Comments

શું ઈરાન યુક્રેન યુદ્ધ માટે રશિયાને બેલેસ્ટિક મિસાઈલો આપશે?

અમેરિકાએ ચેતવણી આપી છે કે ઇરાન રશિયાને યુક્રેનના યુદ્ધમાં ઉપયોગ માટે અદ્યતન બેલેસ્ટિક મિસાઇલો પ્રદાન કરવાની તૈયારી કરી રહ્યું છે. શું ખરેખર ઈરાન રશિયાને મિસાઈલો આપશે? અમેરિકાએ આક્ષેપ કર્યો હતો કે સમર્થનના બદલામાં રશિયાએ ઈરાનને સંરક્ષણ સહકાર ઓફર કર્યો છે, જેમાં ઇલેક્ટ્રોનિક્સ અને હવાઈ સંરક્ષણનો સમાવેશ થાય છે. ઈરાન રશિયા પાસેથી અબજો ડોલરના સૈન્ય સાધનો ખરીદવા માંગે છે, જેમાં એટેક હેલિકોપ્ટર, રડાર સિસ્ટમ અને અદ્યતન Su-35 ફાઈટર જેટ્સની લડાયક ટ્રેનર એરક્રાફ્ટનો સમાવેશ થાય છે.

પશ્ચિમી દેશો કહે છે કે ઈરાન રશિયાને સેંકડો કામિકાઝ ડ્રોન સપ્લાય કરી રહ્યું છે જેનો ઉપયોગ યુદ્ધમાં કરવામાં આવ્યો છે, જેના જવાબમાં ઈરાની વ્યક્તિઓ અને સંસ્થાઓ પર ઘણા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. અમેરિકાએ અગાઉ કહ્યું હતું કે ઈરાન રશિયામાં ડ્રોન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બનાવવા માટે સામગ્રી સહાય પણ આપી રહ્યું છે. તાજેતરમાં તેણે કહ્યું છે કે ઈરાને રશિયાને માર્ગદર્શિત એરિયલ બોમ્બ અને આર્ટિલરી યુદ્ધસામગ્રી પણ આપી છે.

યુક્રેન યુદ્ધ મુદ્દે ઈરાનના સત્તાવાર વલણમાં એવું કહેવામાં આવ્યું છે કે યુદ્ધના મૂળમાં નાટોનું અનિયંત્રિત વિસ્તરણ છે અને ઈરાન ઇચ્છે છે કે સંવાદ દ્વારા આ યુદ્ધ સમાપ્ત થવું જોઈએ. ઇરાને દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગના ભાગરૂપે રશિયાને ડ્રોન પૂરા પાડ્યા હતા પરંતુ તે યુદ્ધ શરૂ થયાના મહિનાઓ પહેલાંની વાત છે. રશિયા પાસે બેલિસ્ટિક મિસાઇલ કેટેગરીમાં પોતાનાં શસ્ત્રો છે, પરંતુ તે પૂરતાં નથી કારણ કે યુદ્ધ ચાલુ હોવાથી રશિયાને મોટા જથ્થાની જરૂર છે. જો કે હજુ પણ સ્પષ્ટ નથી કે ઈરાન ખરેખર મિસાઈલો આપે એવી શક્યતા કેટલી છે. બંને બાજુ રાજકીય અનિચ્છા અથવા સંભવિત કાનૂની પડકારો પણ ભૂમિકા ભજવી શકે છે.

ગયા મહિને, ઇરાનના મિસાઇલ પ્રોગ્રામ પરના યુએનના સંખ્યાબંધ પ્રતિબંધો કોમેટોઝ ૨૦૧૫ પરમાણુ કરારના ભાગરૂપે સમાપ્ત થઈ ગયા. અગાઉ કરારને લઈને પશ્ચિમી દેશો નિયમિતપણે ઈરાન પર દબાણ કરતાં હતા. ઈરાન માટે હવે આ અવરોધ પણ દૂર થઈ ગયો છે. રશિયા સાથે સંબંધોને વિસ્તારવા ઉપરાંત ઈરાન પાસે તેના લશ્કરી સહયોગને વધારવા માટેના પણ કારણો છે, જેમાં રશિયન નાણાં અને લશ્કરી ટેક્નોલોજીનો સમાવેશ થાય છે. ઈરાન અને રશિયાના શસ્ત્ર ઉદ્યોગો કંઈક અંશે પૂરક છે. રશિયા પાસે ફાઇટર જેટ છે, જે ઇરાન બનાવી નથી શકતું તો ઈરાન આત્મઘાતી ડ્રોન માટેની મોટા પાયે ઉત્પાદન ક્ષમતા ધરાવે છે જે યુક્રેનના યુદ્ધમાં રશિયાને મદદ કરી શકે છે.

ઈરાને તેની અબાબિલ અને ફતેહ મિસાઈલો રશિયન અધિકારીઓને બતાવી પણ છે. અબાબિલ બેલેસ્ટિક મિસાઈલ મધ્યમ રેન્જ સાથેનું એક વ્યૂહાત્મક શસ્ત્ર છે જ્યારે ફતેહ શ્રેણીમાં આવતી મિસાઈલોમાં ૭૦૦ કિમીથી વધુ પ્રમાણમાં લાંબી રેન્જ ધરાવતાં અસ્ત્રોનો સમાવેશ થાય છે. આ વિશ્વસનીય, શક્તિશાળી પ્રણાલીઓ રશિયા માટે ઉપયોગી થાય એમ છે. અમેરિકા લગભગ એક વર્ષથી કહી રહ્યું છે કે ઈરાન કદાચ રશિયાને મિસાઈલો આપવાની તૈયારી કરી રહ્યું છે. જો કે ઈરાનની ગણતરી એ છે કે આવી ક્ષમતા રશિયાને ત્યારે જ મોકલવી જોઈએ. જો રશિયા ઈરાનને વધુ અસરકારક શસ્ત્રો પ્રદાન કરી શકે, પરંતુ રશિયાએ હજી સુધી આમ કર્યું નથી.

ઈરાન ગાઝા પર ઈઝરાયેલના યુદ્ધ મુદ્દે યુરોપ સાથે રાજદ્વારી રીતે સંકળાયેલું છે ત્યારે હવે તે યુરોપિયન યુનિયન સાથે તણાવને વધુ વકરાવે એવું લાગતું નથી. રશિયાને શસ્ત્રો પૂરાં પાડવાથી આ તણાવ વધી શકે છે જે ઈરાન ઇચ્છતું નથી. EU-ઈરાન સંબંધો ઉપરાંત રશિયા અને ઈરાન વચ્ચેનાં વ્યૂહાત્મક કારણો પણ આવા નિર્ણયની તરફેણમાં નથી. આ ઉપરાંત, પર્સિયન ગલ્ફનાં રાજ્યો દ્વારા આના વિરોધ અંગે રશિયાની ચિંતા અને ઈરાન-સાઉદી સંબંધો પર તેની અસરો જેવાં પરિબળો પણ ભાગ ભજવશે.
ડૉ. જયનારાયણ વ્યાસ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top