Business

યુક્રેન યુ કેન: દેશી, હેન્ડમેડ શસ્ત્રો વડે રાસ્પુતીન સામે સબળ જંગ

રશિયનો  પાસે દુનિયાનાં અત્યાધુનિક શસ્ત્રો છે પરંતુ યુક્રેનનાં શહેરોની ગલીઓમાં યુક્રેનીઅનો રશિયનોને આતાવારીના, બાપદાદાના  વખતનાં શસ્ત્રોથી ધ્રુજાવી રહ્યા છે. ગઇ ૨૫ ફેબ્રુઆરીએ રશિયાએ આક્રમણ શરૂ કર્યું ત્યાર બાદ યુક્રેનની બીઅર અને વાઇનની ફેકટરીઓ રાતોરાત મોલોટોફ કોકટેલ બનાવવાના કામમાં લાગી ગઇ. આ મોલોટોફ કોકટેલને દેશી ભાષામાં ‘બાટલી બોમ્બ’ કહી શકાય પણ તે બનાવવા માટે કુશળતા અને સાધનો જોઇએ. બીઅર અને વાઇનની ફેકટરીઓને મોલોટોફ ફેકટરીઓમાં તબદિલ કરવાનું આસાન છે. આ મોલોટોફ બોમ્બની કોકટેલમાં અમુક ભાગ મશીન ઓઇલ (કેટલા ભાગ તે અમો લખનાર જાણીએ છીએ પણ તેને સાર્વજનિક બનાવવા માગતા નથી.), અમુક ભાગ પેટ્રોલ, એક સોલ્વન્ટમાં ઓગાળેલા અમુક વિસ્ફોટક પદાર્થ અને એલ્યુમિનિયમનો પાવડર એકઠો કરી તેની કોકટેલ બનાવી તે એક બોટલમાં ભરવામાં આવે છે.

આ કોકટેલ એટલી ખતરનાક બને છે કે કોઇ ઉપરના માળેથી ગલીમાં ઊભેલી કે ચાલી જઇ રહેલી રશિયન ટેન્ક પર ફેંકવામાં આવે અને તે ટેન્કના ઉપરના ભાગે અફળાય તો ટેન્કના અને સૈનિકોના ફૂરચા ઊડી જાય. યુક્રેનના કારીગર અને એન્જિનીઅર લોકોએ અમુક સુધારાવધારા કરીને બન્ને તરફ ધારદાર અણી ધરાવતા કેલટ્રોપ્સ નામના બોમ્બ પણ તૈયાર કર્યા છે. તેઓ અગાઉ ફેબ્રુઅરીમાં, દારૂનાં કારખાનાંમાં કામ કરતાં હતાં પણ હવે રાતદિવસ આ કામમાં વળગી ગયાં છે. તેઓની સાથે સામાન્ય નાગરિકો પણ સ્વેચ્છાએ જોડાઇ રહ્યા છે. ઘણાને યાદ હશે કે ભારત – પાકિસ્તાન યુદ્ધ વખતે ભુજના એરપોર્ટનો રનવે પાકિસ્તાનના બોમ્બથી તૂટી ગયો હતો ત્યારે બાજુના માધાપુર ગામની પટેલ બહેનોએ બોમ્બવર્ષાના જોખમ વચ્ચે કામ કરીને રન-વે રિપેર કર્યો હતો. યુક્રેનીઅનોએ જે કેલટ્રોપ્સ બોમ્બ તૈયાર કર્યા છે તેની ટેકનોલોજી જૂની છે. આવા જ પ્રકારના બોમ્બ  સિકંદરનાં દળોએ ઇસવીસન પૂર્વે ૩૩૧ માં અર્થાત લગભગ ૨૩૦૦ વરસ અગાઉ વાપર્યા હતા. એ વખતે કેલટ્રોપ્સ જેવાં શસ્ત્રોનો ઉપયોગ દુશ્મન દળો અને તેમના રથોનો નાશ કરવા માટે થતો હતો.

યુક્રેનની ગલીઓમાં કેલ્ટ્રોપ્સને લોખંડની સાંકળ સાથે બાંધીને રસ્તો રોકી દેવામાં આવે છે. રશિયનો કે એમની ટેન્કો એ કેલ્ટ્રોપ્સ સાથે કશીક રમત કરવા જાય એટલે તેઓનું મોત આવી બન્યું. અમુક શસ્ત્રો ખેતરોમાં જોવા મળતા શેબો નામક નાના સસલા કે ઉંદર જેવાં બનાવ્યાં છે. શેબો અથવા હેજહોગના આખા શરીરે કાંટા હોય છે અને શાહૂડીની માફક તે મોં છુપાવીને બેસી જાય. પછી કોઇ જંગલી જાનવર તેને મારી કે ખાઇ શકતું નથી. યુક્રેનના હેન્ડમેઈડ બોમ્બ હેજહોગ તરીકે ઓળખાય છે. જેની ચારે તરફ કોરોનાના વાયરસની માફક લાંબા અણિયાળા કાંટા છે. રેલવેના પાટાના લોખંડમાંથી તે બનાવાય છે. તેને એક સમૂહમાં માર્ગ પર ગોઠવવામાં આવે છે જે આવી રહેલી ટેન્કને વેરણછેરણ કરી નાખે છે અને દરમિયાન આસપાસ ઊભેલા યુક્રેનીઅન ફાઇટર તેના પર મોલોટોવ ફેંકી તે ટેન્કનો સત્યાનાશ કાઢે છે. યુક્રેનમાં ઘરે ઘરે અને કારખાને કારખાને આવા શૂળપાણ બનવા માંડયા છે. જાડા રબ્બર સાથે ભાલા જેવા ધારદાર મોટા ખીલા જોડીને પણ રશિયન લશ્કરને આગળ વધતું અટકાવાય છે. લવીવ શહેરમાં લોકો આવા દેશી હથિયારો તૈયાર કરી રહ્યા છે જે ખૂબ મદદરૂપ બની રહ્યાં છે.

તેઓએ જાતે ગ્રેનેટ લોન્ચર તૈયાર કર્યાં છે. નવીન પ્રકારના કર્યાં છે. યુક્રેન એક શ્રેષ્ઠ કારીગરો, કસબીઓ અને કલ્પનાશીલ લોકોનો દેશ છે. નવું શોધવામાં જ અને કામે લાગી જવામાં જ તેઓ આનંદ અનુભવે છે. આ ગ્રેનેડ લોન્ચરો ખૂબ અસરકારક પુરવાર થયા છે અને જયાં ધારવામાં આવે ત્યાં લોન્ચર વડે ફેંકી શકાય છે. માનવીએ કે સૈનિકે મોં વડે તેનું સીલ તોડી ફેંકવાની જરૂર રહેતી નથી. વળી તે પ્રમાણમાં દૂર સુધી ફેંકી શકાય છે. આ નવી મિકેનિકલ ગોફણનો વપરાશ યુક્રેનના સૈન્ય દ્વારા વ્યાપકપણે થઇ રહ્યો છે. મોલોટોફ કોકટેલ બોમ્બમાં પણ તરેહ તરેહના સુધારાવધારા કરાઇ રહ્યા છે. હવે મોલોટોફ પણ એક નહીં પણ બે સ્ટેજના (રોકેટમાં સ્ટેજ હોય છે તે મુજબ) બનાવવામાં આવી રહ્યા છે.

નવા નવા પ્રકારની કોકટેલ વિસ્ફોટ વાનગીઓના પ્રયોગો ચાલુ છે. જે બે સ્ટેજના મોલોટોફ છે તેમાં એક ભાગમાં કેરોસીન ભરવામાં આવે છે અને બીજા ભાગમાં નેપામ (વિસ્ફોટક) ભરવામાં આવે છે. મોલોટોફ હવે હાથથી ફેંકવાની જરૂર નથી. તેઓએ તે માટેની ગોફણ તૈયાર કરી છે. ત્યાં સુધી કે ફેંકવા માટેનું ખાસ ધનુષ્ય પણ તૈયાર કર્યું છે. તેઓએ ભંગાર અને લોખંડની સ્પ્રીંગોમાંથી આવાં સાધનો તૈયાર કર્યાં છે. મોલોટોફ કોકટેલ બોમ્બ દુશ્મનને અટકાવી દેવા માટે ખૂબ સફળ પુરવાર થાય છે. સૈનિકો, અહીં રશિયન સૈનિકો જયારે દુશ્મન અર્થાત યુક્રેનની ગલીઓમાં ફસાઇ જાય ત્યારે તેઓ ડરી જતા હોય. છુપાવા માટે ભાગતા ફરે. આમ ભલે બાટલી બોમ્બ કહેવાય, પણ મિસાઇલ જે કામ ન કરી શકે એટલા આ પુરવાર થાય છે. અગાઉ એક કથા વાંચી હતી. એક જણ પાસે ખૂબ લાંબી, સાધારણથી પણ ઘણી લાંબી તલવાર હતી અને એના પ્રતિસ્પર્ધી અથવા દુશ્મન પાસે માત્ર દોઢ ફૂટની તલવાર હતી. બંને વચ્ચે યુધ્ધ થયું.

 સ્વાભાવિકપણે એમ હતું કે લાંબી તલવારવાળો યોધ્ધો પેલાને પલકવારમાં મારી નાખશે પરંતુ યુધ્ધ શરૂ થયું અને લાંબી તલવારવાળો યોધ્ધો લાંબી તલવાર ખેંચે તેમાં જ વાર લાગી ગઇ. દરમિયાન ટચૂકડી તલવારવાળાએ ફટ દઇને ખેંચીને સામેવાળાના પેટમાં ભોંકી દીધી. યુક્રેનીઅનો આજે રશિયન મિસાઇલોનો માર સહન કરી રહ્યા છે પણ નાની તલવારોથી ગંજાવર રશિયાને લોહીલુહાણ કરી રહ્યા છે. ત્યાં સુધી કે મોલોટોફ કોકટેલની બોટલ હાથથી ન ભરવી પડે તેવાં મશીનો પણ તૈયાર થઇ ચૂકયાં છે. એ સિવાય કેટલાંક સાવ નવી રીતે તૈયાર કરેલાં શસ્ત્રો વિકસાવ્યાં છે. રોકેટ દ્વારા ફેંકવામાં આવતી લોન્ચરો તૈયાર કરવામાં આવી છે. જૂની રશિયન બનાવટની લોન્ચરમાં ફેરફાર કરીને તે તૈયાર થઇ છે. તેની ખૂબી એ છે કે તેના વોરહેડ અથવા બોમ્બ એ રીતે તૈયાર કર્યો છે કે દુશ્મનની બખ્તરિયા અથવા રણગાડીને વિંધીને તે તેમાં ઘૂસી જાય છે. જો કે પાયદળ સામે હુમલો કરવા માટે આ લોન્ચર યોગ્ય નથી પણ રણગાડીઓને અટકાવી શકે પરંતુ તેનો ઉપાય પણ તેઓએ શોધી કાઢયો છે.

તેઓએ એવા મોર્ટાર (તોપ)ગોળા તૈયાર કર્યા છે જેની અંદર એક સાથે અનેકને ખતમ કરી નાખે તેવાં ધારદાર અસ્ત્રો હોય છે. યુક્રેનની સેના અને લોકોની મદદે નાના કદના કોમર્શ્યલ ડ્રોન્સ વિમાનો પણ આવ્યાં છે. ‘ઔટેલ ઇવો ટુ’ પ્રકારનું ચાર પંખાવાળું ડ્રોન ખૂબ પોપ્યુલર બન્યું છે. આ ડ્રોન વડે પણ ગ્રેનેડ કે બોમ્બ રણગાડી પર ડ્રોપ કરી શકાય છે. વળી ડ્રોનના કાફલાઓ રશિયનદળોની હિલચાલ, હાજરી પર નજર રાખીને હેડ કમાન્ડને તેની લાઇવ માહિતી રીઅલ ટાઇમમાં આપતા રહે છે. ડ્રોનને પ્રોએક્ટિવ બનાવીને આવી રહેલા દુશ્મનોના કાફલા પર શસ્ત્રોનો માર થઇ શકે છે. યુક્રેનીઅનોએ બીજો એક સુધારો એ કર્યો છે કે સોવિયેત સંઘના વખતમાં બનેલી ટેન્ક વિરોધી હેન્ડ ગ્રેનેડો હવે ડ્રોન દ્વારા પણ ધારેલાં નિશાન પર લઇ જવાય છે અને રશિયનોની ટેન્ક પર ગ્રેનેડ ડ્રોપ કરી શકાય છે. આ ગ્રેનેડ સાથે ડ્રોગ પેરાશૂટ હોય છે. આ પેરાશૂટ ત્વરિત હુમલો કરવા માટે વપરાય છે.

બીજી પેરાશૂટની માફક એ ડોલન શૈલીમાં ધીમે ધીમે ખૂલીને નીચે આવતી નથી પણ દુશ્મન પર સીધો વાર કરે છે. તેના વડે ગ્રેનેડ સીધી ટેન્કના માથા પર ત્રાટકે છે. માથા અથવા ટોપનું આ કવચ (બખ્તર) ગાડીના બીજા કવચના પ્રમાણમાં પાતળું હોય છે તેથી તેનું છેદન આસાનીથી થાય છે. જો કે આ પેરાશૂટમાં પણ અમુક ખામીઓ છે તેથી ધાર્યું લક્ષ્યાંક સાવ પાર પડતું નથી. પરિણામે ગ્રેનેડની પૂંછડી સાથે કેટલીક પાંખો (ફીન્સ) જોડવામાં આવી રહ્યા છે. યુક્રેન પાસે ડ્રોન વગેરે સાધનો ખલાસ થઇ રહ્યાં છે. પૂરતાં નાણાં નથી. યુક્રેનના લોકો ફાળો એકઠો કરીને વિદેશોમાંથી ડ્રોન મંગાવી રહ્યા છે. ચીનના ધંધામાં તડાકો બોલશે અને તકલીફ એના મિત્ર રશિયાને પહોંચશે પરંતુ હમણાં અમેરિકી પ્રમુખ જો બાઇડને એક અબજ અમેરિકી ડોલર સાથે અમુક શસ્ત્રો યુક્રેનને પૂરા પાડવાની જાહેરાત કરી છે પરંતુ આ લખાય છે ત્યારે યુધ્ધને બાવીસ દિવસ થયા અને આ બાવીસ દિવસમાં યુક્રેનીઅનો હિંમત, બહાદુરી અને બુધ્ધિપૂર્વક લડયા છે. એ ઉકિત સાચી ઠરે છે કે કીડીઓ એકઠી થાય તો ભયંકર અજગરને પણ મારી નાખે.

Most Popular

To Top