Gujarat

અમદાવાદ વિમાની મથકેથી છ કરોડના ડ્રગ્સ સાથે એક વિદેશી નાગરિક ઝડપાયો

અમદાવાદના વિમાની મથક ખાતેથી આજે વહેલી સવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ની ટીમે દુબઈથી આવેલી ફ્લાઇટમાંથી એક વિદેશી નાગરિક પાસેથી બે કિલોગ્રામ કોકેઈન ડ્રગ્સના જથ્થા સાથે વિદેશી નાગરિકને ઝડપી લીધો હતો. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂપિયા છ કરોડ જેટલી થવા જાય છે.

એનસીબીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે અમદાવાદ વિમાની મથક ખાતે વોચ ગોઠવવામાં આવી હતી. આજે વહેલી સવારે દુબઈથી આવેલી ફ્લાઇટમાં એક વિદેશી નાગરિક શંકાસ્પદ જણાતા તેની પાસેની બેગમાં તપાસ કરતા બે કિલોગ્રામ જેટલું કોકેઈન ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત છ કરોડ જેટલી થવા જાય છે.

ઓનસીબીની ટીમ વિદેશી નાગરિકની પૂછપરછ કરતા તે ઝાંબિયાનો નાગરિક હોવાનું અને તેનું નામ જોન હેચાબીલા જાણવા મળ્યું હતું. પોલીસે આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યો હતો, અને અમદાવાદમાં કે પછી અન્ય કોઇ જગ્યાએ કોને સપ્લાય કરવાનું હતું, તે અંગે વધુ પૂછપરછ હાથ ધરી છે. તાજેતરમાં જ એનસીબીએ વલસાડના ડુંગરી નજીક થી ૪.૫ કિલો એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી હતી.

Most Popular

To Top