નડિયાદ: નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામમાં એન.આર.આઈ પરિવારના બંધ મકાનનું તાળું તોડી તેમાંથી વોશીંગ મશીનની ચોરી કરી લઈ જઈ રહેલાં બે શખ્સોને પાડોશીઓએ રંગેહાથે ઝડપી પાડી, પોલીસને સોંપ્યાં હતાં. નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામમાં પટેલવાડી પાછળ આવેલ મંગલમપાર્ક સોસાયટી નજીક રહેતાં મહેશ્વરીબેન રમેશભાઈ પટેલ છેલ્લાં બે મહિનાથી વિદેશ ગયાં છે. જેથી તેઓનું ઉત્તરસંડા સ્થિત મકાન બંધ હાલત છે. દરમિયાન ગત બુધવારના રોજ રાત્રીના નવેક વાગ્યાના અરસામાં બે તસ્કરો મહેશ્વરીબેનના મકાનના દરવાજાના નકુચા તેમજ સ્ટોપર તોડી અંદર પ્રવેશ્યાં હતાં અને ઘરમાંથી રૂ.૧૨,૦૦૦ કિંમતનું વોશીંગ મશીન ચોરીને લઈ જઈ રહ્યાં હતાં.
દરમિયાન અવાજ આવવાથી જાગી ગયેલાં પાડોશીઓએ વોશીંગ મશીનની ચોરી કરી લઈ જતાં ભાવિન વિનુભાઈ પરમાર (રહે.પુનમપુરા તાબે ઉત્તરસંડા) અને અજય શાંતિલાલ રોહિત (રહે.ખારાકુવા, ઉત્તરસંડા) ને રંગેહાથે ઝડપી પાડી પોલીસને સોંપ્યાં હતાં. બનાવની જાણ થતાં ગામમાં જ રહેતાં ભાવેશ અને કલ્પેશ તેમના ફોઈ મહેશ્વરીબેનના ઘરે પહોંચ્યાં હતાં અને તપાસ કરતાં ઘરમાંથી ગેસના ત્રણ બોટલ કિંમત રૂ.૩૦૦૦, ફ્રિજ રૂ.૧૭,૦૦૦, ઓવન કિંમત રૂ.૨૦૦૦ અને એલ.ઈ.ડી ટી.વી કિંમત રૂ.૧૫,૦૦૦ મળી કુલ રૂ.૩૭,૦૦૦ નો મુદ્દામાલ ચોરાયેલ હોવાનું જણાઈ આવ્યું હતું. આ મામલે ભાવેશભાઈ સતિષભાઈ પટેલની ફરીયાદને આધારે ચકલાસી પોલીસે ચોરી કરતાં પકડાયેલાં ભાવિન પરમાર અને અજય રોહિત સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.