ઉમરગામ: (Umargam) ન્યુ ઉમરગામ રેલવે સ્ટેશન ફ્રેટ કોરિડોરનું (Railway Station Freight Corridor) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન દ્વારા વિકાસલક્ષી પરિયોજનાનું લોકાર્પણ પ્રસંગને ઉપસ્થિતોએ તાળીઓના ગડગડાટથી વધાવ્યો હતો. ઉમરગામની જનતા તથા ઉમરગામના ઉદ્યોગપતિઓની લાગણી અને માંગણીઓને ધ્યાનમાં લઇ ન્યુ ઘોલવડ રેલવે સ્ટેશન ફ્રેટ કોરિડોરનું નામ બદલીને ન્યૂ ઉમરગામ રેલવે સ્ટેશન ફ્રેટ કોરિડોર કરી દેવામાં આવ્યું છે.
- ‘ન્યુ ઉમરગામ રેલવે સ્ટેશન ફ્રેટ કોરિડોર’નું વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લોકાર્પણ
- ધારાસભ્યના હસ્તે રેલવે વિભાગના અધિકારીની ઉપસ્થિતિમાં માલગાડી ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવાઇ
- ન્યુ ઘોલવડ રેલવે સ્ટેશન ફ્રેટ કોરિડોરનું નામ બદલીને ન્યૂ ઉમરગામ રેલવે સ્ટેશન ફ્રેટ કોરિડોર કરવામાં આવ્યું
આ નવા વેસ્ટર્ન ડેડિકેટેડ ન્યૂ ઉમરગામ રેલવે સ્ટેશન ફ્રેટ કોરિડોરનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાખવામાં આવેલા કાર્યક્રમમાં તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકર, ઉમરગામ યુઆઇએના પ્રેસિડેન્ટ જીગ્નેશભાઈ બારી, ઉદ્યોગપતિ ઇશ્વરભાઇ બારી, ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઈ ભંડારી, મહામંત્રી પ્રકાશભાઈ પટેલ, અગ્રણી કનુભાઈ સોનપાલ સહિત મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો ઉધોગપતિઓ સરપંચો તથા રેલવેના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉમરગામ ખાતે ધારાસભ્ય રમણભાઈ પાટકરના હસ્તે રેલવે વિભાગના અધિકારી તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં માલગાડી ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવી હતી.
ઉમરગામમાં રૂપિયા 84 કરોડના ખર્ચે બનેલા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ
ઉમરગામ : DFCCIL દ્વારા બનેલા ઉમરગામ સ્ટેશન પૂર્વ અને પશ્ચિમને જોડતા અંદાજે રૂપિયા 84 કરોડના ખર્ચે એક કિ.મી લાંબા નવા બનેલા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ ધારાસભ્ય રમણભાઈ પાટકરના હસ્તે મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ ઓવરબ્રિજ જલ્દીથી બને લોકો માટે ખુલ્લો મુકવામાં આવે તેની આતુરતાથી ઉમરગામ તથા અડીને આવેલા મહારાષ્ટ્રના તલાસરી તથા આજુબાજુના ગામની જનતા રાહ જોઈ રહી હતી. ઉમરગામ ઔદ્યોગિક વિસ્તાર હોય મોટા પ્રમાણમાં હજારોની સંખ્યામાં રોજિંદા કામદારો તથા સ્કૂલ કોલેજમાં આવતા જતા વિદ્યાર્થીઓને તથા આમ જનતાને બ્રિજ શરૂ થવાથી મોટી રાહત થઈ છે. ટ્રાફિકની સમસ્યા હળવી થશે સમય અને ઈંધણનો બચાવ થશે.