દાહોદ: લીમખેડા નગરમા જનતાની સુખાકારી માટે રાજ્ય સરકાર દ્વારા ૧૦ વર્ષ અગાઉ અંદાજીત રુપીયા ૧૩ કરોડ ના ખર્ચે ભૂગર્ભ ગટર યોજના અમલ મા મુકી હતી પરંતુ દસ દસ વર્ષ ના વાણા વિતવા છતા લીમખેડા નગરની ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી અધુરી રહેતા નગરજનોમા ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા નાગરિકોની સુવિધાઓ મા વધારો કરવાના શુભ આશય થી તાલુકા કક્ષાના ગામોમા ભૂગર્ભ ગટર યોજના મંજુર કરી હતી.
જે યોજનામા લીમખેડા નગરનો પણ સમાવેશ કરવામા આવ્યો હતો, લીમખેડા મા ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી શરુ થતા ગ્રામજનોમા ખુશી જોવા મળી હતી, ગ્રામજનોને એમ હતુ કે ભૂગર્ભ ગટર યોજના શરુ થશે તો લોકોને ખાળકુવા પાછળ થતા ખર્ચ માથી મુક્તિ મળશે અને પાણીના બોર તેમજ હેન્ડપંપ મા આવતુ ગંદુ પાણી બંધ થશે, પરંતુ લીમખેડાના ગ્રામજનોની આ તમામ આશાઓ પર પાણી ફરી વળ્યુ છે,.
લીમખેડા ની ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી શરુ કર્યાને આજે દસ વર્ષ જેટલો સમય વિતવા છતા કામગીરી પૂર્ણ કરવામા આવી નથી. ગ્રામજનો દ્વારા લીમખેડા ગ્રામ પંચાયત થી લઈને છેક રાજ્ય સરકાર ના મંત્રાલયો સુધી રજુઆતો કરી પરંતુ આજ દિન સુધી કોઈ અધિકારીઓ કે રાજનેતાઓએ લીમખેડાની ભૂગર્ભ ગટર યોજના શરુ થાય તે બાબતે કોઈજ કાર્યવાહી કરી નથી, જેના કારણે લીમખેડાના ગ્રામજનોમા તંત્ર અને રાજકીય નેતાઓ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.રાજ્ય સરકાર દ્વારા લીમખેડા નગરની ભૂગર્ભ ગટર યોજના માટે અંદાજીત રુપિયા તેર કરોડોની ફાળવણી તો કરી પરંતુ જમીની સ્તર પર કામગીરી થઈ છે કે નથી થઈ તે જોવા વાળુ કોઈ નથી, સરકારો જનતા પાસેથી વિવિધ ટેક્સ રુપે લાખો કરોડ રુપીયા ઉઘરાવી રહી છે, પરંતુ જનતાના ટેક્સ ના રૂપીયા જનતા માટે ખરેખર વપરાય છે કે કેમ? તે જોવાની તસ્દી પણ સરકાર ના મંત્રી કે અધિકારીઓ લેતા નથી,.
લીમખેડા ભૂગર્ભ ગટર ની કામ કરતી અમદાવાદની એજન્સી દ્વારા દસ વર્ષ પુરા થવા આવ્યા હોવા છતા કામગીરી આજદિન સુધી પુર્ણ કરવામા આવી નથી કે, નગરજનોને ભૂગર્ભ ગટર ના કનેક્શન પણ આપવામા આવ્યા નથી, તો નગરમા કેટલીક જગ્યાએ તો ભૂગર્ભ ગટર લાઈનો માટે પાઈપો પણ નાખવામા આવેલ નથી, તેવા આક્ષેપો ગ્રામજનો લગાવી રહ્યા છે. ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી કરતી એજન્સી દ્વારા કામગીરી અધુરી રાખેલ હોવા છતા એજન્સીને સરકારી અધિકારીઓ કાગળ પર કામગીરી પુરી બતાવી હોવાનુ દર્શાવી કરોડો રુપીયા એજન્સીને ચુકવી મોટો ભ્રષ્ટાચાર આચર્યો હોવાની નગરજનો ચર્ચાઓ કરી રહ્યા છે.
ત્યારે ભૂગર્ભ ગટર યોજના મા આચરવામા આવેલ ભ્રષ્ટાચાર મામલે ઉચ્ચ અધિકારીઓ સ્થળ તપાસ કરી દોષિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામા આવે અને લીમખેડા ની ભૂગર્ભ ગટર તાત્કાલિક શરુ કરી લોકોને કનેક્શન આપવામા આવે તેવી લોકમાંગ ઉઠી છે, ત્યારે હવે કરોડો રુપીયાના ખર્ચે તૈયાર થનારી ભૂગર્ભ ગટર શરુ થશે કે કેમ? તે પણ કહેવુ મુશ્કેલ છે, ત્યારે ચુંટણી સમયે ઘરે ઘરે મત માગવા ફરતા રાજનેતાઓ જનતાને પડતી મુશ્કેલીના નિવારણ માટે ભ્રષ્ટ અધિકારીના કાન ક્યારે આમળશે અને જમીની સ્તર પર ભૂગર્ભ ગટરનુ કામ ક્યારે પુર્ણ કરાવી જનતાને લોકાર્પણ કરે છે તે આગામી સમયમા જોવાનુ રહેશે.