World

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ કરાચીની હોસ્પિટલમાં દાખલ, ઝેર અપાયાનો દાવો

નવી દિલ્હી: અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની (Dawood Ibrahim) તબિયત લથડતાં તેને પાકિસ્તાનના કરાચીની (Karachi) એક હોસ્પિટલમાં દાખલ (Hospitalized) કરાયો છે. જો કે તેને લઇને કેટલીક અફવાઓ ફેલાઈ રહી છે. દાઉદને ગંભીર તબીબી સ્થિતિને પગલે કરાચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. જેમાં અપ્રમાણીત અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે તેને ઝેરની (Poisoned) અસરને કારણે હોસ્પિટલ ભેગો કરાયો છે.

  • અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ કરાચીમાં દાખલ
  • ગંભીર બીમારીના કારણે દાખલ કરાયો હોવાની અટકળ
  • પ્રમાણીત અહેવાલો મુજબ દાઉદને ઝેર અપાયું છે
  • દાઉદ 1993 ના મુંબઈ બોમ્બ ધડાકા પાછળનો માસ્ટરમાઇન્ડ છે

એ ઉલ્લેખનીય છે કે 65 વર્ષીય ભાગેડુ ઘણા વર્ષોથી કરાચીમાં રહે છે અને વિશ્વભરની કાયદા અમલીકરણ એજન્સીઓથી બચી રહ્યો છે. ભારતના મોસ્ટ વોન્ટેડ ગુનેગારોમાંનો એક દાઉદ ઈબ્રાહિમ સંગઠિત અપરાધ, આતંકવાદ અને ડ્રગ હેરફેર સહિત વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો છે. તે 1993 ના મુંબઈ બોમ્બ ધડાકા પાછળનો માસ્ટરમાઇન્ડ છે જેમાં 250 થી વધુ લોકોના મોત થયા હતા અને હજારો ઘાયલ થયા હતા.

સમગ્ર મામલે દાઉદની ગેંગના ભૂતપૂર્વ સભ્યએ પુષ્ટિ કરી કે દાઉદ ગંભીર બીમારીને કારણે કરાચીની એક હોસ્પિટલમાં દાખલ છે. તેમજ તેને બે દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અહીં દાઉદને કડક સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યો છે અને જ્યાં તેને દાખલ કરવામાં આવ્યો છે ત્યાં કોઈને જવાની મંજૂરી નથી. માત્ર ઉચ્ચ અધિકારીઓ અને પરિવારના નજીકના લોકો જ ત્યાં જઈ શકશે.

પરંતુ તેના હોસ્પિટલમાં દાખલ થવાના કારણો હમણા સુધી ગુપ્ત રહ્યા છે. પાકિસ્તાની અને ભારતીય સત્તાવાળાઓએ સત્તાવાર રીતે આ સમાચારની પુષ્ટિ કરી નથી. અટકળો એવી ચાલી રહી છે કે તેની અચાનક તબિયત બગડવાનું કારણ ઝેર હોઈ શકે છે અને તેના કારણે રહસ્ય સર્જાયું છે કે પાકિસ્તાનમાં સઘન સુરક્ષા સાથે રહેતા દાઉદને ઝેર કોણે આપ્યું.

દાઉદ ઈબ્રાહિમ દાયકાઓથી ભાગેડુ છે. તેના ઠેકાણાની પાકિસ્તાની તંત્ર દ્વારા સાવચેતીપૂર્વક સુરક્ષા કરવામાં આવતી હોવાનું હંમેશાથી કહેવાતું રહ્યું છે. અંડરવર્લ્ડ ડોને કથિત રીતે કરાચીમાં આશ્રય મેળવ્યો છે, જ્યાં તે વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓમાં તેની સંડોવણી માટે તેનો પીછો કરતી આંતરરાષ્ટ્રીય કાયદા અમલીકરણ એજન્સીઓથી બચવામાં સફળ રહ્યો છે.

Most Popular

To Top