બારડોલી : બારડોલીમાં (Bardoli) તસ્કરોએ (Smuggler) ફરી એક વખત તરખાટ મચાવ્યો છે. તસ્કરોએ પોલીસ (Police) પેટ્રોલિંગના (Patrolling) ધજાગરા ઉડાવતા એકસાથે બે ક્રેડિટ સોસાયટીને નિશાન બનાવી ચોરીનો (Theft) પ્રયાસ કર્યો હતો. જો કે, ચોરોએ બંને ક્રેડિટ સોસાયટીમાંથી ખાલી હાથ પરત ફરવું પડ્યું હતું. શહેરી વિસ્તારમાં વારંવાર થતી ચોરીની ઘટનાએ બારડોલી ટાઉન પોલીસની નિષ્ક્રિયતા છતી કરી દીધી છે.
અત્યાર સુધી લોકોનાં ઘર અને દુકાન ચોરોના નિશાન પર હતી. પરંતુ હવે તો બેંકિંગ કામગીરી કરતી ક્રેડિટ સોસાયટીઓ પણ તસ્કરોના નિશાન પર છે. ગત રાત્રે બારડોલીના સ્ટેશન રોડ પર શ્રી સરદાર પટેલ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીનું આગળનું શટર તોડી તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ ચોરી માટે બેન્કનાં તમામ ડ્રોઅર અને કબાટ ખોલી સામાન વેરવિખેર કરી નાંખ્યો હતો. પરંતુ કંઈ હાથ લાગ્યું ન હતું.
બેન્કમાં મૂકેલી પરચૂરણ સિક્કાની બેગને ચોરે હાથ પણ લગાવ્યો ન હતો. જ્યારે એક તિજોરી ઊંચકીને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બહાર નીકળતા જ આજુબાજુ ચહલપહલ જણાતાં ચોર તિજોરી બહાર મૂકીને નાસી છૂટ્યા હતા. અન્ય એક ચોરીની ઘટના મુદિત પેલેસની સામે નારાયણ ચેમ્બર્સમાં આવેલી સુવિધા કો-ઓપરેટિવ બેન્કમાં બની હતી. જ્યાં તસ્કરો નાનકડી બારીમાંથી અંદર પ્રવેશ કરી તમામ સામાન વેરવિખેર કરી નાંખ્યો હતો. બંને ક્રેડિટ સોસાયટીમાં તસ્કરોને કંઈ હાથ લાગ્યું ન હતું. સવારે ચોરી થઈ હોવાનું જાણ થતાં જ બેન્કના ડિરેક્ટરો અને કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.
આ ચોરીના પ્રયાસની આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે, જેમાં તસ્કરો દેખાઈ રહ્યા હોવાનું જાણવા મળે છે. સુવિધા ક્રેડિટ સોસાયટીમાં તસ્કરોએ સીસીટીવી કેમેરાને પણ નુકસાન પહોંચાડ્યું હતું. ઘટનાની જાણ થતાં જ બારડોલી પોલીસની ટીમ હંમેશની માફક સ્થળ પર આવી માત્ર અરજીના આધારે તપાસ શરૂ કરી હતી. મોડી સાંજ સુધી આ મામલે પોલીસે કોઈ ગુનો નોંધ્યો ન હતો.