પૈસા ધન-દોલત, સમૃદ્ધિ એટલે જહોજલાલી-વૈભવ. આ એક પ્રકારનું શક્તિબળ જ કહેવાય કેમકે તેના પ્રતાપે કીર્તિ મળે છે. આવી વ્યક્તિ પાસે તમામ ચીજ ભોગ્ય વસ્તુઓની સાહેબી હોય તેમનો ઠાઠમાઠ અલગ જ હોય છે. કોઈ ગર્ભશ્રીમંત હોય એમ પણ બને. આવા શ્રીમંતો પાસે ધન-સામગ્રીનો વધુ પડતો ભરાવો હોય છે, બીજી તરફ ગરીબો પાસે એક ટંક ભોજનનો પ્રશ્ન ઊભો હોય છે. આ અસમાનતા દિનપ્રતિદિન વધતી જાય છે. પૈસાદાર વધુ પૈસાદાર અને ગરીબ વધુ ગરીબ બની રહ્યો છે.
માલદાર ધનિક દ્રવ્યસંપન્ન હોય પણ જો તેમનામાં ઉદારતાનો છાંટો ન હોય તો વૈભવ નકામો ગણાય. અલબત, માલદાર મહાજનોની મહેર પણ જોવા મળે ત્યારે આનંદની અનુભૂતિ થતી હોય છે. કેટલાક ધનિક તો મિજાજી, અક્કડ અને અહંકારી, મગરૂર હોય તેનો વૈભવ નકામો છે. માલેતુજાર હોય અને માનવતા ન હોય એવો વૈભવ, ઐશ્વર્ય પણ કામનો નથી. આજે વાત કરવી સાહિત્યના વૈભવની. કલમના કસબીઓ પાસે સાહિત્યનો અનોખો વૈભવ હોય છે. સાહિત્યકારો પાસે ગદ્ય કે પદ્યનો વૈભવ હોય છે.
આવા વૈભવશાળી લેખક, કવિઓ પાસે સારાં સુખકર સાહિત્ય હોય તેઓ સાચા માલેતુજાર ગણાય. સાહિત્યમાં કલ્પના, અનુભૂતિ, સંવેદના, શબ્દાર્થ હોવાથી અનુભૂતિને તીવ્ર સંવેદનોથી કલ્પનાત્મક રીતે શબ્દોનમાં અભિવ્યક્તિ જોવા મળે છે. સાહિત્ય ‘સ્વાન્ત: સુખાય’ થતું હોય સૌને આનંદ મળે છે. આમ, સાહિત્યના સ્વામીઓ પાસે રહેલા વૈભવને, સાહિત્યકાર અને નવોદિતને પોંખીએ અને વધુ લેખક અને ભાવકો સૌ સારાં સાચાં વૈભવી બનીએ.
નવસારી – કિશોર આર. ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.