સુરત(Surat): સુરત જિલ્લાના પલસાણા (Palsana) તાલુકાના તાંતીથૈયા (Tantithaya) ગામની પાંચ દિવસ પહેલાં ગૂમ થયેલી 11 વર્ષીય બાળકીનો મૃતદેહ (DeadBody) મળી આવ્યો હતો. દુષ્કર્મ (Rape) બાદ બાળકીની હત્યા (Murder) થઈ હોવાનું તપાસમાં ખુલ્યું હતું. પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. બાળકીની સોસાયટીમાં રહેતા બે યુવકોએ જ બાળકી સાથે આ હીન કૃત્ય કર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણા તાલુકાના તાંતિથૈયા ગામની શિવદર્શન સોસાયટીમાં રહેતી 11 વર્ષીય બાળકી ગયા સોમવારે રમતી હતી. સોસાયટીમાં જ રમતી બાળકી મોડી સાંજ સુધી ઘરે નહીં આવતા પરિવારજનો કડોદરા પોલીસને ફરિયાદ કરી હતી. કડોદરા પોલીસે આજુબાજુના ગામની સીમમાં બાળકીને શોધવાના પ્રયાસ કર્યા હતા. પરંતુ બાળકી મળી ન હતી. દરમિયાન છઠ્ઠા દિવસે બપોરના સમયે ગૂમ થયેલી 11 વર્ષીય બાળકીનો મૃતદેહ તાંતિથૈયા ગામમાં અવાવરું જગ્યાની ઝાડીમાંથી મળી આવ્યો હતો.
બાળકીના શરીર ઉપર ઉઝરડાં હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકી સાથે દુષ્કર્મ થયાંની હકીકત બહાર આવી હતી. તેથી પોલીસ એલર્ટ થઈ હતી. બાળકી જે સોસાયટીમાં રહેતી હતી ત્યાં જ પોલીસે તપાસ સઘન બનાવી હતી. તપાસના અંતે પોલીસે સોસાયટીમાં જ રહેતા બે નરાધમ હવસખોરોને ઝડપી પાડ્યા છે. પોલીસે આ કેસમાં શિવદર્શન સોસાયટીમાં રહેતા 23 વર્ષીય દિપક શિવદર્શન કોરી તેમજ અનુજ સુમન પાસવાનની ધરપકડ કરી છે.
આંબલી ખાવા ગયેલી બાળકી પર નરાધમોએ દાનત બગાડી
ઘટનાના દિવસે રમતા રમતા બાળકી આંબલી ખાવા માટે ગઈ હતી. ત્યાં બંને નરાધમો પહેલાંથી જ બેઠાં હતા. બાળકીને જોઈને બંનેના મનમાં વાસનાનો કીડો સળવળ્યો હતો. તેથી બંને નરાધમોએ બાળકીને ઉંચકી ઝાડીમાં લઈ ગયા હતા અને વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. એક જ સોસાયટીમાં રહેતા હોવાથી પકડાઈ જવાની બીકે નરાધમોએ ગળું દબાવી બાળકીની હત્યા કરી હતી. મૃતદેહ ત્યાં જ રઝળતો મુકી ભાગી ગયા હતા.