આણંદ : આણંદ – વિદ્યાનગરના યુવાધનને નશાને રવાડે ચડાવી રોકડી કરતી ટોળકી દિવસે દિવસે વધુ સક્રિય બની રહી છે. જે અંતર્ગત આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે 15.635 કિલોગ્રામ ગાંજાની ખેપ મારવા આવેલા અમરેલીના બે શખ્સની ધરપકડ કરી છે. આ શખ્સો અગાઉ રાજકોટ જિલ્લામાં બે વખત પકડાયેલા છે. જેઓ ઓરિસ્સાથી ગાંજો મંગાવી વેપલો કરતાં હતાં. આ અંગે વિદ્યાનગર પોલીસે બન્ને શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર એલ.બી. ડાભી સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, અમરેલીના ધારી ગામે રહેતો દિનેશ રૂદાણી તથા જતીન દેવમુરારી નામના શખ્સો ગાંજાના નશીલા પદાર્થ સાથે કરમસદના બળિયાદેવ ચોકડી ખાતે આવી રહ્યા છે. આ બાતમી આધારે એસઓજીએ ટીમ બનાવી વોચ ગોઠવી હતી. દરમિયાનમાં બે શંકાસ્પદ શખ્સ જોવા મળ્યાં હતાં. આ શખ્સો પાસે બે બેગ મળી હતી.
જેમાં તપાસ કરતાં ગાંજાનો જથ્થો હોવાનું જણાયું હતું. આથી, એફએસએલને સ્થળ પર બોલાવી તપાસ કરતાં તે ગાંજો હોવાનું ફલિત થયું હતું. આથી, એસઓજીએ સ્થળ પર જ કાર્યવાહી કરતાં દિનેશ દુર્લભજી રુડાણી (રહે.લાઇનપરા, તા.ધારી) અને જતીન રમેશચંદ્ર દેવમુરારી (રહે.ધારી, જિ. અમરેલી) હોવાનું જણાવ્યું હતું. આ બન્ને શખ્સ સામે વિદ્યાનગર પોલીસે દિનેશ અને જતીન સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી હતી. આ અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં આ બન્ને શખ્સ ઓરિસ્સાથીથી ગાંજાનો જથ્થો લાવ્યાં હોવાનું કબુલ્યું હતું. ઓરિસ્સાના રાજુ નામના શખ્સે આ જથ્થો આપ્યો હતો. આથી, પોલીસે તેની ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યાં હતાં.
ઓરિસ્સાનો ગંજામ જિલ્લો ગાંજા માટે કૂખ્યાત છે
કરમસદમાં પકડાયેલા જતીન અને દિનેશની પુછપરછમાં તેઓ આણંદમાં સતત આઠમી ખેપ મારી રહ્યા હતાં. આ ગાંજો તેમની પાસેથી કેટલાક શખ્સો ખરીદતાં હતાં. ખાસ તેઓ આ ગાંજો ઓરિસ્સાના ગાંજમથી આવ્યો હોવાનું કબુલ્યું હતું. ગાંજમ જિલ્લો ગાંજા માટે કૂખ્યાત છે. અહીંથી ગાંજો સુરત આવે છે. બાદમાં જુદા જુદા જિલ્લામાં ડિલીવરી આપવામાં આવે છે. આ શખ્સો અગાઉ રાજકોટના જેતપુર અને પાટણવાવમાં પકડાયેલા છે.