Comments

કોઈ પાછળ ન રહી જાય

જાત મહેનતે આગળ આવેલા રાઘવને ‘બિઝનેસમેન ઓફ ધ યર’નો એવોર્ડ મળ્યો.જાત મહેનતે તે આગળ વધ્યો હતો.આ એવોર્ડ મળ્યો અને તે પછીના ઇન્ટરવ્યુમાં તેણે એક જાહેરાત કરી.તેણે કહ્યું, ‘હું અહીં મારાં માતા પિતાના આશીર્વાદ અને મહેનતથી પહોંચ્યો છું અને આજે મારાં માતાપિતાને આપેલું વચન પૂરું કરવા સક્ષમ બન્યો છું.કોઇ પણ યુવાન જેની પાસે કોઈ નવો બીઝનેસ આઈડિયા હોય તે મને મારા આ પર્સનલ ઈ મેલ આઈ ડી પર મેઈલ કરી શકે છે.

હું તેમનો કોન્ટેક્ટ કરીશ…કોઈને કોઈ તકલીફ હોય તે અમારી કંપનીની સોશ્યલ સર્વિસ વિંગમાં આવી મદદ માંગી શકે છે.’ રાઘવની આ જાહેરાત બાદની પાર્ટીમાં ઘણી વાતો વહેતી થઇ.ઘણા તેના અને તેની ઉદારતાનાં વખાણ કરી રહ્યાં હતાં અને ઘણાં તેને એક ગીમિક કહી રહ્યા હતા.ઘણાં કહી રહ્યાં હતાં કે હજી માંડ થોડા પૈસા કમાયો છે અને બીજાની મદદ કરવાની શેખી કરે છે.ઘણાએ ચિંતા પણ બતાવી કે હજી માંડ ઊભો થયો છે. બીજાની મદદ કરવામાં પોતે નીચે ન પડી જાય…આમ બીઝનેસ વર્તુળમાં અનેક વાતો થવા લાગી અને રાઘવ સુધી પણ પહોંચી.રાઘવના પી.એ. એ સલાહ આપી, ‘સર, આપણે આ બાબતો હમણાં મુલતવી રાખીએ અથવા એક પ્રેસ રીલીઝ બહાર પાડીએ કે તમે આ બધું કેમ આટલું જલ્દી શરૂ કર્યું છે.’

રાઘવે કહ્યું, ‘હું માત્ર કામ કરવા માંગું છું અને હું મારા પિતાને આપેલું વચન નિભાવી રહ્યો છું.તેમણે મને એક જ વાત ખાસ યાદ રાખવા કહ્યું છે તે યાદ રાખી હું આગળ વધી રહ્યો છું. મારે કોઈ પ્રેસ રીલીઝ નથી કરવી અને હા કામ મેં કહ્યું છે તે થતું રહેશે, અટકશે નહિ.લોકોને જે વિચારવું હોય તે વિચારે અને જે બોલવું હોય તે બોલે….’ આટલું બોલી રાઘવ પોતાના વિચારોમાં ખોવાઈ ગયો.

શિક્ષક માતા-પિતાનો એકનો એક દીકરો.પિતાએ એક અકસ્માતમાં આંખો ગુમાવી…ને બધી જવાબદારી માતા પર આવી પડી.માતા અંજનાબહેને ઘર પરિવાર ,પુત્ર ,પતિ અને પોતાની નોકરી બધું જ સાચવવા બહુ મહેનત કરવી પડી.સતત કામ અને ટ્યુશન કરીને તેઓ ઘરખર્ચ ,પુત્રનું ભણતર બધું જ સંભાળી રહ્યાં હતાં.એક જ વસવસો હતો કે આ તકલીફના દિવસોમાં કોઈ સાથ આપવા કે સધિયારો આપવા આગળ ન આવ્યું. રાઘવ મોટો થયો.મમ્મીને મદદ કરવા લાગ્યો.જાત મહેનતે ટ્યુશન કરી ભણ્યો.પોતાની જ ટયુશનની બચતમાંથી નાનકડું કામ શરૂ કર્યું અને સડસડાટ સફળતા મેળવી આજે આ એવોર્ડ મેળવ્યો.

મમ્મી અને પપ્પાને પગે લાગી તે એવોર્ડ લેવા નીકળ્યો ત્યારે મમ્મીએ ઓવરણાં લીધાં અને પપ્પા ઘણી વાર સુધી તેનો હાથ પંપાળતા રહ્યા, પછી રાઘવને પાસે બોલાવીને કહ્યું, ‘દીકરા, ખૂબ ખૂબ આગળ વધ, પણ મને વચન આપ કે તું જેટલો વધુ આગળ વધે એટલી વાર વધુ પાછળ જોતો રહીશ અને કોઈ સ્વજન ,કોઈ મિત્ર , કોઈ સાથી , કે કોઈ લાયક વ્યક્ત પાછળ ન રહી જાય તેનું ધ્યાન રાખીશ.’રાઘવે પિતાને વચન આપ્યું અને ઘરથી એવોર્ડ સમારંભ સુધી પહોંચવાના સમયમાં જ કોઈ પાછળ ન રહી જાય તે માટે બધાને સાથે લઈને આગળ વધવા માટેના પહેલા પગલાની રૂપરેખા બનાવી દીધી અને એવોર્ડ બાદ જાહેર પણ કરી દીધી.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top