કિવ: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 37 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયા યુક્રેન પર કબજો કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. પરંતુ યુક્રેન પણ મજબુત રીતે જવાબ આપી રહ્યું છે. અત્યાર સુધીમાં રશિયાએ યુક્રેન પર અનેક હુમલા કર્યા જેનાં પગલે યુક્રેનમાં તબાહી મચી જવા પામી હતી. જો કે આ યુદ્ધમાં પ્રથમ વખત યુક્રેને રશિયા પર વળતો હુમલો કર્યો છે.
આ પ્રથમ વખત છે જ્યારે યુક્રેનની સેનાએ હવે રશિયન સરહદમાં ઘૂસીને તેઓના હુમલા સામે જવાબી કાર્યવાહી કરી છે. અહેવાલો અનુસાર, યુક્રેનના હેલિકોપ્ટરોએ શુક્રવારે રશિયન તેલના ડેપો પર હવાઈ હુમલો કર્યો હતો. રશિયાના ગવર્નરે આ વાતની પુષ્ટિ કરી છે. યુક્રેન દ્વારા ઓઇલ ડિપોને સળગાવીને યુક્રેનની સરહદથી માત્ર 30 કિમી દૂર રશિયન શહેર બેલ્ગોરોડ પર હવાઈ હુમલો કરવામાં આવ્યો છે. આ શહેરના ગવર્નરે કહ્યું કે ઓઇલ ડેપો પર યુક્રેનના હેલિકોપ્ટર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. રશિયન મીડિયા દ્વારા હુમલાના વીડિયો અને ફોટા પણ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં ઓઈલ ડેપો સળગતો જોવા મળ્યો હતો. આ સિવાય યુક્રેનની સેના દ્વારા બેલગોરોડમાં એક પ્રિન્ટિંગ હાઉસ પર પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ લાંબા સમયથી ચાલી રહ્યું છે. ન તો રશિયા પીછેહઠ કરવા તૈયાર છે અને ન તો યુક્રેન ઝુકવા તૈયાર છે. આવી સ્થિતિમાં યુક્રેનમાં ભારે તબાહી ચાલુ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ અને બેલ્જિયમની સંસદોને સંબોધિત કરતા કહ્યું કે હું હજુ પણ રશિયા વિરુદ્ધ નક્કર પગલાની રાહ જોઈ રહ્યો છું. જ્યાં સુધી હુમલાખોરની આક્રમકતા સમાપ્ત ન થાય ત્યાં સુધી અમારે તેના પર દબાણ કરવું પડશે.
અમેરિકા દરરોજ 10 લાખ બેરલ ક્રૂડ ઓઈલ આપશે
યુક્રેન પરના હુમલાને પગલે ઈંધણની વધતી કિંમતોને ઘટાડવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને આગામી છ મહિના માટે દરરોજ 10 લાખ બેરલ ક્રૂડ ઓઈલ આપવાની જાહેરાત કરી છે. વ્હાઇટ હાઉસે કહ્યું હતું કે યુક્રેનમાં સૈન્ય હુમલાને કારણે રશિયા પર અમેરિકા સહિત ઘણા દેશોના આર્થિક પ્રતિબંધોને કારણે ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારો થયો છે.
રશિયાને G-20માંથી બહાર કાઢવાના પક્ષમાં કેનેડા
યુક્રેન પરના આક્રમણને કારણે રશિયાને ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. હવે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો રશિયાને G-20માંથી બહાર કાઢવાના પક્ષમાં છે. તેમણે કહ્યું કે અમે રાબેતા મુજબ વેપાર કરી શકતા નથી. પુતિનને અમારી સાથે ટેબલ પર બેસાડવું અમારા માટે ખૂબ મુશ્કેલ હશે.