વલસાડ : વલસાડના અબ્રામાં ખાતે પૈસાની લેતીદેતીમાં બે સગા ભાઇઓ વચ્ચે છૂટ્ટાહાથની મારામારી થતા વચ્ચે છોડાવવા પડેલી ભાભીને પણ માર માર્યો હતો. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેની ફરિયાદ પણ નોંધાઇ છે.
- વલસાડમાં જાહેરમાં તમાશો, વચ્ચે છોડાવવા પડેલી ભાભીને પણ માર માર્યો, વીડિયો વાયરલ
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડના અબ્રામા રાજનગર ખાતે 103-બી બિલ્ડિંગમાં દુલારામ મેવારામ ગુજ્જર અને તેનો નાનોભાઈ બીરજુ મેવારામ ગુજ્જર બન્ને જણા એક ફ્લેટમાં રહે છે. ટાઈલ્સ ફિટિંગનું કામ કરે છે. નાનાભાઈ પાસે પૈસા લેવાના બાકી હોય, જેથી નાનોભાઈ એની પત્ની સાથે ગત રોજ ગામ જતો હતો ત્યારે મોટાભાઈ દુલારામે અબ્રામા રાજનનગર વાંકીનદી પાસે પુલ ઉપર નાનાભાઈ તથા એની પત્નીને અટકાવ્યા હતા. જે પૈસા બાકી છે તેનો હિસાબ કરીને ગામ જવા માટે જણાવ્યું હતું.
નાનાભાઈએ ગામ જઈને આવું પછી તમને હિસાબ આપું એવું કહેતા મોટાભાઈ દુલારામ એકદમ ઉશ્કેરાઇ જઇને જાહેર રસ્તા ઉપર નાનાભાઈને ઢીકમુક્કીનો માર મારવા લાગ્યો હતો. જ્યારે નાના ભાઈને બચાવવા તેની પત્ની વચ્ચે પડતા એને પણ માર માર્યો હતો. આ બનાવ અંગે કોઈકે પોલીસને ફોન કરતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી બંને ભાઈને સિટી પોલીસ મથકે લઈ આવી હતી. આ મારામારીના દ્રશ્યોનો વીડિયો સામેની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પોલીસે બન્ને સામે મારામારી તથા શાંતિ સુલેહ ભંગની ફરિયાદ નોંધી છે.
સોળસુંબામાં સગીરનો બે શખ્સો પર છરી વડે હુમલો
ઉમરગામ : ઉમરગામના સોળસુંબામાં સગીરવયના યુવકે છરી વડે હુમલો કરી બે જણાને ઇજા પહોંચાડતા ચકચાર મચી જવા પામી હતી. પ્રાપ્ત પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ ઉમરગામ તાલુકાના સોળસુંબા ગામે ફાટક બહાર મારક બિલ્ડીંગ ગાર્ડનની સામે રવિવારે રાત્રિના સાડા નવેક વાગ્યાના સુમારે એક સગીર વયના યુવક (રહે સોળસુંબા)એ કોઈક અગમ્ય કારણોસર બે યુવાનો શક્તિ સુરેશ દુબળા અને મંજેશ લાલચંદ યાદવ (બંને રહે સોળસુંબા) ઉપર છરીથી હુમલો કરી જાનથી મારી નાખવાની કોશિશ કરી ઇજા પહોંચાડી હતી.
આ બનાવની ઉમરગામ પોલીસ સ્ટેશનમાં આનંદ સુરેશ દુબળાએ ફરિયાદ આપતા ઉમરગામ પોલીસે બનાવ સંદર્ભે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. બંને ઇજાગ્રસ્ત યુવાનોને સેલવાસ વિનોબા ભાવે હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. કેસની વધુ તપાસ ઉમરગામના પી.આઈ મહેશભાઈ કરી રહ્યા છે.