દુબઈ: સંયુક્ત આરબ અમીરાત (UAE)ના અબુધાબી એરપોર્ટ (Airport) પાસે ડ્રોનથી (Drones) હુમલો (Attack) થયો હોવાની વિગતો સાંપડી છે. એરપોર્ટ નજીકના રસ્તા પર 3 ટેન્કર પર ડ્રોનથી હુમલો કરાયો હોવાનું જાણવા મળ્યું છે. હુમલાને લીધે 3 ટેન્કરમાં બ્લાસ્ટ (Blast) થયો હતો, જેની આગ એરપોર્ટ સુધી પહોંચતા દોડધામ મચી ગઈ હતી. આ હુમલામાં 3 લોકોના મોત અને 6 ઘાયલ થયા હોવાના અહેવાલ છે. હૂથી હુમલાખોરોએ આ હુમલો કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
અબુ ધાબી પોલીસે માહિતી આપી છે કે વિદ્રોહીઓએ મુસાફા વિસ્તારમાં ડ્રોન હુમલો કર્યો હતો. આ વિસ્તારમાં ત્રણ ઓઈલ ટેન્કરો (Oil tankers) પર ડ્રોન છોડવામાં આવ્યું હતું. આ પછી ઓઈલ ટેન્કરમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટની આગ અબુ ધાબી એરપોર્ટ સુધી પહોંચી હતી. આ હુમલામાં બે ભારતીય અને એક પાકિસ્તાની નાગરિકના મોત થયા હોવાના અહેવાલ છે. જ્યારે છ લોકો ઘાયલ થયા છે.
ઘટના સોમવારે સવારે બની હોવાનું કહેવાય છે. અબુ ધાબી પોલીસે એએફપી ન્યૂઝ એજન્સીને ટાંકીને જણાવ્યું હતું કે ઓઈલ ટેન્કરો પર ડ્રોનનો વિસ્ફોટ એટલો જોરદાર હતો કે અબુ ધાબી ઈન્ટરનેશનલ એરપોર્ટના નવા બાંધકામ સ્થળ પર આગ (Fire) ફાટી નીકળી હતી. જો કે એરપોર્ટ પર કોઈ નુકસાનના અહેવાલ નથી. સ્થાનિક મીડિયા અનુસાર, યમનના હુથી વિદ્રોહીઓએ આ હુમલાની જવાબદારી લીધી છે.
દુબઈના અલ-અરેબિયા ઈંગ્લીશના અહેવાલ મુજબ આ હુમલામાં ત્રણ લોકોના મોત થયાના અહેવાલ છે. જેમાં એક પાકિસ્તાની અને બે ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે. જ્યારે છ અન્ય ઘાયલ થયા હતા.
અબુ ધાબી પોલીસે જણાવ્યું હતું કે બ્લાસ્ટ પહેલા આકાશમાં ડ્રોન જોવા મળ્યા હોવાના પણ અહેવાલ છે. કહેવામાં આવી રહ્યું છે કે અબુ ધાબીમાં બે જગ્યાએ આગ લાગી છે. પ્રથમ આગ મુસાફામાં ઓઇલ ટેન્કરો પર થઈ હતી, જ્યારે બીજી આગ અબુ ધાબી એરપોર્ટના નિર્માણ સ્થળ પર થઈ હતી.