સુરત (Surat): સુરતમાં એક વિચિત્ર ઘટના બની છે. બે સગીર વયની બહેનો ઘરે કોઈને કશું પણ કહ્યા વિના જતી રહી અને આખી રાત બગીચામાં બેસી રહી હતી. બીજી તરફ પરિવારજનો હાંફળાફાંફળા થઈ બંને બહેનોને શોધવા લાગ્યા હતા. પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી.
વેસુ ખાતે એક મહિના પહેલા બિહારથી આવેલા શ્રમિક પરિવારની બે સગીર બહેનો સોમવારે રાત્રે ગુમ થઈ હતી. મંગળવારે પોલીસને જાણ કરતા પોલીસે 10 થી વધારે સીસીટીવી ફંફોસી અને 50 થી વધારે રિક્ષાચાલકોની તપાસ કરીને બાદમાં બાળકીઓની કડોદરાથી ભાળ મેળવી હતી. બંને બહેનોને બાદમાં પરિવારને સોંપી હતી.
- બિહારથી એક મહિના પહેલાં જ બંને બહેનો આવી હતી
- અજવાળું થતાં જ રિક્ષામાં બેસીને બંને કડોદરા પહોંચી ગઈ
- વેસુ પોલીસે 50થી વધુ રિક્ષાચાલકની પૂછપરછ કરી બંનેને શોધી કાઢી
બિહારના વતની હરેરામ તાંતીની બે દિકરીઓ સોમવારે તેની માતા સાથે ગઈ હતી. દરમિયાન માતા કામ કરીને બહાર આવી તો 15 વર્ષની અને તેની બહેન 13 વર્ષની બંને પુત્રી ગાયબ હતી. પરિવારે આખી રાત બાળકીઓની શોધખોળ કરી હતી. પરંતુ બંને મળી નહીં આવતા મંગળવારે તેઓ વેસુ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
પોલીસે બે બહેનો એક સાથે ગુમ થયાની ફરિયાદ ગંભીરતાથી લઈને તેમની શોધખોળ શરૂ કરી હતી. વેસુ પીઆઈ એમ.સી.વાળાએ તેમની ટીમના પીએસઆઈ આર.ડી. દેસાઇને બાળકીઓને શોધી કાઢવા સૂચના આપી હતી. બાદમાં વેસુ પોલીસની ટીમ કામે લાગી અને બાળકી ગુમ થઈ ત્યાંથી 10 થી વધારે સીસીટીવી ફંફોસ્યા હતા. અને 50 થી વધારે રિક્ષાચાલકોની પુછપરછ કરાઈ હતી.
દરમિયાન બાળકી સિટી લાઈટ ખાતેના ગાર્ડનમાં રાત્રે રોકાઈ હતી. અને બીજા દિવસે રિક્ષામાં બેસીને કડોદરા પહોંચી ગઈ હતી. બંને પાસે 600 રૂપિયા હતા. કડોદરા પાસે જઈને તપાસ કરતા તે પલસાણા નજીક આવેલા સાકી ગામ પાસે મળી આવી હતી. પોલીસે બાળકીઓને તેમના વાલીને સોંપી હતી.
ઘરેથી ભાગીને સુરત પહોંચેલી બિહારની બે કિશોરીઓને સુરત રેલવે પોલીસે ઉગારી
સુરત: અભ્યાસ બાબતે માતા-પિતા ગુસ્સો કરતા હોય બે બહેનપણીઓ બિહારથી ભાગીને દિલ્હી પહોંચી અને ત્યાંથી સુરત આવી હતી. રેલવે પોલીસની શી ટીમે બંને કિશોરીઓને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરતા બે પૈકી એકના મામા સુરતમાં રહેતા હોય તેમની સાથે મિલન કરાવ્યું હતું.
- સામાન પરથી એક કિશોરીના સુરતમાં રહેતાં મામાનો નંબર મળી આવતાં રેલવે પોલીસે હેમખેમ મામાને સોંપી
- અભ્યાસ બાબતે મા-બાપે ઠપકો આપતાં સિતામઢીથી દિલ્હી અને ત્યાંથી સુરત પહોંચી હતી, પાછા ઘરે જવું હતું
રેલવેના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર સુરત રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 2 પર 17 વર્ષની એક અને 13 વર્ષની એક એમ બે કિશોરીઓ મળી આવી હતી. પોલીસને તેમના પર શંકા જતા તેઓની પૂછપરછ કરી હતી. ત્યારે તેઓએ કહ્યું કે તેમનો ભાઈ ટીકીટ લેવા ગયો છે. પરંતુ ઘણાં સમય સુધી કોઈ આવ્યું નહતું. જેથી પોલીસે બંનેને વિશ્વાસમાં લઈને યુક્તિપુર્વક પૂછપરછ કરતા બંનેએ જણાવ્યું હતું કે તેમના માતા-પિતા અભ્યાસ બાબતે ગુસ્સો કરતા હતા. તે
થી તેઓ બિહારના સિતામઢીથી ભાગીને દિલ્હી પહોંચી ગયા હતાં, ત્યાંથી તેઓ સુરત આવ્યા હતા. અહીં તેમને ખબર પડી કે બિહાર માટે ટ્રેન મળી રહેશે, જેથી તેઓ ટ્રેનની રાહ જોતા હતા, તેમને પરત બિહાર જવું હતું. બંનેને તેના સગાઓનો ફોન નંબર માંગતા નંબર નહીં હોવાનું જણાવ્યું હતું.
પોલીસે તેમનો સામાન ચેક કરતા સામાન પર એક ફોન નંબર મળી આવ્યો હતો. તેના પર પોલીસે ફોન કરતા સામાવાળાએ કહ્યું કે બે પૈકી એક તેમની ભાણી છે. તેથી તે વ્યકિત તાત્કાલિક સુરત રેલવે સ્ટેશન પર આવ્યો હતો. ત્યાં તેણે ભાણીને ઓળખી લીધી હતી અને ભાણીએ પણ મામાને ઓળખી લીધા હતાં. બંને કિશોરીઓને પોલીસે મામાને સોંપી દીધો હતો.