નડિયાદ: આણંદ- ખેડા જિલ્લામાં એકાએક પલ્ટાયેલાં વાતાવરણ વચ્ચે ગુરૂવારે સવારના સમયે ડાકોર પંથકમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેને પગલે ખેડુતો ચિંતીત બન્યાં છે.ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તારીખ ૧૭ થી ૨૦ નવેમ્બર દરમિયાન કમોસમી વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. જે મુજબ તારીખ બુધવારે સમગ્ર આણંદ – ખેડા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. બીજા દિવસે એટલે કે ગુરૂવારના રોજ યાત્રાધામ ડાકોર તેમજ આસપાસના વિસ્તારોમાં સવારે સવા નવ વાગ્યાના વરસાદમાં એકાએક વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો. આ વરસાદ સતત પંદરેક મિનીટ સુધી વરસતો રહ્યો હતો. અચાનક વરસેલા કમોસમી વરસાદને પગલે શિયાળુ પાકની ખેતી કરતાં ખેડુતો ચિંતીત બન્યાં છે.
ખાનપુર સહિત તાલુકામાં વરસાદી છાંટા પડતાં ખેડૂતો ચિંતાગ્રસ્ત
ખાનપુર સહિત તાલુકામાં વરસાદી છાંટા વરસતાં ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી હતી. આ કમોસમી વરસાદને પગલે શિયાળું પાકને નુક્સાન થઈ શકે છે. વરસાદી છાંટા પડતાં ધીરે ધીરે ઠંડી પણ વધી રહી છે. એક તરફ કેટલાક ખેતરોમાં ડાંગર કાપેલી હાલમાં પડી છે જેને નુકસાન થવાની ભીતી વચ્ચે ખેડૂતો મહામુલા પાક અને ઘાસચારાને બચાવવા ચિંતાગ્રસ્ત હાલતમાં જોવાઈ રહ્યાં છે.