Gujarat Main

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રદુષણની માત્રા ઘટાડવા આદિવાસી મહિલાઓ ઇ રિક્ષા દોડાવશે

આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રદેશ ભાજપની કારોબારીની સાથો સાથ પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ તથા ભાજપના સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા ઈ રિક્ષાનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઈ- રિક્ષાઓ આદિવાસી મહિલાઓ ચલાવશે. જેના પગલે આ વિસ્તારમાં પ્રદુષણની માત્રા ઓછી થશે.

પીએમ નરેન્દ્ર મોદીએ કેવડિયામાં સ્થાપેલી સરદાર પટેલની સૌથી ઊંચી મૂર્તિની સાથે સાથે ઇકો-ટુરીઝમનાં વિકાસ થકી આ સમગ્ર આદિવાસી વિસ્તારની સામાજિક – આર્થિક પ્રગતિને પ્રોત્સાહન આપવા અનેકવિધ પ્રવાસીય પ્રકલ્પ અમલમાં મૂક્યા છે, તેના કારણે આજે આ સ્થળ વિશ્વકક્ષાનું પ્રવાસન સ્થળ બન્યું છે. સાથે સાથે સ્થાનિકોને રોજગારી આપવાનું પગલાં પણ લેવાયા છે. ગત ૫ જૂન ૨૦૨૧નાં રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નાં રોજ પીએમ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્તારમાં પ્રદુષણ ઓછું થાય તેવા આશયથી બેટરી સંચાલિત વાહનો ચલાવવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો જેના પગલે આજથી ૧૦ જેટલી મહિલા સંચાલિત ઇ-રિક્ષાનું આજે પ્રાયોગિક ધોરણે અમલીકરણ કરવામાં આવ્યુ છે.

આ માટે કેવડિયા સ્થિત એકતા સ્કિલ ડેવલોપમેન્ટ કેન્દ્ર ખાતે ૬૦ જેટલી સ્થાનિક આદિવાસી મહિલાઓને ઇ-રિક્ષા પરિચાલનની વિધિસરની તાલિમ આપવામાં આવી છે . હાલમાં ૨૭ જેટલી મહિલાઓની બીજી બેચને પણ ઇ-રિક્ષા ચલાવવાની તાલીમ આપવામાં આવી રહી છે.આજે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે ઈ રિક્ષાઓનું લોકાર્પણ કરીને મહિલા સંચાલિત ઇ-રિક્ષામાં સવારી કરી હતી. તેમની સાથે મજૂરા વિધાનસભાનાં ધારાસભ્ય હર્ષ સંઘવી પણ જોડાયા હતા. પાટીલે જણાવ્યું હતું કે, આ વિસ્તાર દેશનો પ્રથમ ઇ-વ્હિકલ વિસ્તાર બનાવવાનો નિર્ધાર પીએમ નરેન્દ્ર મોદીએ વ્યકત કર્યો હતો અને આજથી તેનું પ્રથમ ચરણની શરૂઆત થઇ રહ્યું છે. આજે મેં મહિલાઓ સંચાલિત ઇ-રિક્ષામાં પ્રવાસ કર્યો છે મને ઘણો આનંદ થયો અને આ ઈ-રિક્ષા ચાલક બહેનોને પણ હું અભિનંદન પાઠવું છું.

Most Popular

To Top