કીવ: રશિયાએ (Russia) યુક્રેન (Ukraine) પર હુમલો (Attack) કરતા રાજધાની કીવ (Kyiv) સહિત ૧૧ શહેરોને નિશાન બનાવ્યા છે. આ હુમલા બાદ યુક્રેને પણ રશિયા પર વળતો હુમલો કર્યો છે યુક્રેને દાવો કર્યો છે કે તેણે લુહાન્સ્કમાં ચાર રશિયન સૈન્ય વિમાનો અને એક હેલિકોપ્ટરને તોડી પાડ્યું છે. આ તરફ કેનેડાએ રશિયાને ધમકી આપી છે. તેણે કહ્યું છે કે જો તે યુક્રેનમાં આગળ વધશે તો તેને પરિણામ ભોગવવું પડશે. જસ્ટિન ટ્રુડની ઓફિસે બુધવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે રશિયાના આ કૃત્યને અવગણી શકાય તેમ નથી. આ માટે તેને સજા થવી જોઈએ.
રશિયા દ્વારા યુક્રેન પર હુમલો કરવાની જાહેરાતના પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. પોતાના જીવ બચાવવા માટે લોકો મોટી સંખ્યામાં રાજધાની કીવને છોડીને જતા જોવા મળ્યા હતા. પુતિનની જાહેરાત બાદ તરત જ યુક્રેન પર બોમ્બ ધડાકા અને મિસાઈલ હુમલા શરૂ થઈ ગયા હતા. યુક્રેનની રાજધાની કીવમાં ઇમરજન્સી સાયરન વાગ્યું હતું. ત્યારબાદ લોકો શહેર છોડીને ભાગી રહ્યા હતા.
સમગ્ર યુક્રેનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. મધરાત્રે રશિયન સૈન્ય દ્વારા હવાઈ હૂમલા શરૂ કરાયા ત્યાર બાદથી જ યુક્રેનના લોકો દેશ છોડી ભાગવા માંડ્યા છે. ખાસ કરીને કીવ શહેરમાં લોકો મધરાતથી જ રસ્તા પર પોતાના વાહનો લઈને ઉતરી પડ્યા હતા, જેના લીધે માઈલો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. લોકો જેમ બને તેમ જલ્દી યુદ્ધ ક્ષેત્ર છોડી સુરક્ષિત સ્થળે જવા માંગે છે.