કિવ: રશિયા(russia) અને યુક્રેન(ukiran)માં છેલ્લા ૩૧ દિવસથી યુદ્ધ(war) ચાલી રહ્યું છે. યુદ્ધ ભલે બે દેશ વચ્ચે હોય પરંતુ આ યુદ્ધમાં સામાન્ય નાગરીકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. પુતિન(putin) ભલે એમ કહે કે મારી લડાઈ યુક્રેનના નાગરીકો સાથે નથી પરંતુ આ યુદ્ધમાં સૌથી વધુ તેઓ જ પીસાઈ રહ્યા છે. રશિયાનાં હુમલાના પગલે યુક્રેનની હાલત બદ્દતર થઇ રહી છે. જે થિયેટર લોકોના રહેવા માટે આશરો બન્યુ હતુ તેને પણ રશિયાએ તબાહ કરી નાંખ્યુ છે.
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 31 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન રશિયા દ્વારા યુક્રેન પર જોરદાર હુમલા કરવામાં આવ્યા હતા. તેથી યુક્રેનના ઘણા શહેરો તેમાં નાશ પામ્યા હતા. તાજેતરમાં જ રશિયન સેનાએ મેરીયુપોલ થિયેટર પર હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં લગભગ 300 લોકોના મોત થયા હતા. આ થિયેટરનો ઉપયોગ આશ્રયસ્થાન તરીકે થતો હતો. એટલું જ નહીં, હવે અહીં ખાવાનું પણ સંકટ પણ ઘેરાવા લાગ્યું છે.
માથા પરથી છત છીનવાઈ તો મેટ્રો બની આશરો
એજન્સીના રિપોર્ટ અનુસાર રશિયાએ સૌથી વધુ કિવ અને ખાર્કિવને નિશાન બનાવ્યા છે. ખાર્કિવમાં સતત ગોળીબારના કારણે સેંકડો લોકોએ મેટ્રોમાં આશરો લીધો છે. હોસ્પિટલો ઘાયલ સૈનિકો અને નાગરિકોથી ભરેલી છે. અહિયાં પરિસ્થિતિ ખૂબ જ દયનીય બની ગઈ છે. અહીં લોકોને એક ટાઇમનું જમવાનું મેળવવા કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે. ખાર્કિવમાં હેન્ના સ્પિટ્સ્યાના નામની છોકરી યુક્રેનિયન રેડ ક્રોસની મદદથી લોકોને ભોજન વિતરણ કરી રહી છે. હેન્નાએ કહ્યું કે લોકો પાસે ખાવાનું નથી. અહીં આવનારા મોટાભાગના લોકો વૃદ્ધ છે. આમાં ઘણા એવા લોકો છે જે બરાબર ચાલી પણ શકતા નથી. આ તમામ લોકોને ડાયપર, ધાબળા અને ખોરાકની જરૂર છે.
કલાકો ઉભા રહે ત્યાં માંડ મળે જમવાનું
ખાર્કિવની સ્થિતિ એટલી ગંભીર બની છે કે ખાવા માટે અહીંના લોકો તડપી રહ્યા છે. જે લોકો લાઇનમાં ઉભા છે તેમાં મોટાભાગના લોકો વૃદ્ધ છે. તેઓ ચાલી પણ શકતા નથી. આવી સ્થિતિમાં તેઓએ ખાવા માટે લાઇનમાં ઉભુ રહેવુ પડે છે. કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા બાદ માંડ એક પનીરનો ટુકડો જ ખાવા માટે મળે છે. હેન્ના સ્પિત્સ્યાનાએ કહ્યું કે અહીં ખાવા માટે લાંબી કતારો છે. અહીં આવનારાઓ માટે કલાકો સુધી રાહ જોયા પછી પનીરનો એક નાનો ટુકડો જ મળે છે. લોકો એટલા ભયભીત છે કે ઝડપથી ખાવાનો સામાન તેમના આશ્રયસ્થાનમાં છુપાવવા માંગે છે.
સાર્વભૌમ દેશ તરીકે યુક્રેનના અસ્તિત્વને નકાર્યુ
એજન્સી દ્વારા મળતી માહિતી અનુસાર યુએસએ કહ્યું કે રશિયન સૈન્યએ હાલમાં રાજધાની કિવને કબજે કરવાના હેતુથી તેના ગ્રાઉન્ડ આક્રમણને અટકાવી દીધું છે. અને નિયંત્રણ માટેની લડત પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. બીજી બાજુ, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સાર્વભૌમ દેશ તરીકે યુક્રેનના અસ્તિત્વને નકારી કાઢ્યું. બીજી તરફ, રશિયન જનરલ સ્ટાફના ડેપ્યુટી ચીફ કર્નલ-જનરલ સર્ગેઈ રુડસ્કોઈએ કહ્યું કે ઓપરેશનના પ્રથમ તબક્કાનો મુખ્ય ઉદ્દેશ્ય યુક્રેનની લડાઈ ક્ષમતાને ઘટાડવાનો હતો, જે લગભગ પૂર્ણ થઈ ગઈ છે.