ચીને માગણી કરી છે કે ભારતે લદાખમાં ભારત-ચીન સરહદે 20 kmનો બફર ઝોન રચવો જોઈએ. બફર ઝોન એટલે એવો પ્રદેશ જ્યાં લોકો ભલે રહેતા હોય, ભલે તેમને નાગરિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે પણ જ્યાં સુધી બે દેશ વચ્ચે સીમા સમજૂતી ન થાય ત્યાં સુધી વ્યાપક પ્રમાણમાં લશ્કરી કે મુલ્કી બાંધકામ (ઇન્ફ્રાસ્ટ્રકચર) કરવામાં ન આવે. આ માગણી ચીને ભારત ચીન સરહદી મંત્રણાના અઢારમા રાઉન્ડમાં કરી હતી જે 23મી એપ્રિલે યોજાઈ હતી. 5 અઠવાડિયાં કરતાં વધુ સમય થઈ ગયો પણ તમને આ વાતની જાણ હતી? આ બાબતે ભારતે શું કહેવાનું છે એ તો પછીની વાત છે, અહીં તો વાટાઘાટોમાં શું મુદ્દા ઉપસ્થિત થઈ રહ્યા છે તેની જાણકારી જ આપવામાં નથી આવતી. ચીની કે બીજા દેશોના મીડિયા દ્વારા આપણને ખબર પડે છે કે ચીન શું કરી રહ્યું છે?
સામ્યવાદી ચીને તિબેટ પર આક્રમણ કર્યું એ પછી 7 નવેમ્બરે સરદાર વલ્લભભાઇ પટેલે વડા પ્રધાન જવાહરલાલ નેહરુને લાંબો પત્ર લખીને સલાહ આપી હતી કે તિબેટ ભારત અને ચીન વચ્ચે બફર સ્ટેટ બની રહેવું જોઈએ. નેહરુ વિરોધી રાષ્ટ્રવાદીઓ આ પત્રની યાદ હંમેશાં કરાવે છે. આવો એક પત્ર એ સમયના કૃષિ અને અન્ન પુરવઠા પ્રધાન કનૈયાલાલ મુનશીએ પણ લખ્યો હતો. એ વાત સાચી છે કે આવું સૂચન સરદાર અને મુનશીએ કર્યું હતું પરંતુ એ કઈ રીતે થાય તેની કોઈ રૂપરેખા બેમાંથી કોઈએ આપી નથી.
તિબેટ 1720ની સાલથી વ્યવહારમાં ચીનના કબજામાં હતું. વાચકોએ હેનરિક હેરરનું ‘સેવન યર્સ ઇન તિબેટ’નામનું પુસ્તક વાંચવું જોઈએ અથવા એ જ નામથી બનેલી ફિલ્મ જોવી જોઈએ. (આ પુસ્તક ગુજરાતીમાં પણ ઉપલબ્ધ છે. મહેન્દ્રભાઈ મેઘાણીએ તેનો અનુવાદ કર્યો છે) તિબેટ દુનિયાના અંધારે ખૂણે પડેલું, દુનિયામાં શું બની રહ્યું છે એની જાણકારી વિનાનું, એકલું અટૂલું, ઉપેક્ષિત, અવિકસિત, જગત કરતાં લગભગ 500 વરસ પાછળ એવું એક રાષ્ટ્ર હતું. 1903માં લોર્ડ કર્ઝનના કહેવાથી કર્નલ ફ્રાન્સીસ યંગહસબંડના નેતૃત્વ હેઠળ સૈનિકોની એક ટુકડીએ તિબેટમાં પ્રવેશ કર્યો ત્યારે તિબેટના 13મા દલાઈ લામા ડરીને મોંગોલિયા નાસી ગયા હતા.
ગાંધીજીએ તેમનાં દક્ષિણ આફ્રિકાનાં વર્ષો દરમિયાન પડછંદ કાયા ધરાવતા કાળાઓને એકલાઅટૂલા ગોરાને જોઇને નાસી જતા જોયા હતા અને એવા નિર્ણય પર આવ્યા હતા કે જ્યાં સુધી પ્રજાની અંદર આત્મવિશ્વાસ પેદા ન થાય ત્યાં સુધી કોઈ પ્રજા બે પગે ઊભી ન રહી શકે, આઝાદી તો બહુ દૂરની વાત છે માટે તેમણે કહ્યું હતું કે કાળાઓની મુક્તિ માટેની લડતને હજુ વાર છે. તેમનું બીજું તારણ એ હતું કે બળ બાવડામાં નથી, આત્મામાં છે.
આમ સરદાર અને મુનશીએ કહ્યું તો ખરું કે તિબેટને બફર સ્ટેટ તરીકે જાળવી રાખવું જોઈએ પણ એ કઈ રીતે તેનો કોઈ માર્ગ બતાવ્યો નહોતો કારણ કે એવો કોઈ માર્ગ હતો જ નહીં. કાળા આફ્રિકનોની માફક તિબેટીઓ પણ પોતાની જાતઓળખ ધરાવતા નહોતા. બે પગે ઊભા રહી શકે એમ નહોતા. પણ રાષ્ટ્રવાદીઓ એવો દેખાવ કરે છે કે સરદારે રામબાણ ઉપાય સૂચવ્યો હતો જે નેહરુએ અજમાવ્યો નહોતો. હવે ચીને એ જ ભારતના એ જ સરદારના કહેવાતા રાષ્ટ્રવાદી રાજકીય અનુયાયીઓને કહ્યું છે કે લદાખમાં ભારત અંકુશરેખાને લાગીને એટલે કે ભારતની તરફ 20 kmનો બફર ઝોન રચે. સરદારનાં સૂચનથી બરાબર ઊલટું.
તિબેટને બફર ઝોન બનાવવાની જગ્યાએ તિબેટની આ બાજુએ ભારતમાં લદાખમાં બફર ઝોન રચવાની માગણી ચીને કરી છે પણ ન ચૂં કે ચા. પ્રજાને જાણકારી જ આપવામાં નથી આવતી. બહારથી ખબર પડે છે કે ચીન શું કરી રહ્યું છે? 64માંથી 27 પેટ્રોલિંગ સ્ટેશન ભારતે ગુમાવી દીધાં છે એની જાણ બહારથી થઈ. ભારત કહી શક્યું હોત કે એ શક્ય નથી. અમે એક ઇંચ પણ જમીન જતી નહીં કરીએ. હા, સરહદ સમજૂતી માટે તૈયાર છીએ. ભારત કહી શક્યું હોત કે જો બફર ઝોન રચવા જ હોય તો અંકુશરેખાની બન્ને તરફ બન્ને દેશો ઝોન રચે. આવું કહ્યું હોત તો જનતાને 56’’ની છાતીનો પરિચય પણ થાત. જાહેરસભાઓમાં મર્દાનગી જોઇને જો કેટલાક લોકો ગદગદિત થઈ જતા હોય તો કલ્પના કરો કે ચીનને મોઢામોઢ આમ કહ્યું હોત તો તો તેમનાં ઘરે લાપસીના આંધણ મુકાયા હોત. પણ ન ચૂં કે ન ચા.
બીજું ચીને બફર ઝોનની માગણી માત્ર લડાખ સરહદે કરી છે, અરુણાચલ પ્રદેશમાં નથી કરી. શા માટે નથી કરી? ભારતે કહેવું જોઈતું હતું કે આપણે બન્ને સમગ્ર સરહદે બન્ને તરફ બફર ઝોન રચીએ. પછીથી નિરાંતે વાટાઘાટો કરીશું અને ધીરે ધીરે વિવાદનો અંત લાવશું. યુદ્ધની સંભવના નહીં રહે અને કારણ વિનાના લશ્કરી ખર્ચાઓથી બન્ને દેશને રાહત મળશે. એ પૈસા લોકોના વિકાસ પાછળ ખર્ચી શકાશે. ચીને અરુણાચલ પ્રદેશમાં બફર ઝોનની માગણી એટલા માટે નથી કરી કે તે અરુણાચલ પ્રદેશને વિવાદિત સમજતું જ નથી. સંપૂર્ણ અરુણાચલ પ્રદેશ પર ચીન દાવો કરે છે. બને કે વાટાઘાટો દરમિયાન ભારતે બન્ને તરફ અને સમગ્ર સરહદે બફર ઝોન રચવાની માગણી કરી પણ હોય અને ચીને તે સાંભળતાની સાથે જ ઠુકરાવી દીધી હશે.
જે હોય તે, ભારત પોતાની ભૂમિકા સ્પષ્ટ કેમ નથી કરતું? શા માટે પ્રજાને વિશ્વાસમાં લેવામાં નથી આવતી? રાહુલ ગાંધી જ્યારે પૂછે છે કે ચીન સાથે શું ચાલી રહ્યું છે અને આપણે આપણો કેટલો પ્રદેશ ગુમાવ્યો છે એ દેશની જનતાને વિશ્વાસમાં લઈને કહો ત્યારે તેમને દેશદ્રોહી જાહેર કરવામાં આવે છે. દેશહિતમાં પ્રશ્ન પૂછનાર દેશદ્રોહી અને મૂંગા રહેનાર દેશપ્રેમી! બુદ્ધિનું આવું તળિયું આ પહેલાં ક્યારેય જોવા મળ્યું નથી.
એની વે, ચીને ઉપર કહી એવી લદાખમાં થોડો ઘણો નહીં, 20 kmનો બફર ઝોન રચવાની માગણી કરી છે અને એ પણ માત્ર લદાખમાં, અરુણાચલ પ્રદેશમાં નહીં. ભારત ચૂપ છે. આ ભારતના ભડવીર શાસકોની આજના દિવસની વાસ્તવિકતા છે માટે ગાંધીજીએ કહ્યું હતું કે સાચી તાકાત કાળજામાં હોય છે, બાવડામાં કે હથિયારોમાં નથી હોતી. કૃતિ વિનાના ઠાલા શબ્દોમાં તો જરાય નથી હોતી.