આણંદ : ઉમરેઠ શહેરની ઓડ ચોકડી પર આવેલી નિવાન ઓર્થોપેડીક હોસ્પિટલમાં કોણીના ઓપરેશન દરમિયાન દર્દીનું મોત નિપજતાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. આ મૃત્યું પાછળ ડોક્ટરની બેદરકારી હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે, તુરંત પહોંચેલી પોલીસે મૃતદેહનો કબજો લઇ તેને પેનલ પોસ્ટમોર્ટમ માટે કરમસદ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
ઉમરેઠના ઓડ બજાર વિસ્તારમાં રહેતા દિલીપભાઈ કાછિયાએ જણાવ્યું હતું કે, મારા મિત્ર પંકજભાઈ ચીમનભાઈ કાછિયા બસ સ્ટેશન વિસ્તારમાં કરિયાણાની દુકાન ચલાવે છે. તેમના પત્ની ઘરકામ કરે છે અને બે પુત્રોમાં એક દુબઈ અને બીજો ન્યુઝીલેન્ડ રહે છે.
પંકજભાઈ 25મી જૂનના રોજ સવારે દુકાનમાં આવેલી વખારમાં મમરાની ગુણ ઉપર ચડી અભરાઈ ઉપરથી કોઈ વસ્તુ ઉતારવા જતાં હતાં. તે દરમ્યાન પડી જતા તેમણે હાથની કોણીમાં ઇજા થઈ હતી. આથી તેઓને સાંજના ઓડ ચોકડી આવેલી નિવાન હોસ્પિટલમાં લઇ ગયાં હતાં. પંકજભાઈની જરૂરી તપાસ બાદ સામાન્ય ફેક્ચર હોવાનું નિદાન કર્યું હતું. જેના માટે નાનુ ઓપરેશન કરવાની સલાહ આપી હતી. આથી, પરિવારજનો સંમત થતાં રાત્રે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સામાન્ય ઓપરેશનની વાત હતી અને મોડી રાત્રિના દસ વાગ્યા સુધી ઓપરેશન થિયેટરમાંથી કોઈ બહાર આવ્યું નહતું અને બીજી તરફ જેમ જેમ લોકોને ખબર પડી કે ઓપરેશન કરવાનું છે, તો અમારા સમાજના લોકો હોસ્પિટલ આગળ ખબર અંતર પૂછવા આવવા લાગ્યા હતાં.
બીજી તરફ દર્દીના કોઈ સમાચાર બહાર ન આવતા અમે હોસ્પિટલમાં ગયા પણ અંદર કોઈને આવા દેતા નહતાં. પરંતુ મોડી રાત્રે હોસ્પિટલના સત્તાવાળાઓએ સીધું એમ જ કહ્યું કે બીપી લો થઈ જવાથી તેમનું મોત થયું છે. આ દરમ્યાન હોસ્પિટલનો સ્ટાફ જ ટ્રીટમેન્ટ કરી રહ્યો હતો. કોઈ ડોક્ટર ત્યાં દેખાતા નહતા. આથી મહિલાઓ આવીને તેમને સ્ટાફને કહ્યું કે, તમે એક ફેક્ચરનું સામાન્ય ઓપરેશન કહ્યું હતું અને આવી ઘટના બની ગઈ તો બે – ત્રણ કલાક સુધી અમને જણાવ્યું કેમ નહિ. તો તેઓ જવાબ આપી શક્યા નહતા. આથી પંકજના ઘરનાઓએ ડોક્ટરની સારવારની માહિતીને બધું પૂછપરછ કરી પણ એમને કોઈ સંતોષકારક જવાબ ના મળતા આખરે ઉમરેઠ પોલીસને આ ઘટનાની જણ કરી હતી. ઉમરેઠ પોલીસ હોસ્પિટલ આવી તમામ રિપોર્ટના કાગળ કબજે કરી પંકજભાઈના મૃતદેહને કરમસદ ખાતે પેનલ પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલી આપી હતી.