સુરત(Surat): શહેરમાં ટપોરી અસામાજિક તત્વોને કોઈનો ખૌફ રહ્યો નથી. સરેઆમ જાહેરમાં ટપોરીઓ હથિયારો ઉછાળતા ડરતા નથી. હદ તો એ થઈ ગઈ કે ટપોરીઓ સરકારી કર્મચારીઓ પર પણ હુમલો કરી રહ્યાં છે. શહેરમાં આવી જ એક ઘટના બની છે, જેમાં ભરબપોરે ટ્રાફિક બ્રિગેડના (AttackOnTrafficBrigade) જવાન પર હુમલો થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ખટોદરા ખરવર નગર BRTS બસ સ્ટેન્ડમાં TRB જવાન સુશીલ સોમા ઢોડિયાને ટપોરીએ ભર બપોરે બ્લેડના ઘા મારી લોહી લુહાણ કરી દીધો છે. TRB જવાનને ઘા માર્યા બાદ ટપોરી બસમાં બેસી ભાગી ગયો હતો. ઇજાગ્રસ્ત હાલતમાં જમીન પર પડેલા સુશીલને 108ની મદદથી સારવાર માટે સિવિલ ખસેડાતા પોલીસને જાણ કરાઈ હતી.
સુશીલ સોમા ઢોડિયા એ જણાવ્યું હતું કે તેઓ (ઉં.વ.26) મૂળ વ્યારા સોનગઢના રહેવાસી છે. હાલ પરિવાર સાથે સુરત અમરોલી સુડા આવાસમાં રહે છે. છેલ્લાં 4-5 વર્ષથી તેઓ TRB માં ફરજ બજાવે છે. આજે તેઓ ઘોડદોડ રોડ રામચોક સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ સામે નોકરી પુરી કરી ઘરે જવા નીકળ્યા હતા. ખરવર નગર BRTS સ્ટેન્ડ ઉપર બસની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે ટપોરીએ હુમલો કર્યો હતો.
વધુમાં જણાવ્યું હતું કે, ધક્કો વાગતા ‘ભાઈ જોઈ ને’ એટલું જ કહ્યું હતું ત્યાં તો ટપોરી ઈસમ દાદાગીરી પર ઉતરી પડ્યો હતો. કંઈ સમજ પડે એ પહેલા જ ખિસ્સામાંથી બ્લેડ કાઢી ડાબા હાથમાં મારી દીધી હતી. ત્યાર બાદ લોકોની ભીડ ભેગી થઈ જતા બસમાં બેસી ભાગી ગયો હતો. લોહી લુહાણ હાલતમાં તાત્કાલિક 108માં કોલ કરતા તેઓ સિવિલ લઈ આવ્યા હતા.
વધુમાં જણાવ્યું હતું કે પરિવારમાં 2 બહેન અને માતા-પિતા છે. ઘટનાની જાણ થતાં પરિવાર ડરી ગયો છે. હાલ અમારા સિનિયર અધિકારીઓને જાણ કરી દીધી છે. પોલીસ તપાસ ચાલુ છે.