા હોસ્પિટલમાં (Hospital) દાખલ કરવામાં આવ્યો હતો, જેને સારવાર માટે ચંદીગઢ પીજીઆઈમાં રિફર કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ફેક્ટરીમાં 7 થી 8 લોકો કામ કરતા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસ (Police) તેમજ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચવા દોડતી થઇ હતી.
આગમાં કામદારો સહિત ફેક્ટરીનો માલિક પણ બન્યો ભોગ
મળતી માહિતી મુજબ આ અકસ્માત સરસાવા વિસ્તારના સોરાના પાસેના બળવંતપુર ગામમાં થયો હતો. અહીં લાયસન્સવાળી ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટ બાદ 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ પછી વધુ 2 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં કુલ 5ના મોત થયા છે. અકસ્માતમાં જીવ ગુમાવનારા તમામ લોકો સરસાવાના સલેમપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી હતા. દુર્ઘટના બાદ સહારનપુરના આઈજી ડૉક્ટર પ્રીતિન્દર સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે ફેક્ટરીમાં સાતથી આઠ લોકો કામ કરતા હોવાની માહિતી મળી છે. 3 મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. ગંભીર ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
ઘાયલ વ્યક્તિના પરિવારજનોનો સંપર્ક કરવાના પ્રયાસો ચાલુ
ઘટનાની માહિતી મળતાં જ પોલીસ સહિત અગ્નિશમન દળ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લેવા માટે કલાકો સુધી પ્રયત્નો કર્યા હતા. ભયાનક આગમાં ઘણા લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. ઘાયલ વ્યક્તિના પરિવારજનોનો સંપર્ક કરવાના પ્રયાસો ચાલુ છે. સ્થળ પરથી કાટમાળ હટાવવાના પ્રયાસો ચાલુ છે જેથી જો કોઈ જાનહાનિ કે અન્ય કોઈ ઈજા થાય તો તેને જલ્દી બચાવી શકાય. હવે પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે બ્લાસ્ટ કયા સંજોગોમાં થયો હતો.
સીએમ યોગીએ શોક વ્યક્ત કર્યો
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સહારનપુરમાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા અકસ્માતમાં લોકોના મૃત્યુ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે દિવંગત આત્માઓને શાંતિની કામના સાથે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. સીએમ યોગીએ જિલ્લા પ્રશાસનના અધિકારીઓને સ્થળ પર પહોંચવા અને ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા અને અસરગ્રસ્તોને યોગ્ય સારવાર આપવાનો નિર્દેશ આપ્યો છે.