Comments

‘યુનિવર્સિટી ઓફ મેઇન’: અમેઝિંગ યુનિ. ઓફ યુ.એસ.

યુ.એસ.ના નોર્ધન ઇસ્ટના ‘મેઇન સ્ટેટ’ના કેપિટલ સીટી ‘બેંગોર’માં ‘ઓરોનો’ ઇલાકામાં ‘યુનિવર્સિટી ઓફ મેઇન’- આવેલી છે. ઇ.સ. 1865માં સ્થપાયેલી આ યુનિવર્સિટીનું કેમ્પસ ખૂબ જ ભવ્ય, રળિયામણું અને અકલ્પનીય ટેકનોલોજીથી સજ્જ છે! આમ પણ ‘મેઇન’ સ્ટેટ એટલે નોર્ધન ઇસ્ટના એટલાન્ટીક મહાસાગરને અડીને આવેલું યુ.એસ.નું સ્વર્ગ!! યુનિવર્સિટીનું સૌથી ધ્યાનાકર્ષક સેન્ટર તેની અતિ આધુનિક, વિશાળ લાયબ્રેરી છે, જેમાં દરેક વિષયનાં સંદર્ભ પુસ્તકો, સ્કોટ બૂકસ, માઇક્રો સી.ડી., માઇક્રો બૂકસ અને સોફટ બૂકસ વ્યવસ્થિત રીતે ગોઠવેલાં જોવા મળે છે.

આખી લાયબ્રેરી સાઉન્ડપ્રુફ! સ્મશાનવત્‌ શાંત!! સૌથી વિશેષ ધ્યાનાકર્ષક બાબત એ જોવા મળી કે લાયબ્રેરીમાં વિદ્યાર્થીઓની સંખ્યા 70 થી 80 ટકા આસપાસ. પ્રત્યેક વિદ્યાર્થી પાસે ટેબલેટસ. ઝડપથી છતાં શાંત ચિત્તે અધ્યયન કરી લેવાની તત્પરતાવાળાં દેખાવડાં વિદ્યાર્થીઓ! વિદ્યાર્થીઓને પોતાના પાળેલા ડોગ સાથે યુનિવર્સિટીમાં આવવાની છૂટ. ગ્રંથાલય પાસે ડોગ થેરાપી સેન્ટર. તેને અડીને વિશાળ રિફ્રેશમેન્ટ સેન્ટર. જયાં અભ્યાસ સામગ્રીથી માંડીને જીવનજરૂરી તમામ ચીજવસ્તુઓ ખૂબ જ વ્યાજબી દરે ઉપલબ્ધ. જેનો પચાસ ટકા ખર્ચ યુનિવર્સિટી પોતે ભોગવે. હોસ્ટેલમાં રહેતાં વિદ્યાર્થીઓ તેનો વધુ લાભ લે. વિદ્યાર્થીઓને બ્લેક ટી, કોફી ઇવન બ્રાન્ડી, બિયર પીવાની છૂટ! તેને માટે અલગ ઝોન. સ્મોકિંગ ઝોન પણ ખરો!! વિદ્યાર્થીઓની સ્વયંશિસ્ત ઊડીને આંખે વળગે તેવી!

યુનિવર્સિટીનું સ્પોર્ટ કોમ્પલેક્ષ ખૂબ જ વિશાળ અને ભવ્ય! તેમાં સાત ટેનિસ કોર્ટ. પાસે જ ઇન્ડોર સ્પોર્ટ્‌સ કોમ્પલેક્ષ. સાત ટેનિસ કોર્ટને ભેગાં કરીએ એટલું વિશાળ! રમતગમતનાં અતિ આધુનિક તમામ સાધનોથી સજ્જ. ત્રણ ફલોરવાળા આ ઇન્ડોર સ્પોર્ટ્‌સ કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફલોર પર તરણકુંડ અને બાસ્કેટ બોલ કોર્ટ. પ્રવેશદ્વાર પાસે જ વિદ્યાર્થીઓની બાયોમેટ્રીક નોંધનાં ઉપકરણો, નેપ્કીન્સ, કોસ્યૂમ્સ, ટુવાલ અને અન્ય  જરૂરી સાધન-સામગ્રી, બાયો મેટ્રીકસ થઇ ગયા બાદ વિદ્યાર્થીઓને પૂરાં પાડવામાં આવે. લાઇટ રિફ્રેશમેન્ટ માટે અલાયદો કોર્નર.

યુનિવર્સિટી કેમ્પસના દરેક લાઇટ પોલ પર મોબાઇલ ચાર્જરની સુવિધા. વચ્ચે વચ્ચે ઇમરજન્સી પોલ પરથી ઇમરજન્સી કોલ કરવાની સુવિધા. વિશાળ ગ્રીન ગ્રાઉન્ડ, સિમેન્ટ-કોંક્રિટના રસ્તા, જેના પરથી એક ડિપાર્ટમેન્ટમાંથી અન્ય ડિપાર્ટમેન્ટમાં જવા-આવવા માટે ‘સ્કેટ બોર્ડ’ની સુવિધા. કેટલાંક વિદ્યાર્થીઓ ચાલતા જવાને બદલે ‘સ્કેટ બોર્ડ’નો વધુ ઉપયોગ કરે છે. યુનિવર્સિટીનો રેગિંગ રેટ શૂન્ય! મોટા ભાગનાં વિદ્યાર્થીઓની ચાલમાં ઝડપ, તનમાં સ્ફૂર્તિ અને ચહેરા પર સ્મિત! ટોળામાં ચાલતાં કે મોબાઇલ વ્યસ્ત વિદ્યાર્થીઓ નહિવત્‌!! યુનિવર્સિટીનો ઓડિયો-વિડિયો સ્ટુડિયો ખૂબ જ વિશાળ અને અતિ આધુનિક સાઉન્ડ સિસ્ટમ સાથે સજ્જ! લગભગ ભારતના ફિલ્મ સ્ટુડિયો જેવો શોર્ટ ફિલ્મના શૂટીંગની પણ સુવિધા. તક્‌નિકી ક્ષેત્ર, તબીબી ક્ષેત્ર, શૈક્ષણિક ક્ષેત્ર સાથે નાટ્‌ય, કલા, સાહિત્ય, સંગીતના ક્ષેત્રમાં કેરિયર બનાવવા માંગતા વિદ્યાર્થીઓ માટે સર્વોત્તમ સુવિધા અને તકો.

હોસ્ટેલ ફેસિલિટી ખૂબ જ આધુનિક અને હાઇજેનિક! મોટે ભાગે બે બેડરૂમવાળા રૂમો. ફ્રિઝ, ટી.વી. વાય ફાઇ ફેસેલિટીની સુવિધાવાળા. વોશરૂમ્સ, ટોયલેટ્‌સ વેરી નીટ એન્ડ કલીન! યુનિવર્સિટીનો એજયુકેશન એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ વિભાગ સૌથી વધુ ડિગ્રી, ડિપ્લોમા અને સર્ટીફિકેટ્‌સ કોર્ષ ઓફર કરવા માટે જાણીતો છે. આ ડિપાર્ટમેન્ટ, ચાઇલ્ડ એન્ડ ફેમિલી સ્ટડીઝ, કાઉન્સેલર એજયુકેશન, કરી કયુલમ ડેવલપમેન્ટ એન્ડ ઇન્સ્ટ્રકશન, આર્લી ચાઇલ્ડ હૂડ એન્ડ અર્લી ચાઇલ્ડ હૂડ એજયુકેશન, એજયુકેશનલ લિડરશીપ, હાયર એજયુકેશન, હ્યુમન ડેવલપમેન્ટ્‌સ એન્ડ એજયુકેશનલ સાયકોલોજી, એજયુકેશનલ ફિલોસોફી, કિન્શીયોલોજી એન્ડ ફીઝીકલ એજયુકેશન, લીટ્‌રસી, રિસર્ચ મેથોડોલોજી, સોશ્યલ સ્ટડીઝ એજયુકેશન, સ્પોર્ટ્‌સ એજયુકેશન, એસ.ટી.ઇ.એમ. એજયુકેશન, એન્વાયરમેન્ટલ એજયુકેશન, એડલ્થ એજયુકેશન, સેકસ એજયુકેશન જેવા ડિગ્રી, ડિપ્લોમા અને સર્ટીફિકેટ્‌સ કોર્સીસ ઓફર કરે છે.

વિદ્યાર્થીઓ ડિગ્રી કરતાં ડિપ્લોમા અને સર્ટીફિકેટ્‌સ કોર્ષ વધુ પસંદ કરે છે. કેટલાંક વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં પાર્ટ ટાઇમ જોબ સાથે અભ્યાસ પણ કરે છે. પોતાના અભ્યાસનો તમામ ખર્ચ પોતે કરે છે. મા-બાપને આર્થિક રીતે ભારરૂપ બનતાં નથી. એજયુકેશન ડિપાર્ટમેન્ટના ડીન ડો. ટીમોની રિગન, ડિપાર્ટમેન્ટના હેડ ડો. જીમ, પ્રોફેસર મેરીની ત્રિપુટીએ એજયુકેશન ડિપાર્ટમેન્ટને ટોચ પર મૂકી આપ્યું છે!

એજયુકેશનમાં પીએચ.ડી.નો કોર્ષ આઠ વર્ષનો છે! પ્રવેશ મળ્યા બાદ ત્રણ વર્ષનો કોર્ષ વર્ક ફરજિયાત છે. પછી જ ડેટા કલેકશનનું કામ હાથ ધરી શકાય. પીએચ.ડી.ના વિષયો ચીલાચાલુ નહિ. તેમાં વિવિધતા જોવા મળે છે. આઠ વર્ષ બાદ પીએચ.ડી.ની પદવી મળે. ત્યાર બાદ તેનાં પરિણામો વાસ્તવિક ભૂમિકા પર ફરી ચકાસવામાં આવે જેને Replication of Research findingsથી ઓળખવામાં આવે છે. અત્યંત કડક પરીક્ષણને અંતે પીએચ.ડી.ની પદવી મળે છે તેથી માત્ર દસથી બાર ટકા વિદ્યાર્થીઓ જ પીએચ.ડી. કરવાનું સાહસ કરે છે. સમગ્ર યુનિવર્સિટીનું સંચાલન સ્ટેટ ગવર્નમેન્ટ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના સંયુકત ઉપક્રમે થાય છે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top