SURAT

બિલ વિનાના 36 આઈફોન વેચવા નીકળેલા જનતા માર્કેટના બે વેપારી પકડાયા

સુરત: (Surat) સુરતની જનતા માર્કેટમાં બિલ વિના મોબાઈલ, મોબાઈલ એસેસરીઝ તથા ઈલેક્ટ્રોનિક્સ આઈટમ્સનું વેચાણ થતું હોવાની અનેકોવાર ફરિયાદ ઉઠતી રહે છે, ત્યારે સુરતની રાંદેર પોલીસે શુક્રવારે બિલ વિનાના આઈફોન મોબાઈલનું (without Bill Iphone) વેચાણ કરતા જનતા માર્કેટના બે વેપારીને ઝડપી પાડ્યા છે. આ સાથે જ જનતા માર્કેટમાં ફફડાટ વ્યાપી ગયો હતો. મોટા ગજાનો વેપારી પકડાતા જનતા માર્કેટના વેપારીઓ ભયભીત થઈ ગયા હતા.

  • બાતમીના આધારે રાંદેર પોલીસે ઋષભ ટાવરમાંથી બે જણાને 6.97 લાખના 36 આઈફોન સાથે પકડ્યા
  • રાંદેર પોલીસે જનતા માર્કેટના વેપારીઓ ઈબ્રાહીમ યુસુફ કાપડીયા અને અલી રફીક પાડેલાની ધરપકડ કરી

પ્રાપ્ત માહિતી અનુસાર રાંદેરના અડાજણ ખાતે આવેલા ઋષભ ટાવરના પહેલાં માળે રાજેન્દ્ર કૃપા હેન્ડલુમ મેચિંગ સેન્ટર પર રાંદેર પોલીસે દરોડા પાડ્યા હતા. અહીંથી રાંદેર પોલીસે બિલ વગરના 36 આઈફોન મોબાઈલ જપ્ત કર્યા હતા, જેની કિંમત લાખોમાં થાય છે. પોલીસે મોંઘાદાટ આઇફોન મોબાઈલ સાથે ભાગા તળાવ એવન કોકોની બાજુમાં સીટી સેન્ટર માર્કેટના ત્રીજા માળે રહેતા ઈબ્રાહીમ યુસુફ કાપડિયા અને રાંદેર ખલીલ ટી સેન્ટરની સામે રોયલ રેસિડેન્સીમાં રહેતા અલી રફીક પાડેલાને ઝડપી પાડ્યા હતા.

રાંદેર પોલીસને બાતમી મળી હતી કે રાંદેર રોડ ઉપર આવેલા રૂષભ ટાવરના પહેલા માળે રાજેન્દ્ર કૃપા હેન્ડલુ મેચિંગ સેન્ટર નામની દુકાનમાં આ બંને આરોપી બિલ વગરના આઇફોન મોબાઈલ ફોન વેચવા માટે લાવે છે. જેથી પોલીસે વોચ ગોઠવી મોબાઇલનો ધંધો કરતા ઇબ્રાહીમ કાપડિયા અને મોબાઈલ એસેસરીઝનો ધંધો કરતા અલી પાડેલાને રાંદેર પોલીસે ઝડપી પાડયા હતા. રાંદેર પોલીસે તેમની પાસેથી રૂપિયા 6.97 લાખના 36 જેટલા મોબાઈલ ફોન કબજે કર્યા હતા.

બિલ વિના મોબાઈલ વેચનાર જનતા માર્કેટના વેપારીઓમાં ફફડાટ
બંને બિલ વગરના મોબાઈલનું વેચાણ કરતા હોવાની વિગત સામે આવી છે. બિલ વગરના મોબાઈલ ફોન વેચનાર આ બંને વેપારીઓ પોલીસના સકંજામાં આવતા જનતા માર્કેટના અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. સુરત શહે૨માં મોબાઈલ માર્કેટ ગણાતા ભાગાતળાવ ખાતે આવેલા જનતા માર્કેટમાં કેટલાક વેપારીઓ આધાર પુરાવા વગરના મોંઘાદાટ મોબાઈલ ફોન ગેરકાયદેસર વેચી રહ્યા છે ત્યારે આ બિલ વગરના મોબાઈલ ફોન વેચવાનું નેટવર્ક પણ જનતા માર્કેટના કેટલાક વેપારીઓ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. સમગ્ર ધંધો અઠવા પોલીસ સ્ટેશનની નાક નીચે ચાલી રહ્યો છે.

Most Popular

To Top