SURAT

સુરતના ઉધનામાં અંડરગ્રાઉન્ડ ટાંકીમાં ઉતરેલા બે જણા બેભાન થઈ ગયા

સુરત: શહેરના ઉધના વિસ્તારમાં આજે વહેલી સવારે અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં સફાઈ કરવા માટે ઉતરેલા બે મજુરોને ગુંગળામણ થતાં હોબાળો મચી જવા પામ્યો હતો. જો કે, ત્વરિત ઘટના સ્થળે પહોંચેલા ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ બન્ને યુવકોનું રેસક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. હાલ બન્ને યુવકોને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. બીજી તરફ સ્થાનિક પોલીસ દ્વારા ઘટના અંગે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર આજે સવારે ઉધના ખાતે આવેલ સિટી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ શ્રીજી ઈન્ડસ્ટ્રીઝમાં અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અંદાજે 10 ફુટ ઉંડી પાણીની ટાંકીની સફાઈ કરવા માટે ઉતરેલા 45 વર્ષીય દિનેશભાઈ અને 24 વર્ષીય મિલનભાઈને થોડી જ વારમાં ગુંગળામણ થતાં તેઓ ટાંકીમાં જ અર્ધબેભાન થઈ ગયા હતા. જેને પગલે ઘટના સ્થળે હાજર કોન્ટ્રાક્ટર સહિતના કર્મચારીઓમાં ફફડાટ મચી ગયો હતો. પાણીની ટાંકીમાં ઉતરેલા બન્ને યુવકોના માથે જીવનું જોખમ ઉભું થતાં તાત્કાલિક ઘટના અંગે ફાયર વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ થતાં જ ભેસ્તાન અને માન દરવાજા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સમગ્ર પ્રકરણની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક ફાયર વિભાગના બે જવાનોને બી.એ. સેટ પહેરાવીને પાણીની ટાંકીમાં ઉતારવામાં આવ્યા હતા. ફેક્ટરીમાં જ આવેલ પાણીની ટાંકીમાં ઉતરેલા બન્ને ફાયર વિભાગના જવાનોએ ગણતરીનાં સમયમાં બન્ને યુવકોનું રેસક્યુ હાથ ધરીને બહાર કાઢ્યા હતા. જો કે, ગુંગળામણ થવાને કારણે બન્ને યુવકો બેભાન થઈ જતાં તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.

જ્યાં ફરજ પરના તબીબોએ બન્ને યુવકોની હાલત ગંભીર હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ ઘટના અંગે જાણ થતાં પોલીસ દ્વારા પણ પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી. જો કે, પાણીની ટાંકીમાં ઉતરેલા બન્ને યુવકો હાલમાં બેભાન હોવાને કારણે તેઓના પરિવારજનોથી જાણકારી મળવા પામી હોતી. હાલમાં કોન્ટ્રાક્ટર અને કંપનીના માલિકની પ્રાથમિક પૂછપરછ હાથ ધરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.

Most Popular

To Top